National News/ ભાજપનો દેશવ્યાપી વિરોધ: અમિત શાહનો રાહુલ ગાંધી પર મોટો પ્રહાર

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રામલીલા મેદાનમાં યોજાયેલી રેલી બાદ હવે ભાજપે પણ દેશભરમાં રાજકીય શક્તિપ્રદર્શન (BJP Protest)શરૂ કર્યું છે

Top Stories India
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રામલીલા મેદાનમાં યોજાયેલી રેલી બાદ હવે ભાજપે પણ દેશભરમાં રાજકીય શક્તિપ્રદર્શન (BJP Protest)શરૂ કર્યું છે

National News : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની રામલીલા મેદાનમાં યોજાયેલી રેલી બાદ હવે ભાજપે પણ દેશભરમાં રાજકીય શક્તિપ્રદર્શન (BJP Protest)શરૂ કર્યું છે. વિપક્ષ દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ અને મત ચોરીના મુદ્દે કેન્દ્ર સરકાર તથા ચૂંટણી પંચને ઘેરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપે ‘લોકશાહી બચાવો, (Save Democracy)અરાજકતા દૂર કરો’ અભિયાન હેઠળ દેશનાં અનેક શહેરોમાં પદયાત્રા અને વિરોધ કાર્યક્રમો ((BJP Protest))યોજ્યા છે. આ અભિયાન અંતર્ગત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) હૈદરાબાદમાં મેદાનમાં ઉતર્યા હતા. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, દેશમાં ફક્ત દેશના નાગરિકોને જ મતદાન કરવાનો અધિકાર છે અને મતદાર યાદીમાંથી ઘૂસણખોરોનાં નામ દૂર કરવામાં આવશે.

હૈદરાબાદમાં અમિત શાહની પદયાત્રા, રાહુલ ગાંધી પર નિશાન

અમિત શાહે હૈદરાબાદ પહોંચીને સૌપ્રથમ ભાગ્યલક્ષ્મી મંદિરમાં દર્શન કર્યા હતા. ત્યારબાદ નિઝામ કોલેજમાં બાબુ જગજીવન રામની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને મોઝમજાહી સ્ક્વેર સુધી પદયાત્રા શરૂ કરી હતી. પદયાત્રા બાદ જાહેર સભાને સંબોધતાં તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.

અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી ધીમે ધીમે નબળી પડી રહી છે અને તેલંગાણાના લોકોએ રાજ્યમાંથી કોંગ્રેસને જડમૂળથી ઉખેડી નાખવાનો સંકલ્પ કરવો જોઈએ. તેમણે કોંગ્રેસના શાસન દરમિયાન થયેલા કૌભાંડોનો ઉલ્લેખ કરીને મોદી સરકારના 12 વર્ષના કાર્યકાળમાં ભ્રષ્ટાચારનો એક પણ આરોપ ન હોવાનો દાવો કર્યો હતો.

તેલંગાણામાં કથિત ‘RR ટેક્સ’નો મુદ્દો ઉઠાવીને તેમણે મુખ્યમંત્રી રેવંત રેડ્ડી પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, તેલંગાણામાં ભ્રષ્ટાચાર અને રાજ્યને વેચવાના કથિત પ્રયાસોને રોકવાની ક્ષમતા માત્ર ભાજપમાં છે. સાથે જ આગામી સમયમાં તેલંગાણામાં બે તૃતીયાંશ બહુમતી સાથે ભાજપની સરકાર બનાવવા માટે કાર્યકરોને અપીલ કરી હતી.

SIR અને ઘૂસણખોરોના મુદ્દે અમિત શાહનો મોટો દાવો

મતદાર યાદી (Voter List)સુધારણા પ્રક્રિયા (SIR Process) અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે અમિત શાહે રાહુલ ગાંધીના નિવેદનોનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી મતદાર યાદીમાંથી 13 કરોડ મત રદ થયાની વાત કરીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

અમિત શાહના જણાવ્યા અનુસાર, આ 13 કરોડમાંથી 6.25 કરોડ લોકો અન્ય સ્થળે સ્થળાંતર કરી ગયા છે, 2.8 કરોડ લોકોનાં મૃત્યુ થયાં છે, એક કરોડ નામોમાં ડુપ્લિકેટ એન્ટ્રી છે અને ત્રણ કરોડ નામ એવા છે, જે વાસ્તવિક રીતે અસ્તિત્વમાં નથી. તેમણે આ આંકડાઓ રજૂ કરીને મતદાર યાદીમાંથી આવા નામ દૂર કરવા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની દિલ્હીમાં યોજાયેલી રેલી મતદારોના અધિકારો બચાવવા માટે નહીં, પરંતુ ઘૂસણખોરોને બચાવવા માટે હતી. ભાજપના કાર્યકરો મતદાર યાદીમાંથી દરેક ઘૂસણખોરનું નામ દૂર કરવાના અભિયાનમાં મજબૂતીથી જોડાયેલા રહેશે. જોકે, આ આંકડા અને ઘૂસણખોરી અંગેના દાવા અમિત શાહે પોતાના સંબોધનમાં રજૂ કર્યા હતા.

