Gandhinagar News: મહેસાણા (Mehsana)માં ઉત્તર ગુજરાતની ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ (VGRC)નો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શાનદાર પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.
‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ સાથે બે દિવસીય પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહભાગી થયા.
વડાપ્રધાને આપેલા ‘વોકલ ફોર લોકલ – લોકલ ફોર ગ્લોબલ’ અને આત્મનિર્ભર ભારતનો ધ્યેય રિજનલ વાઈબ્રન્ટ કોન્ફરન્સ પાર પાડશે એવું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવેલા મુખ્ય મુદ્દાઓ:
– સ્વદેશી ઉત્પાદનોના વેગ સાથે સ્થાનિક ઉદ્યોગો અને રાજ્યના વિવિધ પ્રદેશોની ક્ષમતા વૈશ્વિકસ્તરે ઉજાગર થશે
– વડાપ્રધાને વાઇબ્રન્ટ સમિટથી બનાવેલું ‘ગ્લોબલ ગેટ વે ટુ ધ ફ્યુચર’ ગુજરાત 68.9 બિલિયન ડોલર એફડીઆઈ તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં 18 ટકાના યોગદાન સાથે દેશમાં અગ્રેસર
– વાઇબ્રન્ટ સમિટ 2024માં ઉત્તર ગુજરાત માટે થયેલા એમઓયુના 72 ટકા પ્રોજેક્ટ કમિશન્ડ થઈ ગયા
– વાઇબ્રન્ટ સમિટ થકી રાજ્યના એમએસએમઈને વેગ મળ્યો – 27 લાખ એમએસએમઈ કાર્યરત થયા
– સીધો સૂર્યપ્રકાશ ધરાવતી ઉત્તર ગુજરાતની ભૂમિના સોલાર એનર્જી પોટેન્શિયલને ચારણકા સોલર પાર્ક થકી વડાપ્રધાને વિશ્વ સમક્ષ ઉજાગર કર્યું
– માંડલ બેચરાજી SIRથી ગુજરાત ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બન્યું
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવેલા મુખ્ય મુદ્દાઓ:
– વિશ્વના બદલાતાં જિયો પૉલિટિકલ સિનારિયોમાં ‘આત્મનિર્ભર ભારત’ જ વિકાસનો એકમાત્ર રાજમાર્ગ
– ઑગસ્ટ, 2027 સુધીમાં ગુજરાતમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય
– છેલ્લાં 11 વર્ષ દરમિયાન ગુજરાતમાં રેલક્ષેત્રે રૂ. 1.46 લાખ કરોડ અને સેમિકંડક્ટર ક્ષેત્રે રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ આવ્યું
નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસીની જાહેરાત તથા એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરાર એક્સચેન્જ કરાયાં
સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે GRIT દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજિનલ કોન્ફરન્સનો મહેસાણા જિલ્લાથી પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ’ના ધ્યેય આવી કોન્ફરન્સને સુપેરે પાર પાડશે.
આ સંદર્ભમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાને આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ઉત્પાદનોને વેગ આપવાનું જે આહવાન કર્યું છે, તેમાં સ્થાનિક ઉદ્યોગો પણ સહભાગી થઈ શકે, એટલું જ નહીં પ્રાદેશિક ક્ષમતાઓ પણ વૈશ્વિક સ્તરે ઉજાગર થઈ શકે તે માટે આવી રિજનલ કોન્ફરન્સીસ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રીઓ તેમજ જાણીતા ઉદ્યોગકારોની પ્રોત્સાહક ઉપસ્થિતિ
મુખ્યમંત્રીએ વાઇબ્રન્ટ ગુજરાતની રિજનલ કોન્ફરન્સની શૃંખલામાં ઉત્તર ગુજરાતની વીજીઆરસી (VGRC)નો પ્રારંભ મહેસાણાની ગણપત યુનિવર્સિટી (Ganpat University, Mehsana)ના પરિસરથી કરાવ્યો હતો. આ બે દિવસીય કોન્ફરન્સના ઉદ્ઘાટન સત્રમાં કેન્દ્રીય રેલવે અને માહિતી- પ્રસારણ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓ તથા દેશ-વિદેશના વિવિધ ડેલિગેટ્સ તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ પણ આ ઉદ્ઘાટન સત્રમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહેસાણામાં ઉત્તર ગુજરાતના પ્રદેશની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શાનદાર પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે યોજાયેલા ટ્રેડ શો અને પ્રદર્શનને પણ ખુલ્લું મૂક્યું હતું.
‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’
‘રિજનલ એસ્પિરેશન્સ, ગ્લોબલ એમ્બિશન્સ’ના ધ્યેયમંત્ર સાથે મહેસાણામાં શરૂ થયેલા બે દિવસીય પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીના હસ્તે નવા જીઆઇડીસી એસ્ટેટ્સ અને સ્માર્ટ જીઆઇડીસી (GIDC)ની જાહેરાત કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત સહિત અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાન સહિત સંતુલિત પ્રાદેશિક વિકાસના ધ્યેય સાથે GRIT દ્વારા તૈયાર કરાયેલા ઉત્તર ગુજરાત અને અન્ય રિજિયનના ઇકોનોમિક માસ્ટર પ્લાનની બુકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન સમારોહમાં એમઓયુ અને સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કરારો પણ એક્સચેન્જ કરવામાં આવ્યા હતા.
આ માસ્ટર પ્લાન ગુજરાતના 33 જિલ્લામાં સંતુલિત પ્રાદેશિક વિકાસ દ્વારા રાજ્યની અર્થવ્યવસ્થાને વર્તમાન 280 બિલિયન ડૉલર (નાણાકીય વર્ષ 2023)ના કદથી વધારીને 3.5 ટ્રિલિયન ડૉલરથી વધુ સુધી પહોંચાડવાના મહત્ત્વકાંક્ષી લક્ષ્યને સિદ્ધ કરવાનો રોડમેપ છે.
આ પ્રાદેશિક માસ્ટર પ્લાન્સ દરેક ક્ષેત્રની સ્થાનિક ઉત્પાદન ક્ષમતાઓને અનુરૂપ, ફ્યુચરિસ્ટિક સેક્ટરને લક્ષ્ય બનાવશે
આ અવસરે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા જાણીતા ઉદ્યોગકારો, વિવિધ દેશોના રાજદૂતો, વૈશ્વિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ આ પ્રસગે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વેપારી રાજ્ય તરીકેની ઓળખ બદલવા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2003થી એક અભિનવ પહેલ રૂપે શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તરોતર સફળતાથી ગુજરાત ‘ગ્લોબલ ગેટ વે ટુ ધી ફ્યુચર’ બન્યું છે. એટલું જ નહીં 24 વર્ષમાં 68.9 બિલિયન યુ.એસ ડોલર એફડીઆઈ અને દેશના વૈશ્વિક ઉત્પાદનમાં ગુજરાત 18 ટકાના ફાળા સાથે અગ્રેસર છે.
તેમણે કહ્યું કે, રાજ્યમાં ઉદ્યોગ-ધંધા અને વેપારને વેગ મળે એ માટે નરેન્દ્ર મોદી (PM Modi)એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, સ્કિલ્ડ મેનપાવર પર જોક આપીને તથા પ્રોએક્ટિવ પોલીસીથી ગુજરાતને પોલીસી ડ્રીવન સ્ટેટ બનાવ્યું છે.
ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન
વડાપ્રધાને આપેલા ગુજરાતના વિકાસના વિઝન અને ક્ષમતા પર લોકોના વિશ્વાસ અને વૈશ્વિક અભિગમને કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બની ગયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દેશના વિકાસના રોલ મોડલ ગુજરાતની જે પ્રાદેશિક વિશેષતાઓ અને ઉદ્યોગિક ઉત્પાદન ક્ષમતા છે, તેને પણ વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા વડાપ્રધાનની પ્રેરણાથી આપણે હવે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો આ ઉપક્રમ પ્રયોજ્યો છે.
