રિપોર્ટર@ અમિત રૂપાપરા, સુરત
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ અલગ વિસ્તારમાંથી સાયકલ ચોરી થવાની ઘટનાઓ વધુ બનવા પામી હતી. તેથી આ બાબતે સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ SOG પોલીસે અલગ અલગ ટીમો બનાવી સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપતા ત્રણ આરોપીની ધરપકડ કરી છે. તેમની પાસેથી 42 જેટલી સાયકલનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે. આ ત્રણેય આરોપી ઓરિસ્સાના ગંજામના વતની છે.
સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી સાયકલ ચોરીના બનાવો વધ્યા હતા. તેથી આ બાબતે સુરત SOGની ટીમ કામે લાગી હતી. SOG પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ જેટલી ટીમો તૈયાર કરવામાં આવી હતી. આ ત્રણેય ટીમો દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી સાયકલ ચોરોને પકડવાની મૂહિમ હાથ ધરવામાં આવી હતી.
SOG પોલીસ દ્વારા સાયકલ ચોરોને પકડવા માટે અંદાજિત 450 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ હાથ ધરવામાં આવી હતી અને તપાસ દરમિયાન પોલીસને ત્રણ ઇસમો શંકાસ્પદ જણાયા હતા. આ ત્રણેય ઈસમો રીક્ષામાં જતા હતા અને અલગ અલગ વિસ્તારમાં ફરી સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. આ ત્રણેયની ઇમો એવી હતી કે, મોટાભાગે ટ્યુશન ક્લાસની બહાર એક સ્કૂલબેગ જેવું બેગ ખભા પર ટીંગાડીને આ ઈસમો રેકી કરતા હતા અને ત્યારબાદ જે સાઇકલના લોક ખુલ્લા હોય તે સાયકલની ચોરી કરી આ ઇસમો ફરાર થતા હતા.
SOG પોલીસે બાતમીના આધારે કોસાડ આવાસ નજીકથી સાયકલ ચોરીની ઘટનાને અંજામ આપતા ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. આ ત્રણેય ઈસમોના નામ સન્યા સ્વાઈ, પંચુભાઈ સુબુધી અને ગૌતમ પ્રધાન હોવાનું સામે આવ્યું છે. આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે તેઓ ટ્યુશન ક્લાસ, શોપિંગ મોલ અને રહેણાંક વિસ્તારમાંથી જે સાયકલના લોક ખુલ્લા હોય તે સાયકલની ચોરી કરતા હતા. આ સાયકલમાં મોટાભાગની સ્પોર્ટ સાયકલની ચોરી તેમના દ્વારા કરવામાં આવતી હતી. આ ત્રણે આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામના વતની છે અને તેઓ આ ચોરી કરાયેલી સાયકલોને ઓરિસ્સામાં વેચવાની ફિરાકમાં હતા પરંતુ આ ઇસમો સાઇકલ ચોરીની ઘટનાને અંજામ આપે તે પહેલા જ તેમની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 2,64,700નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલમાં 50000 રૂપિયાની કિંમતની એક રીક્ષા અને 42 સાયકલનો સમાવેશ થાય છે. આ 42 સાયકલની કિંમત 2,14,700 થવા પામે છે.
