Gujarat Weather: રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતા ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદી ઝાપટાં પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, પંચમહાલ, અરવલ્લી, મોડાસા વિસ્તાર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને છોટાઉદેપુર જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
બીજી તરફ રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન પણ વરસાદે સારી હાજરી નોંધાવી છે. સવારે 6 વાગ્યાથી રાત્રે 4 વાગ્યા સુધી રાજ્યના કુલ 72 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં 4.5 ઈંચ નોંધાયો છે.
જલાલપોર અને સાવરકુંડલામાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. વલસાડ જિલ્લાના ધરમપુરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં છેલ્લા 22 કલાક દરમિયાન અંદાજે 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો, જ્યારે કામરેજમાં પણ 2.5 ઈંચ વરસાદ નોંધાયો હતો.
વાપીમાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. વસો, પલસાણા, વલસાડ અને નાના પોંડા વિસ્તારમાં પણ 2-2 ઈંચ વરસાદ વરસ્યો હતો. સુરત જિલ્લાના મહુવા અને અંબિકા વિસ્તારમાં 1.5 ઈંચ જ્યારે ડાંગ જિલ્લાના વઘઈમાં પણ 1.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના અન્ય 59 તાલુકામાં 1 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત્ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા તેમજ સ્થાનિક તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: ભરૂચના જંબુસરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ખેડૂતોમાં ખુશીની લહેર
આ પણ વાંચો: દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદની એન્ટ્રી: નવસારી-વલસાડમાં વરસાદ
આ પણ વાંચો: ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી બાદ તંત્ર સતર્ક, દરિયામાં ઊંચા મોજાંની શક્યતાને પગલે માછીમારોને ચેતવણી અપાઈ
