દેશમાં ટેલીકોમ ક્ષેત્રે ક્રાંતિ લાવનારી કંપની રિલાયન્સ જીયોએ 5જી સેવા શરુ કરવાની તૈયારી શરુ કરી દીધી છે. કંપની આ માટે અમેરિકાની કંપની Radisysની પૂરી હિસ્સેદારી ખરીદવાની તૈયારીમાં છે. રિલાયન્સ જીયોના એમડી આકાશ અંબાણીએ 30 જુને આ વાતની ઘોષણા કરી હતી. રિલાયન્સ જીયોની પેરન્ટ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ ઓપન ટેલીકોમ પ્લેટફોર્મ સોલ્યુશનમાં Radisys એક ગ્લોબલ લીડર છે.

આ જાણકારી મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, આ કંપનીમાં 100 ટકા ભાગીદારી 1.72 ડોલર પ્રતિ શેરના હિસાબથી ખરીદવાની છે. મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીએ આ ડીલ પર કહ્યું કે આ અધિગ્રહણથી જીયોને 5જી અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સ(IoT)માં આગળ વધવામાં ઘણી મદદ મળશે. જણાવી દઈએ કે 30 જુને જ આકાશ અંબાણી અને હીરા કારોબારી રસેલ મહેતાની પુત્રી શ્લોકા મહેતા સાથે મુંબઈમાં ધામ-ધૂમથી સગાઇ થઇ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા મળતી માહિતી મુજબ આ ડીલ માટે હાલમાં ટ્રાઈ પાસેથી મંજુરી મળી નથી. કંપનીને આશા છે કે આ માટેની મંજુરી 2018ના ચોથા ત્રિમાસિક ગાળામાં મળી શકે છે. આ વર્ષના અંત સુધીમાં આ ડીલ પૂરી થઇ જશે. રિલાયન્સ જીયોની મુખ્ય પ્રતિદ્વંદી કંપની ભારતી એરટેલે પણ 5જી સેવા માટે તૈયારી કરી લીધી છે. હાલમાં ભારતી એરટેલ 4જીની અપગ્રેડેડ MIMO(મલ્ટીપલ ઈનપુટ મલ્ટીપલ આઉટપુટ) સેવા ઉપલબ્ધ કરાવી રહી છે. બેંગ્લોરમાં આ સેવા શરુ કરવામાં આવી છે. MIMO 4જી અને 5જી વચ્ચેની ટેકનીક છે.
