Rajkot News : ગુજરાતના ઉદ્યોગજગતમાં લાંબા સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી ‘રિજનલ વાઈબ્રન્ટ સમિટ’ (Regional Vibrant Summit)માટે રંગીલું રાજકોટ સજ્જ બન્યું છે. આગામી 11મી જાન્યુઆરીના રોજ રાજ્ય સરકાર દ્વારા રાજકોટમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહી સૌરાષ્ટ્રના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રને નવી દિશા અને નવો ઉત્સાહ આપશે.
સમિટના મુખ્ય આકર્ષણરૂપે વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ-શો યોજાશે. આ રોડ-શો માટેની તૈયારીઓ તેજ ગતિએ ચાલી રહી છે. સરકારના મંત્રી જીતુ વાઘાણી, સાંસદો અને ધારાસભ્યો જુના એરપોર્ટ ખાતે પહોંચીને રોડ-શો રૂટનું નિરીક્ષણ કરી ચૂક્યા છે. આ સમયે જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
મળતી માહિતી અનુસાર, અંદાજે 1 કિલોમીટર લાંબો રોડ-શો યોજાવાની શક્યતા છે. રોડ-શોનો રૂટ જુના એરપોર્ટથી શરૂ થઈ આમ્રપાલી સર્કલ, હનુમાન મઢી ચોક, રૈયા રોડ, માધાપર ચોકડી થઈ મારવાડી કોલેજ સુધી રાખવામાં આવ્યો છે. પીએમના સ્વાગત માટે સમગ્ર રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે Regional Vibrant Summit નું ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ ટ્રેડ શો અને ‘રિજનલ વાઈબ્રન્ટ સમિટ’ (Regional Vibrant Summit) નું ઉદ્ઘાટન કરવામાં આવશે, જે સ્થાનિક ઉદ્યોગકારો માટે ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ સાબિત થવાનું માનવામાં આવી રહ્યું છે.
વૈશ્વિક ભાગીદારી અને મોટા રોકાણોની શક્યતા
આ રિજનલ વાઈબ્રન્ટ સમિટ (Regional Vibrant Summit) માં સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તરના ઉદ્યોગકારો જોડાશે.
યુક્રેન, જાપાન, કોરિયા અને યુગાન્ડા સહિત કુલ 22 દેશોના ઉદ્યોગકારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અદાણી, ટાટા અને રિલાયન્સ જેવા દેશના દિગ્ગજ ઉદ્યોગ ગૃહો પણ સમિટમાં સહભાગી બનશે.
સમિટ દરમિયાન સૌરાષ્ટ્રના વિકાસ માટે અનેક મહત્વના MOU પર હસ્તાક્ષર થવાની શક્યતા છે.
અત્યાર સુધીમાં 6 હજારથી વધુ લોકોએ નોંધણી કરાવી છે.
જિલ્લા પ્રશાસનની તડામાર તૈયારીઓ
રાજકોટ કલેક્ટર ઓમપ્રકાશ મચ્છરની આગેવાનીમાં જિલ્લા પ્રશાસન છેલ્લા ઘણા સમયથી આ મહાયોજનને સફળ બનાવવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યું છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
આયોજનની મુખ્ય વિશેષતાઓ
26,400 ચોરસ મીટર વિસ્તારમાં વિશાળ પ્રદર્શનનું આયોજન
વડાપ્રધાનનું સ્વાગત સંપૂર્ણપણે ‘સ્વદેશી થીમ’ પર
સ્ટાર્ટઅપ અને MSME માટે વિવિધ વિષયો પર સેમિનારો અને બેઠક
સમિટની શાન વધારતા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો
મહેસાણા બાદ હવે રાજકોટમાં આયોજિત આ રિજનલ વાઈબ્રન્ટ સમિટ (Regional Vibrant Summit) નો મુખ્ય હેતુ સૌરાષ્ટ્રના લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વૈશ્વિક મંચ આપવાનો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેક મંત્રીઓની હાજરીમાં યોજાનારી આ સમિટથી રોજગારી, રોકાણ અને વિકાસની નવી તકો ઊભી થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: મહેસાણામાં ઉત્તર ગુજરાતની ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી…
