Bombay High Court Slams Maharashtra FDA: મહારાષ્ટ્રમાં ફૂડ સેફ્ટી અને દવાના લાઇસન્સને લઈને FDAની કાર્યવાહી સામે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. મુંબઈ ક્રિકેટ એસોસિએશન એટલે કે MCAના BKC પરિસરમાં આવેલા પાંચ ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ કરવાના નિર્ણય બાદ કોર્ટમાં મામલો પહોંચ્યો હતો. કોર્ટના નિર્દેશ બાદ કરવામાં આવેલી નવી તપાસમાં પાંચેય આઉટલેટ્સ ગુણવત્તા ચકાસણીમાં પાસ થયા હતા.
પાંચ ફૂડ આઉટલેટ્સના લાઇસન્સનો મામલો
21 ઓગસ્ટે મહારાષ્ટ્ર FDA દ્વારા MCAના BKC પરિસરમાં આવેલા પાંચ ફૂડ આઉટલેટ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે બોમ્બે હાઈકોર્ટમાં(Bombay High Court) સુનાવણી થઈ. એક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર વી. ઘુગે અને જસ્ટિસ ગૌતમ એ. અંખાડની ખંડપીઠે FDAની કામગીરી અંગે સવાલ ઉઠાવ્યા. કોર્ટે કહ્યું કે ફૂડ સેફ્ટી જાળવવી જરૂરી છે, પરંતુ વહીવટી કાર્યવાહી કરતી વખતે કાયદાકીય પ્રક્રિયા અને સંતુલન જાળવવું પણ એટલું જ મહત્વનું છે.
Bombay High Courtએ અધિકારીઓને લગાવી ફટકાર
સુનાવણી દરમિયાન ખંડપીઠે ટિપ્પણી કરી કે નાની ખામી સામે અત્યંત કડક કાર્યવાહી કરવી યોગ્ય નથી. કોર્ટે અધિકારીઓને સમજાવ્યું કે નિયમનકારી તંત્રનો હેતુ માત્ર વ્યવસાય બંધ કરાવવાનો નહીં, પરંતુ જરૂરી સુધારા કરાવવાનો પણ હોવો જોઈએ. કોર્ટના નિર્દેશ બાદ થયેલી તપાસમાં તમામ પાંચ આઉટલેટ્સ સફળ રહ્યા. ત્યારબાદ FDAએ લાઇસન્સ સસ્પેન્શનનો આદેશ પાછો ખેંચવાની ખાતરી કોર્ટ સમક્ષ આપી.
સિપ્લા કેસમાં પણ FDAને ફટકાર
આ જ સમયગાળા દરમિયાન ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાના પુણે સ્થિત પ્લાન્ટ સામે FDAની કાર્યવાહીનો મામલો પણ હાઈકોર્ટમાં(Bombay High Court) પહોંચ્યો હતો. FDAએ કંપનીનું દવાનું લાઇસન્સ રદ કર્યું હતું. સિપ્લા તરફથી દલીલ કરવામાં આવી કે કંપનીને જાહેર રજાના દિવસે ઈમેઈલ કરીને તાત્કાલિક જવાબ આપવા કહેવામાં આવ્યું અને પૂરતી સુનાવણીની તક આપ્યા વિના લાઇસન્સ રદ કરવામાં આવ્યું.
કુદરતી ન્યાયના સિદ્ધાંતનો મુદ્દો
હાઈકોર્ટે(Bombay High Court) આ પ્રક્રિયા અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા અને પૂછ્યું કે રજાના દિવસે નોટિસ આપીને તરત જવાબ માંગવો ન્યાયસંગત પ્રક્રિયા કેવી રીતે બની શકે? ત્યારબાદ FDAએ લાઇસન્સ રદ કરવાનો નિર્ણય પાછો ખેંચવાની અને કંપનીને નવી શો-કોઝ નોટિસ આપીને કાયદેસરની પ્રક્રિયા મુજબ આગળ વધવાની ખાતરી આપી. આ બંને મામલામાં કોર્ટનો સંદેશ સ્પષ્ટ છે—નિયમોનું પાલન જરૂરી છે, પરંતુ સરકારી કાર્યવાહી પણ કાયદા, યોગ્ય પ્રક્રિયા અને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અનુસાર જ થવી જોઈએ.
આ પણ વાંચો:દિશા સાલિયન કેસમાં પોલીસ તપાસ સામે બોમ્બે હાઈકોર્ટના તીખા પ્રશ્નો; રાજ્ય સરકારને આપી નોટિસ
આ પણ વાંચો:બોમ્બે હાઈકોર્ટે તરુણ તેજપાલને સંભળાવી 10 વર્ષની સજા; 2013ના કેસમાં મોટો ચૂકાદો
આ પણ વાંચો: વિદેશમાં નિયમો પાળતા લોકો ભારતમાં કેમ ગંદકી કરે?’ બોમ્બે હાઈકોર્ટની લાલ આંખ
