Dharma and Bhakti : આજના સમયમાં દરેક માણસ શાંતિ અને સુખની શોધમાં ભટકી રહ્યો છે. પરંતુ, ઘણીવાર આપણે આપણી જ કેટલીક આદતોને કારણે જીવનને મુશ્કેલ બનાવી દઈએ છીએ. શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણે (Krishna) અર્જુનને ઉપદેશ આપતી વખતે મનુષ્યના પતનના મુખ્ય કારણો જણાવ્યા હતા? શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર ધર્મગ્રંથ નથી, પણ જીવન જીવવાની માર્ગદર્શિકા છે. ગીતાના અધ્યાય 16 ના 21 માં શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ (Krishna) એ સ્પષ્ટ કહ્યું છે કે ત્રણ વસ્તુઓ એવી છે જે સીધી નરક તરફ લઈ જાય છે. જે વ્યક્તિ આ ત્રણ આદતોનો શિકાર બને છે, તેનો વિનાશ નિશ્ચિત છે. ચાલો જાણીએ આ ત્રણ મહાશત્રુઓ વિશે.
ગીતાનો મૂળ શ્લોક:
ત્રિવિધં નરકસ્યેદં દ્વારં નાશનમાત્મન: | કામ: ક્રોધસ્તથા લોભસ્તસ્માદેતત્ત્રયં ત્યજેત્ ||
અર્થાત: કામ, ક્રોધ અને લોભ – આ ત્રણ નરકના દ્વાર છે અને આત્માનો નાશ કરનારા છે. તેથી કલ્યાણ ઈચ્છતા મનુષ્યે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.

કામ (Kaam) – અનિયંત્રિત ઈચ્છાઓ અને વાસના
અહીં ‘કામ’ નો અર્થ માત્ર શારીરિક વાસના પૂરતો સીમિત નથી. કામ એટલે કોઈપણ વસ્તુ મેળવવાની તીવ્ર અને અંધ અપેક્ષા.
કેવી રીતે નુકસાન કરે છે? આજના જમાનામાં લોકો મોંઘી ગાડી, બંગલો, લેટેસ્ટ આઈફોન કે બ્રાન્ડેડ કપડાં પાછળ આંધળી દોટ મૂકે છે. જ્યારે આ ઈચ્છાઓ પૂરી નથી થતી, ત્યારે માણસ દુઃખી થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ (Krishna) કહે છે કે જરૂરિયાત પૂરી થઈ શકે છે, પણ ઈચ્છાઓનો કોઈ અંત નથી.
નરકનું દ્વાર: જે વ્યક્તિ ઈચ્છાઓનો ગુલામ બની જાય છે, તે સારા-નરસાનું ભાન ભૂલી જાય છે અને ખોટા રસ્તે જઈને પોતાનું જીવન બરબાદ કરે છે.

ક્રોધ (Krodh) – બુદ્ધિનો વિનાશક
કામ પછી આવે છે ક્રોધ. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ (Krishna) એ કહ્યું છે કે ‘કામ’ (ઈચ્છા) પૂરી ન થવાથી ‘ક્રોધ’ જન્મે છે.
કેવી રીતે નુકસાન કરે છે? ગુસ્સો એક એવી આગ છે જે બીજાને બાળતા પહેલા તે કરનારને બાળી નાખે છે. જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે, ત્યારે તેની વિચારવાની શક્તિ (વિવેક) નાશ પામે છે.
પતનનું કારણ: ક્રોધમાં માણસ એવા શબ્દો બોલી નાખે છે કે એવા કાર્યો કરી બેસે છે જેના કારણે વર્ષો જૂના સંબંધો પળવારમાં તૂટી જાય છે. ક્રોધિત વ્યક્તિનું મન અશાંત રહે છે, જે જીવતા જીવત નરક સમાન છે.

લોભ (Lobh) – પાપનું મૂળ
ત્રીજું અને સૌથી ખતરનાક દ્વાર છે ‘લોભ’ એટલે કે લાલચ.
કેવી રીતે નુકસાન કરે છે? “હજુ વધારે જોઈએ” ની વૃત્તિ માણસને ક્યારેય શાંતિ લેવા દેતી નથી. લોભી માણસને ગમે તેટલું મળે તો પણ સંતોષ થતો નથી. તે પૈસા માટે સંબંધો, ઈમાનદારી અને માનવતા પણ વેચી દે છે.
નરકનું દ્વાર: લોભ માણસને અધર્મ તરફ લઈ જાય છે. છેતરપિંડી, ચોરી અને ભ્રષ્ટાચારના મૂળમાં લોભ જ હોય છે. અંતે આવા વ્યક્તિ પાસે ધન તો હોય છે, પણ સુખ હોતું નથી.

આધુનિક સંદર્ભમાં આનું મહત્વ
આજે આપણે જેને ડિપ્રેશન, સ્ટ્રેસ કે એન્ઝાઈટી કહીએ છીએ, તેના મૂળમાં આ ત્રણ જ કારણો છે.
વધુ પડતી અપેક્ષાઓ (કામ)
નાની વાતમાં ગુસ્સો (ક્રોધ)
બીજા કરતા આગળ નીકળવાની લાલચ (લોભ)

ગીતમાં શ્રી કૃષ્ણ (Krishna) નો ઉપદેશ
ભગવાન શ્રીકૃષ્ણ (Krishna) કહે છે કે જે વ્યક્તિ પોતાના કલ્યાણની કામના કરે છે, તેણે આ ત્રણેયનો ત્યાગ કરવો જોઈએ.
કામ સામે ‘સંતોષ’ કેળવો.
ક્રોધ સામે ‘ક્ષમા’ અને ‘ધૈર્ય’ રાખો.
લોભ સામે ‘દાન’ કરવાની વૃત્તિ રાખો.
જો તમે આ ત્રણ શત્રુઓ પર વિજય મેળવી લેશો, તો તમારું જીવન પૃથ્વી પર જ સ્વર્ગ જેવું બની જશે.
ડિસ્ક્લેમર: આ લેખ શ્રીમદ્ ભગવદ્ ગીતાના ઉપદેશો અને સામાન્ય ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.
આ પણ વાંચો: હાથમાં આવેલું રાજ્ય છીનવાઈ ગયું ને વનવાસ મળ્યો, છતાં રામ કેમ હસ્યા? જાણો ભગવાન રામના જીવનનો આ પ્રેરક પ્રસંગ
આ પણ વાંચો: આચાર્ય ચાણક્યની ચેતવણી: આ 3 બાબતોમાં મજાક કે બેદરકારી ભારે પડશે, રાજામાંથી રંક બની જતા વાર નહીં લાગે
