IMD Rain Prediction: દેશના અનેક વિસ્તારોમાં પડી રહેલી કાળઝાળ ગરમી અને લૂ વચ્ચે ભારતીય હવામાન વિભાગ (IMD)એ રાહતના સમાચાર આપ્યા છે. વિભાગે આજે દેશના 21થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ, વાવાઝોડા જેવી સ્થિતિ અને પ્રતિ કલાક 80 કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરી છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઝારખંડ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, લદ્દાખ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, સિક્કિમ, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.
તાપમાનમાં થશે મોટો ઘટાડો
વિભાગના અનુમાન મુજબ આગામી કલાકોમાં અનેક વિસ્તારોમાં તાપમાનમાં 4થી 8 ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે, જેના કારણે લોકોને ગરમીમાંથી નોંધપાત્ર રાહત મળશે.
IMDની મહત્વની ચેતવણી
IMDએ ખેડૂતો, મુસાફરો અને ખુલ્લામાં કામ કરતા લોકોને ખાસ સાવચેત રહેવાની અપીલ કરી છે. તેજ પવન અને ભારે વરસાદને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજ થાંભલા પડવા તેમજ નબળા માળખાંને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ખેડૂતો માટે ફાયદો કે નુકસાન?
કૃષિ નિષ્ણાતોના મતે આ વરસાદથી ગરમીના કારણે અસરગ્રસ્ત પાકને ફાયદો થઈ શકે છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા અને પાકને નુકસાન થવાનો ખતરો પણ રહેશે.
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં બદલાશે વાતાવરણ
દિલ્હી, હરિયાણા, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં બપોર બાદ વાદળછાયું વાતાવરણ સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં તેજ પવન સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે, જેના કારણે મહત્તમ તાપમાનમાં 5થી 6 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે.
કેરળમાં ચોમાસું નબળું પડ્યું
બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ગતિ ધીમી પડતાં કેરળમાં આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ કરતાં 33 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ અસર વાયનાડ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં 64 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે.
હવામાન વિભાગે વ્યક્ત કરી ચિંતા
હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કેરળના માત્ર તિરુવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા અને ત્રિશૂર જિલ્લામાં જ સામાન્ય વરસાદ નોંધાયો છે. વિભાગની પ્રભારી નિર્દેશક વી.કે. મિનીએ જણાવ્યું કે જો આગામી દિવસોમાં પણ વરસાદની ઘટ યથાવત રહેશે તો વધુ જિલ્લાઓને પણ ઓછા વરસાદની શ્રેણીમાં સામેલ કરવા પડી શકે છે.
