ભુજનાં રેલ્વે સ્ટેશન રોડ પર આવેલી મહેંદી કોલોનીમાં ચાકી જમાતખાના પાસે જૂની અદાવતમાં એક વ્યક્તિ પર ફાયરીંગ થતા ભારે સનસનાટી મચી ગઇ હતી. ઘટનાને પગલે પોલીસ કાફલો ખડકાઈ ગયો છે.

ભુજમાં આજે ફરી એકવાર બે મુસ્લિમ સમાજનાં જૂથની જૂની અદાવતમાં ફરી એકવાર લોહી રેડાયું છે. જૂની અદાવતમાં ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જૂમા ઇસ્માઇલ હિંગોરજા પર ત્રણ રાઉન્ડ ફાયરીંગ થયું છે. મળતી વિગતો મુજબ, ઇસ્માઇલ ઉર્ફે ગંગુ જુમા ઇસ્માઇલ હિંગોરજા નામનો શખ્સ બુલેટ લઈને જમાતખાના પાસેથી પસાર થયો ત્યારે અગાઉની અદાવતમાં સંકળાયેલા ઇસ્માઇલ ઉર્ફે લડુ તારમામદ ચાકીએ વાઈટ સ્કોર્પિયોમાં આવીને બોલાચાલી કરી હતી, જે દરમિયાન મામલો બીચકતા લડ્ડુએ બંદૂક વડે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઇસ્માઇલ ઉર્ફે ગંગુને ડાબા ખભા અને છાતીમાં તેમજ સાથળનાં ભાગે ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. ઘાયલ યુવાનનું ડીડી લેવામાં આવ્યું છે.

ઇજા પામનાર યુવાને 6 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જો કે, ઘટનાસ્થળે માત્ર ઇસ્માઇલ હિંગોરજા જ હતો. ઘટનાનાં પગલે મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ઘાયલને હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો છે. બનાવ અંગે બી ડીવીઝન પોલીસે વિધિવત ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવા તજવીજ હાથ ધરી છે.
