Bihar News/ શ્રાવણના સોમવારે બિહારનાં અશોક ધામ મંદિરમાં નાસભાગ: 7 મહિલાનાં મોત, 12થી વધુ ઘાયલ

બિહારના લખીસરાયમાં અશોક ધામ મંદિરે શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના (Bihar Temple Stampede) સર્જાઈ હતી

Top Stories India Breaking News
બિહારના લખીસરાયમાં અશોક ધામ મંદિરે શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના (Bihar Temple Stampede) સર્જાઈ હતી

Bihar News : બિહારના લખીસરાયમાં અશોક ધામ મંદિરે શ્રાવણના સોમવારે મોટી દુર્ઘટના (Bihar Temple Stampede) સર્જાઈ હતી. જળાભિષેક માટે હજારો શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા ત્યારે વીજળીના થાંભલામાં કરંટ ફેલાયાની અફવા બાદ નાસભાગ મચી હતી.

બિહારના લખીસરાયમાં શ્રાવણના સોમવારે (Shravan Somvar)અશોક ધામ મંદિર (Ashok Dham Temple)માં જળાભિષેક (Jalabhishek)માટે ઉમટેલી ભીડમાં અફરાતફરી સર્જાતા મોટી દુર્ઘટના બની છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં 7 મહિલાનાં મોત થયા છે, જ્યારે 12થી વધુ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

કરંટ ફેલાયાની અફવાથી મચી નાસભાગ

મળતી માહિતી પ્રમાણે, અશોકધામ સ્ટેશનથી મંદિર તરફ જવાના રસ્તા પર રાત્રિના સમયે વીજળીનો થાંભલો તાર સહિત પડી ગયો હતો. શ્રાવણના સોમવારે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિર તરફ જવા માટે લાઇનમાં ઉભા હતા.

આ દરમિયાન વીજળીના થાંભલામાં કરંટ ફેલાયો હોવાની અફવા ફેલાઈ હતી. અચાનક કરંટ લાગવાની ભીતિથી ભીડમાં અફરાતફરી મચી અને લોકો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા.

બેરિકેડિંગ તૂટતાં લોકો એકબીજા પર પડ્યા

નાસભાગ દરમિયાન મંદિર તરફના માર્ગ પર કરવામાં આવેલી બેરિકેડિંગ તૂટી ગઈ હતી. મોટી સંખ્યામાં લોકો એકસાથે ભાગતા હોવાથી અનેક શ્રદ્ધાળુઓ નીચે પડી ગયા હતા અને તેમના ઉપર અન્ય લોકો પણ પડી ગયા હતા.

ભીડમાં દબાઈ જવાથી અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાસ્થળે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકોએ દટાયેલા લોકોને બહાર કાઢ્યા

દુર્ઘટના બાદ સ્થાનિક લોકો અને અન્ય શ્રદ્ધાળુઓ મદદ માટે આગળ આવ્યા હતા. લોકોએ ભીડમાં દટાયેલા લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે સદર હોસ્પિટલ સહિતની આરોગ્ય સુવિધાઓ તરફ ખસેડવામાં આવ્યા હતા.

પ્રાથમિક માહિતી પ્રમાણે, શ્રાવણના સોમવારે (Shravan Somvar)અશોક ધામ મંદિરમાં આશરે 50 હજાર શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. મોટી ભીડ વચ્ચે બનેલી આ ઘટનાને પગલે વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પરિસ્થિતિ સંભાળવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

કરંટની વાત સાંભળીને લોકો ભાગવા લાગ્યાઃ શ્રદ્ઘાળુ

ઘટનામાં ઘાયલ થયેલી મુસ્કાને જણાવ્યું હતું કે તે સવારે લગભગ 5 વાગ્યે ઘરેથી પૂજા માટે નીકળી હતી. મંદિરની બહાર શ્રદ્ધાળુઓની લાઇન એક કિલોમીટરથી પણ વધુ લાંબી હતી. તે મંદિર પહોંચે તે પહેલાં જ નાસભાગ શરૂ થઈ ગઈ હતી. તેના જણાવ્યા મુજબ, થાંભલો પડ્યા બાદ કરંટ લાગવાની બૂમો પડી અને લોકો ગભરાઈને દોડવા લાગ્યા. આ દરમિયાન તેને પણ ઈજા થઈ હતી.

અન્ય એક ઘાયલ યુવતીએ જણાવ્યું કે મંદિર પરિસરમાં ભારે ભીડ હતી. બાજુના ખેતરમાં એક થાંભલો પડી ગયો હતો અને વીજળીના તાર પણ તૂટી ગયા હતા. તે દરમિયાન તે કરંટની ઝપેટમાં આવી ગઈ અને બેભાન થઈ ગઈ હતી.

એક નજરે જોનાર મહિલાએ જણાવ્યું કે તે દર્શન માટે લાઈનમાં ઊભી હતી. અચાનક પાછળથી કેટલાક લોકોનો ધક્કો લાગતાં તે નીચે પડી ગઈ હતી અને બેભાન થઈ ગઈ હતી. તેના જણાવ્યા મુજબ, મોટી સંખ્યામાં ભક્તો એકઠા થવાને કારણે પરિસ્થિતિ કાબૂ બહાર ગઈ હતી.

શ્રદ્ધાળુઓના જણાવ્યા પ્રમાણે, ભક્તો લાઈનમાં ઊભા હતા ત્યારે વીજળીનો થાંભલો પડી ગયો હતો. ત્યારબાદ કરંટ લાગ્યાની વાત ઝડપથી ફેલાઈ ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે દોડવા લાગતાં બેરિકેડિંગ તૂટી ગયું અને અનેક લોકો એકબીજા પર પડી ગયા હતા.

ઘટના બાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને તેમની સારવાર ચાલુ છે.

SDPOએ કહ્યું- તપાસ બાદ જ કારણ સ્પષ્ટ થશે

SDPO શિવમ કુમારે જણાવ્યું હતું કે ઘટનામાં 7 લોકોનાં મોત થયા હોવાના સમાચાર છે. તેમના જણાવ્યા પ્રમાણે, વીજળીનો થાંભલો પડી ગયો હતો અને કેટલાક લોકો વીજળીની ઝપેટમાં આવ્યા હતા. ત્યારબાદ નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ સંપૂર્ણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે તેમ તેમણે જણાવ્યું હતું.

બિહારમાં પાંચ મહિનામાં બીજી મોટી નાસભાગ

બિહારમાં છેલ્લા પાંચ મહિનામાં મંદિર પરિસરમાં નાસભાગની આ બીજી મોટી ઘટના હોવાનું સામે આવ્યું છે. 31 માર્ચે નાલંદાના મઘડા શીતળા મંદિરમાં ચૈત્ર મહિનાના છેલ્લા મંગળવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકઠા થયા હતા. દર્શન માટેની ઉતાવળમાં ધક્કામુક્કી થતાં નાસભાગ મચી હતી. આ દુર્ઘટનામાં 8 મહિલાઓ સહિત 9 લોકોનાં મોત થયા હતા.


આ પણ વાંચો : તમિલનાડુના થયેલી નાસભાગમાં 39 લોકોના મોત અને 50 થી વધુ લોકો ઘાયલ, ગૃહ મંત્રાલયે માંગ્યો જવાબ

આ પણ વાંચો : નાસભાગમાં મહિલાના મોતના કેસમાં અલ્લુ અર્જુનને હાઈકોર્ટમાંથી જામીન મંજૂર

આ પણ વાંચો : બિહારમાં જહાનાબાદનાં સિદ્ધેશ્વર નાથ મંદિરમાં નાસભાગમાં સાતનાં મોત