North India News: ઉત્તર ભારત માં કડકડતી ઠંડી (Cold) અને ઘાટા ધુમ્મસનો પ્રભાવ યથાવત રહ્યો છે. આજે પણ મોટાભાગના વિસ્તારોમાં હવામાન ઠંડુ અને ધુમ્મસવાળું રહેવાની આગાહી છે. જોકે, છેલ્લા કેટલાક દિવસોની તુલનામાં ઠંડીની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. વહેલી સવાર અને રાત્રીના સમયે ધુમ્મસ વધુ ઘાટું રહેવાની શક્યતા હોવાથી વાહનચાલકોને ખાસ સાવચેતી રાખવા હવામાન વિભાગે સલાહ આપી છે.
ઉત્તર ભારત (North India) માં ઠંડી યથાવત, કોલ્ડ વેવ નહીં
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી એક અઠવાડિયા સુધી ઉત્તરપશ્ચિમ ભારતમાં કોઈ મોટી ઠંડી (Cold) ની લહેર આવવાની શક્યતા નથી, પરંતુ ઠંડુ વાતાવરણ અને ગાઢ ધુમ્મસ યથાવત રહેશે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીના કેટલાક વિસ્તારોમાં સવારના સમયે દૃશ્યતા ઘટી શકે છે, જેના કારણે માર્ગ અને રેલ વ્યવહાર પર અસર પડી શકે છે.
આ ઉપરાંત, પશ્ચિમી વિક્ષોભની અસરને કારણે હિમાલયી વિસ્તારોમાં હળવો વરસાદ અથવા બરફવર્ષાની સંભાવના છે. કેટલાક મેદાની વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદથી ઠંડી (Cold) નો અહેસાસ વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગે લોકોને ગરમ કપડાં પહેરવા, બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવા તેમજ ધુમ્મસ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
યુપીમાં 40 થી વધુ વાહનો અથડાયા, સાતના મોત
શનિવારે ઉત્તર પ્રદેશમાં મોસમનું સૌથી ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે અનેક જિલ્લાઓમાં માર્ગ અકસ્માતો થયા હતા. વિવિધ સ્થળોએ 40 થી વધુ વાહનો અથડાયા હતા, જેમાં દોઢ વર્ષની બાળકી સહિત સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માતોમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.

ધુમ્મસને કારણે દૃશ્યતા લગભગ શૂન્ય થઈ ગઈ હતી, જેના કારણે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર ડ્રાઇવરોએ નિયંત્રણ ગુમાવ્યું હતું. રાજ્યમાં 100 થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી હતી, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધા થઈ હતી.
શ્રીનગરમાં તાપમાન −4°C સુધી ઘટ્યું
જમ્મુ અને કાશ્મીરમાં કડકડતી ઠંડી (Cold) માટે જાણીતો ‘ચિલ્લાઈ કલાન’નો 40 દિવસનો સમયગાળો હાલ ચાલી રહ્યો છે, જેનો આજે 28મો દિવસ પૂર્ણ કરી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન કાશ્મીર ખીણમાં ઠંડી પોતાની પરાકાષ્ઠાએ પહોંચી છે. છેલ્લા કેટલાક દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.
શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4.૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, જ્યારે શોપિયામાં સૌથી ઓછું માઈનસ 5.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પર્યટન સ્થળ પહેલગામમાં તાપમાન માઈનસ 2.6 ડિગ્રી, ગુલમર્ગમાં માઈનસ 4.2 ડિગ્રી અને સોનમર્ગમાં માઈનસ 2.9ડિગ્રી સુધી ઘટ્યું છે.
આ તીવ્ર શીતલહેરના કારણે દાલ તળાવ સહિત ખીણના અનેક જળાશયોના કેટલાક ભાગો સંપૂર્ણ રીતે થીજી ગયા છે. બરફની પાતળી પડત જામી જતા નૌકાવહન અને રોજિંદી પ્રવૃત્તિઓ પર અસર પડી છે. કડકડતી ઠંડી (Cold) અને બરફીલા વાતાવરણને કારણે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ઠંડી (Cold) યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
આ પણ વાંચો: ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો પ્રકોપ, હવામાન વિભાગે ચક્રવાત ‘દિત્વાહ’ ની ચેતવણી જારી કરી
આ પણ વાંચો: ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડીનો પ્રકોપ, કેશોદમાં 8.1°C સૌથી નીચું તાપમાન
આ પણ વાંચો: દિલ્હી, ઉત્તર પ્રદેશમાં ઠંડીનો પ્રકોપ, ધુમ્મસના કારણે સમસ્યાઓ વધી
