gujrat news/ રાજ્યમાં 22 કલાકમાં 72 તાલુકાઓમાં વરસાદ, કાળઝાળ ગરમી અને બફારાથી લોકોને મળી રાહત

ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે હવામાન વિભાગે હજૂ પણ વધારે વરસાદની આગાહી કરી છે.

Gujarat Top Stories Rajkot Surat Vadodara Breaking News
Rain

Gujarat News: ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે. રાજ્યના વિવિધ ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મન મૂકીને વરસ્યા  છે. છેલ્લા 22 કલાકમાં રાજ્યના 72 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેના કારણે કાળઝાળ ગરમી અને બફારાથી પરેશાન લોકોને મોટી રાહત મળી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારીમાં નોંધાયો સૌથી વધુ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં આ વર્ષાઋતુની ધમાકેદાર શરૂઆત થઈ છે. સૌથી વધુ વરસાદ નવસારી (Navsari)માં 4.5 ઈંચ નોંધાયો છે, જ્યારે જલાલપોર અને સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં 3.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વલસાડ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ રહ્યો છે વલસાડ શહેરમાં 3.8 ઈંચ,  ધરમપુરમાં 3 ઈંચ જ્યારે પારડી, વાપી અને નાનાપોંઢામાં  2 ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં પણ ભારે બફારા બાદ રાવપુરા, દાંડિયા બજાર અને કારેલીબાગ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જ્યારે નર્મદાના તિલકવાડામાં ધોધમાર વરસાદ પડતાં  પાણી ભરાયા હતાં.

સમગ્ર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ

દક્ષિણ ગુજરાતમાં વરસાદ (Rain)ની ધમાકેદાર શરૂઆત થઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ સરહદ અને જૂનાગઢ (Junagadh), ગીર આસપાસના નાના મોટા તાલુકાઓ અને જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં વેરાવળ અને સોમનાથમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. પ્રખ્યાત સોમનાથ મહાદેવને સ્વયંભૂ મેઘરાજાનો જલાભિષેક થતો જોવા મળ્યો હતો. ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ અને જેતપુરમાં વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અસહ્ય ગરમીથી રાહત મળી છે, પરંતુ ખેડૂતો હજુ વાવણી લાયક ભારે વરસાદની રાહ જોઈ રહ્યા છે.

સંઘપ્રદેશ દમણ અને આસપાસના વિસ્તારોમાં પણ શ્રીકાર વર્ષા થઈ છે અને આગામી સમયમાં અહીં વધુ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જળબંબોળની સ્થિતિ: પ્રી-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ

ભારે વરસાદના કારણે વલસાડ અને સુરતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. વલસાડના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળા તેમજ વાપીના અંડરપાસમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ભારે વરસાદના લીધે વાપીના નીચાણવાળા અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા અનેક વાહનચાલકો અધવચ્ચે જ અટવાઈ પડ્યા હતા. પરિસ્થિતિ જોતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી, જેથી પંપિંગ મશીનો દ્વારા અંડરપાસમાંથી પાણીનો નિકાલ કરવા માટે યુદ્ધના ધોરણે ફાયર ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી.

તો બીજી તરફ, સુરત શહેરમાં 2.5 ઈંચ વરસાદ નોંધાયો છે. કામરેજ અને પલસાણામાં પણ 2-2 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતમાં વરસાદ બંધ થયાના કલાકો પછી પણ ઉધના-નવસારી મુખ્ય રોડ તળાવમાં ફેરવાયેલો રહ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

સુરતના ઓલપાડ પંથકમાં સતત બીજા દિવસે વરસાદ પડતાં શેરડી અને શાકભાજી સહિતના પાકોને નવું જીવન મળ્યું છે. નર્મદા અને દમણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને પગલે જગતનો તાત ભારે હરખાયો છે. શેરડી તથા લીલાશાકભાજી માટે આ વરસાદ વરદાન રૂપ સાબિત થશે તેેવુ ખેડૂતોનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશોમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જેથી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્ય માટે નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે, જે મુજબ આગામી ત્રણ કલાક એટલે કે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધીમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે પવન સાથે તોફાની વરસાદ આવી શકે છે.

8 જિલ્લાઓમાં ‘ઓરેન્જ એલર્ટ’

rain
હવામાન વિભાગ આગાહી

રાજ્યના આઠ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ પડવાની આશંકા છે. મધ્ય ગુજરાતમાં વડોદરા અને છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ તથા સંઘપ્રદેશમાં દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે  સવારના સમયે મુસાફરી કરનારા વાહનચાલકો અને નીચાણવાળા વિસ્તારના રહીશોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.