મુંબઈ, કોલકાતા અને બિહારમાં પણ ભાજપનું શક્તિપ્રદર્શન

ભાજપનું આ અભિયાન માત્ર હૈદરાબાદ પૂરતું મર્યાદિત રહ્યું નહોતું. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને બિહારના ભાગલપુરમાં પદયાત્રા કર્યા બાદ કોલકાતામાં કૂચનું નેતૃત્વ કર્યું હતું. કોલેજ સ્ટ્રીટથી ધર્મતલા સુધી આશરે બે કિલોમીટરની પદયાત્રામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સમિક ભટ્ટાચાર્ય પણ જોડાયા હતા.

કોલકાતામાં નીતિન નવીને રાહુલ ગાંધી અને વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધતાં કહ્યું કે, અલગ-અલગ રાજ્યોમાં હારેલા વિપક્ષી નેતાઓ દિલ્હીમાં ભેગા થઈને વિરોધ કરી રહ્યા છે. તેમણે બંગાળમાં TMC, દિલ્હીમાં કોંગ્રેસ અને AAP તથા બિહારમાં RJDની હારનો ઉલ્લેખ કર્યો હતો. સાથે જ ઉત્તર પ્રદેશમાં 2027ની ચૂંટણીમાં અખિલેશ યાદવને હરાવવાનો દાવો કર્યો હતો.

બીજી તરફ, મુંબઈમાં દાદરના શિવાજી પાર્કથી કામગાર મેદાન સુધી ભાજપની પદયાત્રા યોજાઈ હતી. તેમાં મુંબઈ ભાજપ પ્રમુખ અમિત સાટમ, મંત્રી મંગલ પ્રભાત લોઢા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ અને મહાયુતિના કાર્યકરો જોડાયા હતા.

દિલ્હીમાં 1984ના રમખાણોના પીડિતો સાથે ન્યાય કૂચ

દિલ્હીમાં ભાજપે 1984ના શીખ વિરોધી રમખાણોના પીડિત પરિવારો સાથે ન્યાય કૂચનું આયોજન કર્યું હતું. ગુરુદ્વારા બાંગ્લા સાહિબથી ગુરુદ્વારા રકાબગંજ સાહિબ સુધી બપોરે 12 વાગ્યે આ કૂચ કાઢવામાં આવી હતી. ભાજપે રાહુલ ગાંધીની રેલીના વિરોધમાં આ કાર્યક્રમ યોજ્યો હતો.

આ ઉપરાંત રાંચીમાં પણ ભાજપ દ્વારા પદયાત્રા કાઢવામાં આવી હતી. બીજી તરફ, લાલ હિત જનતા પાર્ટીએ રાજઘાટથી રામલીલા મેદાન સુધી અલગ વિરોધ કૂચ યોજી હતી, જેમાં આશરે 200 લોકો જોડાયા હતા.

EVM, ચૂંટણી અને વિપક્ષ પર પણ અમિત શાહના પ્રહાર

અમિત શાહે પોતાના ભાષણમાં EVM અને SIR અંગે વિપક્ષના સવાલોનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, જો EVMમાં ખામી હોય તો કોંગ્રેસ મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર સહિતનાં રાજ્યોમાં ભાજપની જીત સામે સવાલ ઉઠાવે છે, પરંતુ જ્યાં કોંગ્રેસની સરકાર બને છે ત્યાં આ જ મુદ્દો કેમ ઉઠાવવામાં આવતો નથી?

તેમણે 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની જીતનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, આ જીત મતદારોના સમર્થનથી મળી છે, SIRના કારણે નહીં. સંસદનું વિશેષ સત્ર બોલાવવાના મુદ્દે પણ તેમણે રાહુલ ગાંધીને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો.

આ દરમિયાન તેમણે સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જો સરદાર પટેલે હૈદરાબાદના નિઝામ સામે મક્કમ વલણ ન અપનાવ્યું હોત તો આજે હૈદરાબાદ ભારતનો ભાગ ન હોત.


આ પણ વાંચો: દિલ્હીમાં વિપક્ષની રેલીથી વેપારીઓને ₹11,000 કરોડનું નુકસાન! 80% દુકાનો રહી બંધ, દિવાળીનો વેપાર ઠપ

આ પણ વાંચો: ભાજપનો દાવો- રેલીમાં 10 લાખની ભીડનો દાવો નિષ્ફળ, 40% મેદાન ખાલી

આ પણ વાંચો: ગુજરાતથી 3000 કોંગ્રેસી કાર્યકરો દિલ્હીમાં, રામલીલા મેદાનની રેલીમાં SIR સામે વિરોધ