New Delhi News : કેન્દ્ર સરકારે દેશમાં તમાકુ નિયંત્રણને વધુ કડક બનાવતા અને મહેસૂલ માળખાને મજબૂત કરતા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા તાજેતરના જાહેરનામા મુજબ, સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદનો પરની એક્સાઇઝ ડ્યુટી (Excise Duty)માં નોંધપાત્ર વધારો અને ફેરફાર કરવામાં આવ્યો છે. આ નવી કર વ્યવસ્થા 1 ફેબ્રુઆરી, 2026થી અમલમાં આવશે, જેના કારણે સિગારેટના ભાવમાં વધારો થવાની શક્યતા છે અને તેનો સીધો અસર ધૂમ્રપાન કરનારાઓના ખિસ્સા પર પડશે.
સરકારે સિગારેટની લંબાઈ અને પ્રકારના આધારે નવી એક્સાઇઝ ડ્યુટી (Excise Duty) નક્કી કરી છે. નવા નિયમો મુજબ, વધારાની એક્સાઇઝ ડ્યુટી (Excise Duty) ₹2,050 થી શરૂ થઈને ₹8,500 પ્રતિ 1,000 સિગારેટ સુધી રહેશે. આ વર્ગીકરણ દ્વારા સામાન્ય અને પ્રીમિયમ સિગારેટ વચ્ચે કરનો સ્પષ્ટ ભેદ ઉભો કરવામાં આવ્યો છે, જેથી વધુ મોંઘી અને લાંબી સિગારેટ પર વધારે કર વસૂલવામાં આવશે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે આ નવી એક્સાઇઝ ડ્યુટી અલગથી વસૂલવામાં આવશે અને તે તમાકુ ઉત્પાદનો પર પહેલાથી લાગુ 40 ટકા ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઉપરાંત ચૂકવવાની રહેશે. એટલે કે, સિગારેટ પર કુલ કર ભાર નોંધપાત્ર રીતે વધશે. આ ફેરફારને તાજેતરમાં સંસદ દ્વારા પસાર કરાયેલા સેન્ટ્રલ એક્સાઇઝ (સુધારા) બિલ, 2025 દ્વારા કાયદેસર સ્વરૂપ આપવામાં આવ્યું છે.
આ બિલનો મુખ્ય હેતુ GST વળતર ઉપકરની સમાપ્તિ બાદ ઊભી થયેલી મહેસૂલ ખાધને પૂર્ણ કરવાનો અને એક્સાઇઝ ડ્યુટી (Excise Duty) ના માળખાને વધુ સુવ્યવસ્થિત કરવાનો છે. સરકારનું માનવું છે કે આ પગલાથી આવકમાં વધારો થશે અને સાથે સાથે જાહેર આરોગ્યના હિતમાં તમાકુ વપરાશને નિયંત્રિત કરવામાં મદદ મળશે.
સંસદમાં ચર્ચા દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું હતું કે આ એક્સાઇઝ ડ્યુટી (Excise Duty) દ્વારા એકત્રિત થતી આવક “વિભાજ્ય ભંડોળ”નો ભાગ બનશે. તેમણે જણાવ્યું કે, “આબકારી શુલ્ક ઉપકર નથી. એકત્રિત થતી આવક રાજ્યો સાથે 41 ટકાના નિશ્ચિત દરે વહેંચવામાં આવશે.” એટલે કે, આ કરમાંથી રાજ્યોને પણ સીધો લાભ મળશે.
નાણામંત્રીએ વધુમાં કહ્યું હતું કે GST પહેલાં પણ તમાકુ ઉત્પાદનો પર દર વર્ષે કરમાં વધારો કરવામાં આવતો હતો. વિશ્વના ઘણા દેશો ફુગાવા સાથે તાલમેલ રાખવા અને સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓને કારણે નિયમિત રીતે તમાકુ પરના કરમાં વધારો કરે છે. ભારતમાં પણ આ વધારાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને તમાકુના વ્યસનથી દૂર રાખવાનો અને જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે.
આ રીતે, કેન્દ્ર સરકારનો આ નિર્ણય એક તરફ મહેસૂલ વધારવામાં મદદરૂપ બનશે, જ્યારે બીજી તરફ તમાકુ વપરાશ ઘટાડીને સ્વસ્થ સમાજની દિશામાં મહત્વપૂર્ણ પગલું સાબિત થવાની અપેક્ષા છે.
