Rajkot News: રાજકોટ પોલીસે ડ્રગ્સ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પણ આ વખતના ડ્રગ્સ કૌભાંડની ખાસિયત એ છે કે તેમાં પકડાયેલા આરોપી ભાજપના આગેવાનના પુત્ર છે. આના લીધે રાજ્યના પોલીસ બેડામાં તો ઠીક પણ રાજકોટ ભાજપમાં પણ હલચલ મચી ગઈ છે. આરોપીના પિતા જસદણ તાલુકાના ભાજપના અનુસૂચિત મોરચાના મંત્રી છે અને નિવૃત્ત શિક્ષક છે.
હવે જો રાજ્યમાં આટલા વર્ષોથી ભાજપની સરકાર છે અને તેના જ આગેવાનના પુત્રએ ડ્રગ્સનો કારોબાર કરવો પડી રહ્યો હોય તો તે બતાવે છે કે રાજ્યના લોકો કેવી રીતે ડ્રગ્સના બંધાણી થઈ રહ્યા છે. આ કૌભાંડમાં રાજકોટ SOGની પોલીસ કર્મચારીને બાતમી મળી હતી કે 150 ફૂટ રીંગ રોડ ભક્તિધામ સોસાયટીમાં આવેલા ફ્લેટ નંબર 19માં ડ્રગ્સ સંતાડવામાં આવ્યું છે.
પોલીસે બાતમીના આધારે PI સહિતના પોલીસ કાફલાએ આ સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. ફ્લેટ નંબર 19માં ટેબલ નીચે સંતાડાયેલ 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ફ્લેટ ધારક પાર્થ દેવકુભાઈ મકવાણા મિત્ર સાહિલ ઉર્ફે નવાબ અયુબભાઈ સોઢાને ઝડપી લીધા હતા.
આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું કે તેઓ મુંબઈથી ખાનગી બસમાં ડ્રગ્સ લાવી રહ્યા હતા, ગત રોજ ડ્રગ્સ લાવ્યા અને ઝડપાઈ ગયા હતા. આરોપીઓ પાસેથી 9.85 લાખનું ડ્રગ્સ, બે ફોન, બે વજન કાંટા, ડ્રગ્સ જેમાં ભરીને વેચતા હતા તે પ્લાસ્ટીકની નાની-મોટી 107 જેટલી વેક્યુમ પેક કોથળી, ચમચી અને બોક્ષ સહિતનો કુલ 10.05 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે.
આ કેસમાં વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે અને હાલ જસદણ તાલુકા ભાજપના અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી છે. SOG ના સૂત્રોએ જણાવ્યું કે પાર્થે BCAનો અભ્યાસ કર્યો છે, તેણે મિત્ર સાહિલ સાથે મળીને પાંચ મહિનાથી આ ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો. બન્ને આરોપીઓ જીમમાં જવાના શોખીન અને બોડી બિલ્ડર છે. આરોપીઓના મોટાભાગના ગ્રાહકો પણ જીમમાં જતા યુવાનો કે જેમાં છાત્રો અને કોલેજીયનો પણ હોઈ શકે છે.
આ પણ વાંચો: ભારે વરસાદના લીધે દ્વારકામાં બિલ્ડિંગ ધરાશાયી, ત્રણના મોત
આ પણ વાંચો: ગુજરાતમાં તોફાની વરસાદનું રેડ એલર્ટ, NDRFએ સંભાળ્યો હવાલો, એરફોર્સે પણ હાથ લંબાવ્યો
આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 6 દિવસમાં અધધધ 50 ઈંચ વરસાદ
