Vadodara News/ વડોદરામાં સ્ટ્રીટ વેન્ડર પોલિસી સામે લારી-ગલ્લા ધારકોનો ઉગ્ર વિરોધ

Vadodara Street Vendor Policy: વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી હેઠળ 14 મુખ્ય રસ્તાઓ પર પ્રતિબંધ અને સમય મર્યાદા નક્કી કરાતા લારી-ગલ્લા ધારકોએ કોર્પોરેશન બહાર ઉગ્ર વિરોધ કર્યો.

Gujarat Top Stories Vadodara
Vadodara Street Vendor Policy

Vadodara Street Vendor Policy: વડોદરા મહાનગરપાલિકા (VMC) દ્વારા શહેરમાં નવી સ્ટ્રીટ વેન્ડર પોલિસી લાગુ કરવાની હિલચાલ તેજ થતાં જ સ્થાનિક રાજકારણ અને નાના વેપારીઓમાં ભારે ગરમાવો આવી ગયો છે. પાલિકા તંત્ર દ્વારા શહેરના 14 મુખ્ય માર્ગો પર લારી-ગલ્લા ઊભા રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની અને ધંધા માટે સમય મર્યાદા નક્કી કરવાની જાહેરાત કરાતા ફેરિયાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ કડક નિયમોના વિરોધમાં આજે સેંકડો લારી-ગલ્લા ધારકો અને ફેરિયાઓએ વડોદરા કોર્પોરેશનની કચેરી બહાર એકઠા થઈને તંત્ર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હલ્લાબોલ મચાવ્યો હતો.

Vadodara : ધંધા માટે માત્ર 4 કલાકની મર્યાદા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની આંતરિક વ્યવસ્થા સુધારવા, ટ્રાફિક નિયમન હળવું કરવા અને રોજગારના યોગ્ય વ્યવસ્થાપન માટે સમગ્ર હદ વિસ્તારમાં નવા ‘હોકિંગ ઝોન’ (Hawking Zone) અને ‘નોન-હોકિંગ ઝોન’ (Non-Hawking Zone) બનાવવાનું આયોજન કરાયું છે. પ્રાથમિક તબક્કે પાલિકાએ શહેરના મુખ્ય ૧૪ રસ્તાઓને ચિહ્નિત કર્યા છે, જ્યાં હવેથી કોઈ પણ પ્રકારની સ્ટ્રીટ વેન્ડિંગ પ્રવૃત્તિ થઈ શકશે નહીં. આ પ્રતિબંધિત રસ્તાઓ સિવાયના અન્ય વિસ્તારોમાં જે ફેરિયાઓ ધંધો કરે છે, તેમના માટે પણ સમય નક્કી કરાયો છે. તેઓ માત્ર સાંજે 7:૦૦ વાગ્યાથી રાત્રે 11:૦૦ વાગ્યા સુધી જ ધંધો કરી શકશે. રાત્રે 11 વાગ્યા પછી ફરજિયાતપણે લારી કે પથારા હટાવીને જાહેર જગ્યા સંપૂર્ણ ખુલ્લી કરવાની રહેશે.

કોર્પોરેશન બહાર ફેરિયાઓનો પાલિકા સામે લલકાર

પાલિકાના આ આકરા નિર્ણયથી રોષે ભરાયેલા શ્રમિકો અને નાના વેપારીઓ આજે કોર્પોરેશનના મુખ્ય દરવાજા બહાર પ્લેકાર્ડ સાથે એકઠા થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન ફેરિયાઓના આગેવાને તંત્રને આડે હાથ લેતા જાહેર સંબોધનમાં આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “પાલિકા તંત્ર પહેલા વર્ષ 2014ની કેન્દ્રીય વેન્ડિંગ પોલિસી લાગુ કરે. જો તંત્રને તે મંજૂર ન હોય તો જાહેરમાં કહી દે કે અમે ભારત સરકાર, દેશનું સંવિધાન કે ભારતના રાષ્ટ્રપતિને નથી માનતા!” આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ દ્વારા સહી કરીને ફેરિયાઓના હિત માટે ખાસ પોલિસી બહાર પડાઈ હતી, જેનું વડોદરા પાલિકા યોગ્ય અમલીકરણ કરી રહી નથી અને નાના ગરીબ પરિવારોની રોજીરોટી છીનવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

રોજગાર બચાવવા આરપારની લડાઈના મૂડમાં વેપારીઓ

એક તરફ પાલિકાનો દાવો છે કે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે આ હોકિંગ અને નોન-હોકિંગ ઝોનનું વિભાજન ખૂબ જ અનિવાર્ય બન્યું છે. જ્યારે બીજી તરફ, ફેરિયાઓનું કહેવું છે કે માત્ર 4કલાકની સમય મર્યાદા અને મુખ્ય આર્થિક કેન્દ્રો જેવા 14 રસ્તાઓ પરથી પ્રતિબંધ લાદવામાં આવશે તો તેમના પરિવાર ભૂખે મરશે. કોર્પોરેશન બહાર થયેલા આ મોટા વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. હાલ તો આ મામલે પાલિકાના શાસકો અને ફેરિયાઓ સામસામે આવી જતાં આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.


આ પણ વાંચો: વડોદરામાં નગરપાલિકાના ફૂડ વિભાગની ખાદ્ય પદાર્થ વિક્રેતાઓ સામા લાલ આંખ

આ પણ વાંચો:વડોદરામાં 6 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટના

આ પણ વાંચો: વડોદરાના ડભોઈમાં પાલિકાની બેદરકારીથી યુવક ઈજાગ્રસ્ત, CCTV સામે આવ્યા