Gujarat Weather Update: ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ સક્રિય બનવાની શક્યતા છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત કેન્દ્રશાસિત પ્રદેશ દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ સાથે નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને આણંદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવ જિલ્લામાં પણ વરસાદ નોંધાઈ શકે છે.
દરિયામાં પવનની ગતિ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે માછીમારોને આગામી સમયગાળા દરમિયાન દરિયો ન ખેડવાની સૂચના આપી છે. તંત્ર દ્વારા લોકોને પણ વરસાદ અને ગાજવીજ દરમિયાન સાવચેતી રાખવા તેમજ જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી છે.
