Political/ મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષે કહ્યું ‘એકનાથ શિંદેને ભારે હૈયે મુખ્યમંત્રી બનાવ્યા,નિવેદનની વિપરીત અસર પડવાની સંભાવના

ભાજપે દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેને ભારે હૈયે રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા છે

Top Stories India
11 24 મહારાષ્ટ્રના ભાજપ અધ્યક્ષે કહ્યું 'એકનાથ શિંદેને ભારે હૈયે મુખ્યમંત્રી બનાવ્યા,નિવેદનની વિપરીત અસર પડવાની સંભાવના

મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે શનિવારે ફડણવીસ-શિંદે સરકાર પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપે દેવેન્દ્ર ફડણવીસની જગ્યાએ બળવાખોર શિવસેના નેતા એકનાથ શિંદેને ભારે હૈયે રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે યોગ્ય સંદેશ આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપ સૌથી મોટો પક્ષ છે. આમ છતાં 30 જૂને બીજેપીએ શિંદેને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરી હતી. આ નિર્ણય માત્ર વિપક્ષ માટે જ નહીં પણ ખુદ ભાજપના નેતાઓ માટે પણ ચોંકાવનારો હતો. પાટીલે કહ્યું કે અમને એવા નેતાની જરૂર છે જે સાચો સંદેશ આપે અને સ્થિરતા સુનિશ્ચિત કરે. કેન્દ્રીય નેતૃત્વ અને દેવેન્દ્ર ફડણવીસે ભારે હૈયે શિંદેને મુખ્ય પ્રધાન તરીકે ટેકો આપવાનો નિર્ણય કર્યો. અમે નાખુશ હતા, પરંતુ ચુકાદો સ્વીકારવાનું નક્કી કર્યું હતું,

આ દરમિયાન પ્રદેશ ભાજપ નેતા આશિષ શેલારે કહ્યું કે આ પાર્ટી કે પાટીલનું સ્ટેન્ડ નથી. તેઓ માત્ર પાર્ટી કાર્યકર્તાઓની ભાવનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા.  નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું. તેમણે ઉદ્ધવને ચેતવણી આપી હતી કે મારી હિંમતની કસોટી કરવાની હિંમત ન કરો, મેં ભૂતકાળમાં ઘણા વાવાઝોડાને વળાંક આપ્યો છે. તેમણે કહ્યું કે એકનાથ શિંદે અચાનક મુખ્યમંત્રી નથી બન્યા, પરંતુ તે પહેલાથી જ નક્કી હતું.

રાજ્યમાં હિંદુત્વ વિચારધારાવાળી સરકાર રચવા માટે આ જરૂરી હતું. ફડણવીસ પનવેલમાં પાર્ટીની રાજ્ય કાર્યકારિણીની બેઠકમાં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું કે એકનાથ શિંદેના નેતૃત્વમાં વાસ્તવિક શિવસેના અને બીજેપી ગઠબંધનની હિન્દુત્વની સરકાર બની છે. ઠાકરે પરિવાર રહેશે કે શિવસેના હાથમાંથી નીકળી જશે? શિંદેનું જૂથ ચૂંટણી પંચ સમક્ષ દાવો કરી રહ્યું છે કે તેનું જૂથ વાસ્તવિક શિવસેના છે. હવે જોવાનું એ રહેશે કે દસ્તાવેજી પુરાવાનો બોજ કોના પર પડશે. અને શિવસેના ઠાકરે પરિવારના હાથમાં રહેશે કે બાળાસાહેબ ઠાકરેની આ પાર્ટી તેમના પરિવારના હાથમાંથી નીકળી જશે?