આના પરિણામે, સ્થાનિક ઉત્પાદનોને વેગ મળશે, આત્મનિર્ભર ભારતનો મંત્ર સાકાર થશે તથા પ્રાદેશિક કક્ષાએ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ આવતા વડાપ્રધાને ‘મેડ ઇન ઇન્ડિયા- મેક ફોર ધ વર્લ્ડ’નો જે વિચાર આપ્યો છે એ ગુજરાતના વિવિધ પ્રદેશો પોતાની આગવી પ્રોડક્ટ અને ઔદ્યોગિક ઉત્પાદનોથી સાકાર કરશે.
વર્ષ 2024 માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં થયેલા એમઓયુ (MOU)માંથી 7100 જેટલા એમઓયુ ઉત્તર ગુજરાત માટે થયા હતા, તેની ભૂમિકા આપતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ એમઓયુના 72 ટકા એટલે કે 5 હજારથી વધુ પ્રોજેક્ટ તો કમિશન્ડ પણ થઈ ગયા છે.
તેમણે કહ્યું કે, ઉદ્યોગ અને ખેતી બેય માટે પાણી મહત્વનું છે એ વાત ઉત્તર ગુજરાતની ધરતીના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી સારી રીતે જાણતા હતા અને એટલે જ તેમણે સુજલામ સુફલામ યોજના, નર્મદા યોજના અને લિફ્ટ ઇરીગેશનની વિવિધ યોજનાઓથી ઉત્તર ગુજરાતમાં પાણી પહોંચાડ્યું, એટલું જ નહીં જ્યોતિગ્રામ યોજના દ્વારા 24 કલાક વીજળી પણ પહોંચાડી છે.
વીજળી અને પાણી મળતા આ વિસ્તારના ખેડૂતોને એકથી વધુ સિઝનલ પાક લેવાની તક મળી છે અને એગ્રીકલ્ચરમાં વેલ્યુ એડિશનના વડાપ્રધાનના વિઝનથી ઉત્તર ગુજરાતમાં એગ્રો ઇન્ડસ્ટ્રી વિકસી છે.
ભૂપેન્દ્ર પટેલે (CM Patel) ઉમેર્યું કે, ઉત્તર ગુજરાતની ખાસ કરીને રણ વિસ્તારની ભૂમિ જ્યાં સીધો સૂર્યપ્રકાશ પડે છે, તે સૂર્ય શક્તિના પોટેન્શિયલને સમજીને નરેન્દ્ર મોદીએ એશિયાનો તે સમયનો સૌથી મોટો સોલાર પાર્ક ચારણકામાં વિકસાવ્યો હતો.
બેચરાજી માંડલ અને વિઠલાપુરના ઉદ્યોગોથી વંચિત રહેલા વિસ્તારોને સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન બનાવીને આખા વિસ્તારને ઓટો મોબાઈલ ઉદ્યોગોથી ધમધમતા કરી વડાપ્રધાને ગુજરાતને દેશના ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કર્યું છે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વાઇબ્રન્ટ સમિટને કારણે રાજ્યમાં મોટા ઉદ્યોગો આવ્યા તેને અનુરૂપ આનુષાંગિક નાના એમએસએમઈનો પણ વિકાસ થયો છે અને 27 લાખથી વધુ એમએસએમઈ ગુજરાતમાં કાર્યરત છે.
સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો નિર્ધાર
વડાપ્રધાને વાઇબ્રન્ટ ગુજરાત સમિટની બે દાયકાની સફળતાને પ્રાદેશિક સ્તરે લઈ જવાની નેમ સાથે સ્થાનિક ઉદ્યોગોને ગ્લોબલ પ્લેટફોર્મ આપવાનો નિર્ધાર કર્યો છે. ઉત્તર ગુજરાતની આ કોન્ફરન્સમાં રીન્યુએબલ એનર્જી, ડેરી એન્ડ ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. આગામી સમયમાં યોજાનારી સૌરાષ્ટ્ર વિસ્તારની વીજીઆરસીમાં એન્જિનિયરિંગ, સિરામિક ઉદ્યોગો, બ્રાસ પાર્ટસ, ફિશરીઝ એન્ડ મરિન પ્રોડક્ટ્સ પર ફોકસ કરવામાં આવશે.
