World News/ પુતિનની ‘શેડો ફ્લીટ’ પર બ્રિટનનો પ્રહાર, રશિયન ઓઇલ ટેન્કર જપ્ત

બ્રિટને રશિયાની ‘શેડો ફ્લીટ’ (shadow fleet) સાથે જોડાયેલા પ્રતિબંધિત તેલ ટેન્કર Smyrtos પર ઇંગ્લિશ ચેનલમાં કબજો જમાવી યુક્રેન યુદ્ધ માટેના રશિયાના નાણાકીય સ્ત્રોતોને મોટો ઝટકો આપ્યો છે.

Top Stories World
shadow fleet

યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર દબાણ વધારવાના પ્રયાસોમાં બ્રિટને વધુ એક મોટું પગલું ભર્યું છે. બ્રિટિશ સત્તાવાળાઓએ રશિયાની કહેવાતી ‘શેડો ફ્લીટ’ (shadow fleet) સાથે જોડાયેલા પ્રતિબંધિત તેલ ટેન્કર સ્મિર્ટોસ (Smyrtos) ને ઇંગ્લિશ ચેનલમાં રોકી તેના પર કબજો જમાવ્યો છે.

બ્રિટનના વડાપ્રધાન કિયર સ્ટાર્મરએ જણાવ્યું કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ રશિયાના યુદ્ધ માટેના નાણાકીય સ્ત્રોતોને નબળા પાડવાનો છે. તેમના જણાવ્યા મુજબ, જે લોકો અથવા સંસ્થાઓ રશિયાને આર્થિક મદદ પહોંચાડે છે, તેમની સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.

એક અહેવાલ એનુસાર, લગભગ છ કલાક ચાલેલા વિશેષ ઓપરેશનમાં રોયલ મરીન કમાન્ડો, બ્રિટિશ સશસ્ત્ર દળો અને નેશનલ ક્રાઇમ એજન્સીના અધિકારીઓએ ટેન્કર પર ચઢીને તેને પોતાના નિયંત્રણમાં લીધું હતું. આ સમગ્ર અભિયાનમાં બ્રિટિશ વાયુસેનાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

હાલ ટેન્કરને ઇંગ્લેન્ડના દક્ષિણ કિનારા નજીક સુરક્ષિત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યું છે. અધિકારીઓ જહાજના માલિકી હક્ક, દસ્તાવેજો અને તેની ગતિવિધિઓની વિગતવાર તપાસ કરી રહ્યા છે.

શું છે રશિયાની ‘શેડો ફ્લીટ’ (shadow fleet) ?

પશ્ચિમી દેશોના પ્રતિબંધો બાદ રશિયાએ સૈંકડો તેલ ટેન્કરોનું એક ગુપ્ત નેટવર્ક ઊભું કર્યું હોવાનું કહેવાય છે, જેને ‘શેડો ફ્લીટ’ તરીકે ઓળખવામાં આવે છે. આ જહાજોનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોને બાજુએ રાખીને રશિયન તેલની નિકાસ માટે કરવામાં આવે છે.

બ્રિટિશ સરકારનો દાવો છે કે રશિયાના પ્રતિબંધિત તેલની લગભગ 75 ટકા હેરફેર આ જ નેટવર્ક મારફતે થાય છે. અંદાજે 700થી વધુ જહાજો આ ફ્લીટનો ભાગ હોવાનું માનવામાં આવે છે.

500થી વધુ જહાજો પર પહેલાથી પ્રતિબંધ

બ્રિટન અત્યાર સુધીમાં શેડો ફ્લીટ સાથે જોડાયેલા 500થી વધુ જહાજો પર પ્રતિબંધ મૂકી ચૂક્યું છે. આવા જહાજોને બ્રિટિશ બંદરોમાં પ્રવેશની મંજૂરી નથી અને બ્રિટિશ કંપનીઓને તેમને વીમા, નાણાકીય અથવા બ્રોકરેજ સેવાઓ પૂરી પાડવા પર પણ પ્રતિબંધ છે.

અહેવાલો અનુસાર, આ ઓપરેશન ફ્રાન્સ સાથેના સંકલનથી હાથ ધરવામાં આવ્યું હતું. બ્રિટન અને ફ્રાન્સ છેલ્લા કેટલાક મહિનાઓથી રશિયાની શેડો ફ્લીટ સામે સંયુક્ત રીતે દબાણ વધારી રહ્યા છે, જેથી રશિયાની તેલ આવકમાં ઘટાડો થાય અને યુક્રેન યુદ્ધ માટેનું ભંડોળ મર્યાદિત થઈ શકે.


આ પણ વાંચો : અમેરિકા-ઈરાન શાંતિ કરાર નજીક, ટ્રમ્પનો મોટો દાવો; ઈરાને કહ્યું- હજી અંતિમ તારીખ નક્કી નથી

આ પણ વાંચો : ઇરાનના સુપ્રીમ લીડરનો મોટો દાવો- ‘પશ્ચિમ એશિયામાં અમેરિકાનો પ્રભાવ હવે પૂરો, સાથી દેશો ભરોસો છોડી દે’

આ પણ વાંચો : ટ્રમ્પની ઈરાન સામે મોટા હુમલાની ચેતવણી,અમેરિકા-ઈરાન તણાવ ચરમસીમાએ