Budget 2026 Gujarat Benefits: કેન્દ્રીય બજેટ 2026ને આવકારતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેને ‘વિકસિત ભારત’ના નિર્માણ માટેની મજબૂત પીઠિકા ગણાવ્યું છે. ગાંધીનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં આ બજેટ આર્થિક વૃદ્ધિ, કેપેસિટી બિલ્ડિંગ અને જનભાગીદારીના ત્રણ મુખ્ય કર્તવ્યો પર આધારિત છે.
ગુજરાત માટે Budget 2026ના ‘અનમોલ’ લાભ
મુખ્યમંત્રીએ બજેટના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, આ બજેટ ગુજરાતના ઉદ્યોગો અને યુવાનો માટે નવી તકો લઈને આવ્યું છે. બજેટમાં ગિફ્ટ સિટી માટે ટેક્સ હોલીડેની મર્યાદા 10 વર્ષથી વધારીને 20 વર્ષ કરવામાં આવી છે, જેનાથી રોકાણકારોનો ભરોસો વધશે. રાજ્યના 42.9 લાખ MSME એકમો માટે 10 હજાર કરોડના SME ફંડની જાહેરાત કરવામાં આવી છે, જે લિક્વિડિટી વધારી ‘ચેમ્પિયન MSME’ ના નિર્માણમાં મદદરૂપ થશે.
વધુમાં, 16માં નાણાપંચ મુજબ ગુજરાતનું સેન્ટ્રલ ડીવોલ્યુશન 3.48% થી વધારીને 3.75% કરાતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટને વેગ મળશે. ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન 2.0 અને 10 હજાર કરોડના ‘બાયોફાર્મા શક્તિ’ કાર્યક્રમનો સીધો લાભ પણ રાજ્યને મળશે. ઉપરાંત, દાનકુનીથી સુરત સુધીના નવા ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરથી ટેક્સટાઇલ અને વ્યાપાર ક્ષેત્રને ઝડપી લોજિસ્ટિક્સ સુવિધા પ્રાપ્ત થશે.

યુવાનો અને રમતગમત પર ભાર
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે સજ્જ ગુજરાતના સ્પોર્ટ્સ સેક્ટરને **’ખેલો ઇન્ડિયા મિશન’**થી નવી પ્રેરણા મળશે. આ ઉપરાંત, AVGC (એનિમેશન, ગેમિંગ) ક્ષેત્રમાં 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ્સ તૈયાર કરવાના લક્ષ્ય સાથે શાળાઓ અને કોલેજોમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપવામાં આવશે, જેનો લાભ ગુજરાતના યુવાનોને મળશે.

નાના શહેરોનો વિકાસ
5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર-2 અને ટીયર-3 શહેરોને ‘સિટી ઇકોનોમિક રિજીયન’ તરીકે વિકસાવવાની જાહેરાતથી ગુજરાતના નાના શહેરો ગ્રોથ હબ તરીકે ઉભરી આવશે.
મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ગુજરાત આ બજેટનો લાભ લઈને ડબલ એન્જિન સરકારની ગતિથી વિકસિત ભારતના લક્ષ્યને સિદ્ધ કરવામાં લીડ લેશે. આ પત્રકાર પરિષદમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
