Bhavnagar News: ભાવનગર જિલ્લાના સિદસર વિસ્તારમાં ગેરકાયદે ચાલતા હોવાનું પોલીસ દ્વારા જણાવાયેલા એક મદ્રેસા (Sidsar Illegal Madrasa) પર દરોડા બાદ મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી ઉર્દૂ અને અરબી ભાષામાં લખાયેલું સાહિત્ય તેમજ વિદ્યાર્થીઓની કેટલીક નોટબુક્સ મળી આવી હતી. ભાષાંતર બાદ તેમાં ધાર્મિક વૈમનસ્ય ફેલાવે તેવું લખાણ હોવાનો પ્રાથમિક દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
21 જુલાઈએ દરોડો
ભાવનગર ગ્રામ્યના ASP ઘનશ્યામ ગૌતમના જણાવ્યા અનુસાર, 21 જુલાઈએ સિદસરના 25 વારિયા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન એક ધાર્મિક શિક્ષણ કેન્દ્ર મળી આવ્યું, જ્યાંથી 26 વર્ષીય મૌલાના સફીક મરેડિયા મળી આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ સ્થળ પરથી મળેલા કેટલાક પુસ્તકો અને દસ્તાવેજો ઉર્દૂ તથા અરબી ભાષામાં હતા. ભાષાંતર કરાવ્યા બાદ તેમાં અન્ય ધર્મો પ્રત્યે અપમાનજનક અને ધાર્મિક વૈમનસ્ય ફેલાવે તેવી સામગ્રી હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે.
Sidsar Illegal Madrasa: નોટબુક્સની પણ તપાસ
પોલીસના જણાવ્યા મુજબ મદ્રેસા (Sidsar Illegal Madrasa)માં અભ્યાસ કરતા બાળકોની નોટબુક્સની તપાસ દરમિયાન પણ વાંધાજનક લખાણ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. આ તમામ સામગ્રીને તપાસના ભાગરૂપે કબજે લેવામાં આવી છે.
ફંડિંગ એંગલની તપાસ
તપાસ દરમિયાન મદ્રેસા (Sidsar Illegal Madrasa)ના સંચાલન માટે સ્થાનિક સ્તરે બે વ્યક્તિઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. બંને વ્યક્તિઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને નાણાંકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે.
ગરીબ બાળકોને પ્રલોભન આપ્યાનો આક્ષેપ
પોલીસનો દાવો છે કે આરોપી વિશેષ સમુદાયના આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને નિશાન બનાવી શિક્ષણ અને આર્થિક સહાયના નામે મદ્રેસા (Sidsar Illegal Madrasa)માં જોડાવા પ્રોત્સાહિત કરતો હતો. આ દાવાની પણ તપાસ કરવામાં આવી રહી છે.
અનેક કલમો હેઠળ ગુનો નોંધાયો
પોલીસે મૌલાના સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. કોર્ટમાં રજૂઆત બાદ આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.ASP ઘનશ્યામ ગૌતમે જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં કોઈ આતંકવાદી મોડ્યુલ (ટેરર મોડ્યુલ) સાથે સીધો સંબંધ મળ્યો નથી. જોકે તમામ સંભવિત પાસાઓની તપાસ ચાલુ છે, જેમાં અન્ય જિલ્લાઓ સાથેના સંભવિત જોડાણોની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટે યુપીના મદ્રેસા એક્ટને માન્ય રાખ્યો, HCનો નિર્ણય નકાર્યો, 17 લાખ વિદ્યાર્થીઓને રાહત
આ પણ વાંચો:ખીણ વિસ્તારમાં સેનાને મળી મોટી સફળતા, મદ્રેસામાંથી આંતકી ઝડપાયો
આ પણ વાંચો:અમરેલી: મૌલવીની ‘પાક’ કનેક્શન મામલે ગુજરાત ATS કરશે પૂછપરછ
