Vadodara City Bus: વડોદરા શહેરમાં જાહેર પરિવહનનો મોટો ભાગ આજથી (1 જુલાઈ) પ્રભાવિત થયો છે. ખાનગી ઓપરેટર વિનાયક લોજિસ્ટિક દ્વારા સંચાલિત સિટી બસ સેવા માટેનો વર્ક ઓર્ડર 30 જૂને પૂર્ણ થતાં અને તેની મુદત લંબાવવામાં ન આવતા કંપનીએ પોતાની 160 બસોનું સંચાલન બંધ કરી દીધું છે. પરિણામે હાલ શહેરમાં નવી શરૂ કરાયેલી માત્ર 30 એસી ઈલેક્ટ્રિક બસો જ સેવા આપશે.
25 લાખની વસ્તી સામે માત્ર 30 બસો કાર્યરત
શહેરની અંદાજે 25 લાખની વસ્તી સામે માત્ર 30 બસો ઉપલબ્ધ હોવાથી રોજિંદા મુસાફરી કરતા હજારો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને નોકરીએ જતાં કર્મચારીઓ, વેપારીઓ તેમજ સ્કૂલ-કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર તેની સીધી અસર જોવા મળી શકે છે.
વિનાયક લોજિસ્ટિકના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું કે કંપનીનો કરાર 30 જૂન સુધી માન્ય હતો. ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી નવો વર્ક ઓર્ડર અથવા એક્સટેન્શન મળ્યું નથી. તેથી 1 જુલાઈથી બસ સેવા ચાલુ રાખવી શક્ય નથી. તેમણે જણાવ્યું કે વર્ષો દરમિયાન નાગરિકોએ કંપનીની બસ સેવાને સારો પ્રતિસાદ અને પ્રેમ આપ્યો હતો, જેના માટે તેઓએ જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો.
નવી ઈલેક્ટ્રિક બસ સેવા શરૂ, પરંતુ સંખ્યા ઓછી
બીજી તરફ, થોડા દિવસ પહેલાં જ વડોદરામાં પીએમ ઈ-બસ સેવા યોજનાના પ્રથમ તબક્કા હેઠળ 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી અપાઈ હતી. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ શહેરમાં કુલ 250 ઈલેક્ટ્રિક બસોને મંજૂરી આપવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કામાં 130 બસોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મુસાફરોને મળશે આધુનિક સુવિધાઓ
નવી ઈલેક્ટ્રિક બસોમાં ઝીરો એમિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી પ્રદૂષણમાં ઘટાડો થશે. મુસાફરોની સુવિધા અને સુરક્ષા માટે બસોમાં એર કન્ડિશનિંગ, સીસીટીવી કેમેરા, જીપીએસ આધારિત લાઈવ ટ્રેકિંગ, ડિજિટલ ટિકિટિંગ, પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમ, ફાયર એક્સટિંગ્વિશર અને ફર્સ્ટ એઈડ કિટ જેવી આધુનિક સુવિધાઓ આપવામાં આવી છે.
મહિલાઓ, દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે ખાસ વ્યવસ્થા
દિવ્યાંગ મુસાફરો માટે વ્હીલચેર એક્સેસ, કેટલીક બસોમાં હાઈડ્રોલિક લિફ્ટ અને રેમ્પ, મહિલાઓ માટે પિન્ક સીટ્સ તેમજ વરિષ્ઠ નાગરિકો માટે અનામત બેઠકોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. મુસાફરો રોકડ ઉપરાંત યુપીઆઈ, સ્માર્ટ કાર્ડ અને મોબાઈલ એપ મારફતે પણ ટિકિટ મેળવી શકશે.
હાલ માટે શહેરમાં નવી ઈ-બસ સેવા ચાલુ હોવા છતાં, જૂની 160 બસો બંધ થતાં જાહેર પરિવહન વ્યવસ્થામાં મોટું ખાલીપણું સર્જાયું છે. હવે આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી બસ સેવા સંપૂર્ણ રીતે ક્યારે અને કેવી રીતે પુનઃસ્થાપિત થશે તેના પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો: રાજકોટ સિટી બસ અકસ્માતમાં ફેકટ ફાઇન્ડિંગ કમિટી 30 દિવસમાં રિપોર્ટ આપશે, બસોમાં CCTV લાગશે
આ પણ વાંચો: લોકોને ઈ-બસ સિટી બસનો મળશે લાભ, પ્રથમ તબક્કામાં 16 રૂટ થયા ફાઇનલ
આ પણ વાંચો: સિટી બસે મારી ટક્કર સર્જયો અકસ્માત, યુવતી 10 ફૂટ દૂર ફંગોળાઈ, માથામાં ગંભીર ઈજા
