gujrat news/ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી: નવસારી-વલસાડમાં વરસાદ

ગુજરાતમાં અસહ્ય ઉકળાટ બાદ સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ(Rain)થી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

Gujarat Rajkot Surat Breaking News
Rain

Gujarat Monsoon: ગુજરાતમાં હવામાન નિષ્ણાંતોની આગાહી મુજબ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં ચોમાસુ (Monsoon)આગળ વધી રહ્યું છે.  ગર્મીના અસહ્ય ઉકળાટ બાદ ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થતા લોકોને ગરમીથી રાહત મળી છે. તથા ખેડૂતોમાં  ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે જો કે, સુરતના ઓલપાડ અને કીમ જેવા વિસ્તારોમાં પહેલા જ વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે.

 વરસાદ (Rain)ની દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર એન્ટ્રી

Rain
સુરતમાં વરસાદ

સુરત જિલ્લાના બારડોલી, કામરેજ, માંડવી અને પલસાણામાં મોડી રાતથી જ મેઘરાજાએ પધરામણી કરી છે. જો કે, ઓલપાડ અને કીમ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા લોકોને આકાશી આફતનો સામનો કરવો પડ્યો હતો. સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં પાકને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

ભારે વરસાદથી વેપારીઓ અને સ્થાનિકો લોકોની મુશ્કેલી વધી

જોકે ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિક લોકો તથા વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.  કીમ ચાર રસ્તા નજીક વરસાદી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. અહીં આવેલા ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતાં વેપારીઓને દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે.  ત્યારે જાહેર સ્થળો જેવા કે  મંદિર અને હોસ્પિટલમાં પાણી ભરાયા હતા.  હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

 નવસારી અને વલસાડમાં પણ વરસાદી માહોલ

Rain
નવસારીમાં વરસાદ

સુરત અને તેના આસપાસના વિસ્તાર સહિત નવસારી શહેરમાં પણ વરસાદ ખાબક્યો હતો.  ઉપરાંત જલાલપોર અને ગણદેવી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેર અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં સતત બીજા દિવસે મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

સૌરાષ્ટ્રમાં પણ વરસ્યો વરસાદ

દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ વરસાદ વરસ્યો હતો.  સૌરાષ્ટ્રના રાજકોટ,અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાના સરહદી વિસ્તારને વરસાદે ધમરોળ્યો હતો.  રાજકોટ જિલ્લાના જસદણ અને ખાસ કરીને આટકોટ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે  રસ્તાઓ પર  પાણી ફળી વળ્યા હતા. ખેતી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે.ત્રણ દિવસ પહેલા જ અહીં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, ત્યારે આજે ફરી ગીરગઢડાના ગીર બોર્ડરના ગામો જેવા કે ધોકડવા, ઉગલા, અંબાડા અને સણોસરીમાં મેઘરાજાએ ધમાકેદાર રી-એન્ટ્રી કરી છે.

અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. રાજુલા અને જાફરાબાદ પંથક સહિત કડિયાળી, દુધાળા, બાબરકોટ અને મીતીયાળા અને સાવરકુંડલા શહેર સહિત તેના ગોરડકા, લુવારા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે સ્થાનિક નદી-નાળાઓ અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

 સમગ્ર ગુજરાતમાં વરસી રહેલા આ વરસાદથી એક તરફ ચોમાસુ પાક જેમ કે કપાસ અને મગફળી લેતા ખેડૂતોમાં હરખની હેલી છે, તો બીજી તરફ સુરત જેવા શહેરી વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન પ્લાનિંગના અભાવે સ્થાનિક તંત્ર સામે લોકોનો રોષ પણ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો: દેશભરમાં 16 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, IMDની મોટી આગાહી

આ પણ વાંચો: ગુજરાત 2થી 3 જુલાઈ દરમિયાન અનેક જિલ્લામાં વરસાદ, 1 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

આ પણ વાંચો: સુરતની ખાનગી હોસ્પિટલમાં નર્સનું મૃત્યુ, પ્રાથમિક તપાસમાં પ્રેમ સંબંધનો એંગલ; પોલીસે તપાસ શરૂ કરી