Ahmedabad News : ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી એકસાથે જંત્રી દરના વધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે. સૂચિત જંત્રીદરના વાંધા-સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માગ્યો છે. વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવા પણ માગ કરી છે.
CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી.
ક્રેડાઇ અમદાવાદના પ્રમુખે સવાલો ઊભા કરતાં કહ્યું હતું કે રાજ્ય સરકારે જે સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે કરવો જોઈએ એ કેવી રીતે કરવામાં આવ્યો છે, એ ખબર જ નથી પડતી. આ જંત્રીદરમાં કેવી રીતે વધારો કર્યો, બેઝ પર થઈ એને લઈને હજી સુધી અમને પણ ખ્યાલ નથી આવ્યો. સરકાર કઈ સાયન્ટિફિક પદ્ધતિના આધારે આ સૂચિત જંત્રીદર વધાર્યો છે.
ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રીદરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાં અને નાનાં શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે. 12 વર્ષ સુધી સરકારે જંત્રીદર વધાર્યો નથી, પરંતુ રાતોરાત આ જંત્રીદર વધારી દેવામાં આવ્યો છે.
જંત્રીદરના વધારાને લઈ જે અત્યારે ઓનલાઇન પ્રોજેક્ટ છે એમાં ડેવલપરોને કોઈ વધારે તકલીફ નથી પડવાની, પરંતુ જે સામાન્ય નાગરિકો છે અને દસ્તાવેજ નથી કરાવ્યા તેમને રાજ્ય સરકારમાં જે સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની છે એ વધી જશે. જેને એક લાખ સ્ટેમ્પ ડ્યૂટી ભરવાની છે તેને બેથી ત્રણ લાખ જેટલી ભરવી પડશે. એના કારણે કેટલાક વાદવિવાદો પણ સામે આવી શકે છે. જે પ્રોજેક્ટ નવા બનવાના છે એ પ્રોજેક્ટ હાલ ક્યાંય નવા બનશે નહીં.
આ પણ વાંચો: જંત્રીના નવા દરો પછી અમદાવાદમાં રિયલ્ટીમાં બિઝનેસનું વિકસ્યું નવું મોડેલ
આ પણ વાંચો: રાજ્ય સરકારે કરી જંત્રી દર અંગે મહત્વની જાહેરાત, પ્રીમિયમ દર અને પેઇડ FSI અંગે જાણો નિયમો