Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના બજેટ સત્રને લઈને સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ આગામી 18મી ફેબ્રુઆરીએ રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે. આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો અને યુવાનો માટે અનેક મહત્વની જાહેરાતો થવાની શક્યતા સેવાઈ રહી છે.
Gujarat Budget 2026નું ટાઈમ ટેબલ
વિધાનસભા સચિવાલય દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર કાર્યક્રમ મુજબ, ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં શરૂ થશે. જે અંતર્ગત 16મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે સત્રનો પ્રારંભ કરવામાં આવશે અને ત્યારબાદ 18મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈ રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ રજૂ કરશે.
નાણામંત્રી કનુ દેસાઈનું પાંચમું બજેટ
કનુ દેસાઈ વર્ષ 2021 થી ગુજરાતના નાણામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ તેમનું સતત પાંચમું બજેટ હશે. અગાઉના વર્ષોમાં તેમણે રેકોર્ડ બ્રેક કદના બજેટ રજૂ કર્યા છે, ત્યારે આ વર્ષે પણ બજેટના કદમાં ધરખમ વધારો જોવા મળી શકે છે.
લોકોની અપેક્ષાઓ
આ બજેટમાં ખાસ કરીને ગુજરાતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી પર વિશેષ ભાર મૂકવામાં આવે તેવી ધારણા છે. ખેડૂતો માટે સિંચાઈ અને વીજળી સહાય તેમજ શહેરી વિસ્તારો માટે ટ્રાફિક અને આધુનિક સુવિધાઓને લગતી મોટી જોગવાઈઓ થઈ શકે છે.
