ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ તમામ પાર્ટીઓ ઉમેદવારની પસંદગી કરીને યાદી જાહેર કરવામાં કામે લાગી છે એવામાં ટિકિટને લઇને ઉમેદવારો અસમજસની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે.હાલ યાદી જાહેર ન થઇ હોવાથી દબાણની રાજનીતિ કરવામાં આવી રહી છે. રાધનપુર બેઠક પરથી ભાજપમાં અલ્પેશ ઠાકોર અને સ્થાનિક ભાજપના નેતાઓ વચ્ચે ખેંચતાણ જામી છે. આ વચ્ચે અલ્પેશ ઠાકોરે પાલનપુરમાં ટિકિટને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, હું પાર્ટી દ્વારા નક્કી કરવામાં આવેલી બેઠક પરથી ચૂંટણી લડીશ. ગુજરાતમાં ભાજપને 150થી વધુ સીટો મળશે.
અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અન્ય પક્ષોએ ઠાકોર સમાજને સત્તાથી વિમુખ રાખ્યો છે. ક્ષણિક ઉશ્કેરાટ કરી અને ઠાકોર સમાજનો ઉપયોગ કર્યો છે. હું ઠાકોર સમાજને સત્તાની નજીક લઈ જવાનો પ્રયત્ન કરીશ. મને અને સમાજને લાગે છે કે મુખ્યમંત્રી ઠાકોર સમાજના હોવા જોઈએ.
આ પહેલા ગઈકાલે પણ તેમણે એક નિવેદન આપ્યું હતું કે, અમે ધારીએ એટલી બેઠકો જીતી શકીએ છીએ. જો કે ચૂંટણીની ટિકિટ માટે અમે કોઈ માંગણી કરી નથી. ટિકિટ મેળવી જીતવું પણ એટલું અગત્યનું હોય છે. વર્ષો સુધી ઠાકોર સમાજને સત્તાથી વિમુખ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.ટિકિટ માગવાનો અધિકાર દરેક કાર્યકર્તાને છે. મને ટિકિટ નથી મળતી તેમ છતાં હું કહું છું કે અમે કમળને જીતાડીશું.
