નવી દિલ્હી,
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં થયેલો વધારો અને અમેરિકી ડોલરની સામે સતત ગગડી રહેલા રૂપિયાના કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવવધારો યથાવત જોવા મળી રહ્યો છે. સોમવારે પેટ્રોલની કિંમતમાં ૩૧ પૈસા અને ડીઝલની કિંમતમાં ૪૪ પૈસાના વધારો થયો છે. આ સાથે જ દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના જણાવ્યા મુજબ, સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં થયેલી વૃદ્ધિ બાદ રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭૯.૧૫ રૂપિયા અને ડીઝલનો ભાવ ૭૧.૧૫ રૂપિયા સુધીના એક રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે.
મુંબઈમાં પેટ્રોલ ઓલ ટાઈમ હાઈ
આર્થિક રાજધાની મુંબઈમાં પણ એક લીટર પેટ્રોલનો ભાવ ૮૬.૫૬ રૂપિયા સુધી પહોચ્યો છે. મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં થયેલો આ ભાવવધારો અત્યારસુધીના ઓલ ટાઈમ હાઈ લેવલે પહોચ્યો છે. જયારે એક લીટર ડીઝલ ૭૫.૫૪ રૂપિયે મળી રહ્યું છે.
ચેન્નઈમાં પેટ્રોલ ૮૨.૨૪ રૂપિયા અને ડીઝલ ૭૫.૧૯ રૂપિયા તેમજ કલકત્તામાં એક લીટર પેટ્રોલ ૮૨.૦૬ રૂપિયા અને ડીઝલ ૭૪ રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.
દેશની જનતાને મળ્યો વધુ એક ડોઝ
અત્રે ઉલ્લેખનીય હે કે, દેશભરમાં હાલ તહેવારોની મોસમ ચાલી રહી છે, ત્યારે પહેલેથી જ મોંઘવારીનો માર જીલી રહેલી દેશની સામાન્ય જનતાને વધુ એક ડોઝ મળ્યો છે. આ ભાવવધારાની સીધી અસર લોકોના પોકેટ પર પડી છે.
આ કારણે ક્રુડ ઓઈલના વધી રહ્યા છે ભાવ
છેલ્લા કેટલાક દિવસોથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે સાથે અમેરિકી ડોલરની સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. હાલમાં એક ડોલરની સામે ભારતીય રૂપિયાએ ૭૧નો આંકડો પણ પાર કરી લીધો છે. આ કારણે છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો રેકોર્ડ વધારો જોવા મળી રહ્યો છે.