દક્ષિણ ગુજરાતની આવી વીજીઆરસીમાં જેમ્સ એન્ડ જ્વેલરી, ટેક્સટાઇલ તથા ડાયમંડ ઇન્ડસ્ટ્રીને અને મધ્ય ગુજરાતમાં યોજાનારી વીજીઆરસીમાં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ, ગ્રીન મોબિલિટી, કેમિકલ્સ, ઈવી જેવા ક્ષેત્રોને વિજીઆરસીથી વૈશ્વિક સ્તરે એક્સપોઝરથી સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ અને વિકસિત ભારત @2047 માટે આત્મનિર્ભર ભારતનું ચાલકબળ બનાવવા છે.
મુખ્યમંત્રીએ બદલાતા વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં વડાપ્રધાને આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને સ્વદેશીનો જે મંત્ર આપ્યો છે તેને સેમી કંડક્ટર, એરોસ્પેસ એન્ડ ડિફેન્સ, મેડિકલ ડિવાઇસીસ, ગ્રીન એનર્જી, અને ઈલેક્ટ્રીક મોબિલિટી વગેરે જેવા ઉભરતા આત્મનિર્ભરતા ક્ષેત્રો સાથે વર્લ્ડ લીડર બનવાની દિશામાં સફળ થવા માટે રિજનલ એસ્પીરેશન અને ગ્લોબલ એમ્બિશનની થીમ સાથેની આવી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ મહત્વની ભૂમિકા ભજવશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ:
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ગુજરાત આંન્ત્રપ્રિન્યોરની ભૂમિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મુખ્યમંત્રીકાળમાં આગવા વિઝન થકી શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે સમગ્ર દેશ માટે અનુકરણીય બની છે. આ વિરલ નેતૃત્વ આજે સમગ્ર વિશ્વને નવી દિશા અને માર્ગદર્શન આપી રહ્યું છે.
વૈષ્ણવે ગુજરાતના રેલવે નેટવર્કની વિગતો આપતાં જણાવ્યું કે, છેલ્લાં માત્ર 11 વર્ષમાં ગુજરાતમાં 2,764 કિમીના નવા રેલવે ટ્રેક બન્યા છે, જે ડેન્માર્કના કુલ રેલવે નેટવર્કથી પણ વધારે છે. આ સમયગાળામાં રાજ્યમાં રૂ. 1.46 લાખ કરોડનું મૂડીરોકાણ આવ્યું છે અને ઑગસ્ટ, ૨2027 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનું લક્ષ્ય છે જેના માટે તમામ સહયોગ બદલ તેમણે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ જ પ્રકારે રાજ્યના ચાર મહત્ત્વના સેમિકંડક્ટર પ્લાન્ટનો ઉલ્લેખ કરી કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ક્ષેત્રે રાજ્યમાં રૂ. 1.25 લાખ કરોડનું રોકાણ આવ્યું છે અને જાપાનની અલગ અલગ 30 કંપનીઓએ આ માટેના ઉપયોગી કોમ્પોનન્ટ્સ બનાવવાનું આયોજન કર્યું છે.
આ જ પ્રકારે, ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છેલ્લાં 11 વર્ષમાં વિકસીને 12 લાખ કરોડની બની ગઈ છે. જે વડાપ્રધાને સ્થાપેલા ક્વૉલિટીના નક્કર માપદંડોનું પરિણામ હોવાનું વૈષ્ણવે ઉમેર્યું હતું. ગુજરાતમાં પણ ઈલેક્ટ્રિક ઈકોસિસ્ટમને વધુ વેગ અપાવવા તેમણે મુખ્યમંત્રીને અનુરોધ કર્યો હતો.
કેન્દ્રીય મંત્રીશ્રીએ ક્લિન અને ગ્રીન એનર્જીને ગુજરાતની મોટી તાકાત ગણાવતાં જણાવ્યું કે, આજના આ સંક્રાંતિકાળમાં વિશ્વનો જિયો પૉલિટિકલ સિનારિયો બદલાઈ રહ્યો છે. વડાપ્રધાને આપેલાં આત્મનિર્ભરતાના મંત્રને અનુસરીને ‘વિકસિત ગુજરાત થકી વિકસિત ભારત’ ના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતે તૈયાર કરેલાં રોડમેપ પર સૌને એક સાથે આગળ વધવા અપીલ કરી હતી.
ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત:
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે સૌને આવકારતા જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆત કરાવેલી ત્યારે રાજ્ય સામે અનેકવિધ પડકારો હતા. અનેક લોકોના મનમાં આ સમિટ અંગે ઘણી દ્વિધાઓ હતી. આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ એ સ્થિતિએ પહોંચી છે કે દેશ અને દુનિયાએ ગુજરાતની નોંધ લીધી છે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) વિશે વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે 2003 માં શરૂઆત બાદ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો વ્યાપ સતત વધતો ગયો છે. તેની 10મી આવૃતિએ અનેક નવા પરિમાણો પ્રસ્થાપિત કર્યા છે. 10 વર્ષની આંકડાકીય વિગતો જોઈએ તો, વર્ષ 2003 માં જે ઉત્પાદન હતું એ આજે 22 લાખ કરોડ પહોંચ્યું છે. માથાદીઠ આવક પણ વધી છે. મેન્યુફેક્ચરીંગ ઉત્પાદન 1.50 લાખ કરોડથી વધીને 22 લાખ કરોડ પહોંચ્યું છે. નાના ઉદ્યોગકારોની સંખ્યા પણ 1.40 લાખથી વધીને 27 લાખ સુધી પહોંચી છે.
ભારતના વિકાસમાં ગુજરાતના યોગદાનનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો 8.2 ટકા છે તથા દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો ફાળો 41 ટકા છે. ગુજરાતે જે સિદ્ધિ હાંસલ કરી છે તેમાં ઔદ્યોગિક વિકાસ માટે રાજ્ય સરકારની સિંગલ વિન્ડો સિસ્ટમ અને હકારાત્મક પોલિસીઓનો મહત્તમ ફાળો છે.
મંત્રીએ ઉત્તર ગુજરાતમાં વાઇબ્રન્ટ રિજનલ કોન્ફરન્સના આયોજનનો ઉદ્દેશ અને તેના પરિણામોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના એગ્રો બેઝ ઉત્પાદનો ઉપરાંત અન્ય ક્ષેત્રોના ઉદ્યોગોને બુસ્ટ અપ મળશે.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો ઉદ્ઘાટન સમારોહ
આ અવસરે વર્લ્ડ બૅન્કના દક્ષિણ એશિયા પ્રદેશના વાઇસ પ્રેસિડન્ટ જોહાનેસ ઝૂટ, જાપાનના રાજદૂત મહામહિમ કેઇચી ઓનો, વિયેતનામના રાજદૂત મહામહિમ ન્ગુયેન થાન હાઇ, ટોરેન્ટ પાવરના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જીનલ મહેતા, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સીઇઓ કરણ અદાણી, ગણપત યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ગણપત પટેલ તેમજ ભારતીય અંતરિક્ષ યાત્રી શુભાંશુ શુક્લા પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉદ્ઘાટન સમારોહમાં વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારોહમાં સાંસદ હરિભાઈ પટેલ અને મયંકભાઇ નાયક, ગુયાનાના હાઈ કમિશનર ધરમકુમાર સિરાજ, ન્યુઝીલેન્ડના હાઈ કમિશનર પેટ્રિક જ્હોન, રવાંડાના હાઈ કમિશનર જેક્લીન મુકાનગીરા, યુ.કે.ના ડે. હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગ, રાજ્યના મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ મમતા વર્મા, વિવિધ વિભાગોના સચિવો, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા કલેકટર એસ. કે. પ્રજાપતિ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ, ઇનોવેટર્સ, ઉદ્યોગસાહસિકો, રોકાણકારો, વૈશ્વિક ભાગીદારો, અગ્રણી કોર્પોરેટ કંપનીઓના સ્થાપક અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી
આ પણ વાંચો: સુરત ભાજપ કાર્યાલયમાં ખજાનચી-કાર્યકર વચ્ચે મારામારી, વીડિયો વાયરલ
આ પણ વાંચો: ટેક-પોલીસિંગની દિશામાં ગુજરાત પોલીસની વધુ એક સિધ્ધિ, 9 મહિનામાં 80 ગુનાઓના ભેદ ઉકેલ્યા
