Kutch News/ કચ્છમાં ઊંટડીનું દૂધ બન્યું પશુપાલકો માટે ‘સફેદ સોનું’, આવકમાં મોટો ઉછાળો

Kutchના રણપ્રદેશમાં ઊંટપાલકો માટે આર્થિક સમૃદ્ધિની નવી આશા. સરહદ ડેરી દ્વારા ઊંટડીના દૂધનો ₹50 થી ₹55 પ્રતિ લિટર ભાવ અપાતા પશુપાલકોની આવક ₹9.60 કરોડે પહોંચી.

Top Stories Gujarat Others
Kutch Camel Milk

Kutch Camel Milk: રણપ્રદેશ કચ્છમાં પશુપાલન અને ઊંટપાલન કરતા માલધારી પરિવારો માટે હવે ઊંટડીનું દૂધ આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી રહ્યું છે. એક સમયે જે દૂધ સાવ પાણીના ભાવે વેચાતું હતું અથવા અનિશ્ચિત બજારનો શિકાર બનતું હતું, તે દૂધ આજે પશુપાલકો માટે ‘સફેદ સોનું’ સાબિત થઈ રહ્યું છે.

ગુજરાત સરકાર અને સરહદ ડેરીના સંયુક્ત પ્રયાસોથી હવે પશુપાલકોને ઊંટડીના દૂધનો પ્રતિ લિટર ₹50 થી ₹55 જેટલો ઊંચો અને પોષણક્ષમ ભાવ મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કચ્છમાં ઉદય પામેલી આ નવી શ્વેતક્રાંતિએ માલધારીઓનું જીવનધોરણ બદલી નાખ્યું છે.

Kutch : વર્ષો જૂની સમસ્યાઓમાંથી મળી કાયમી મુક્તિ

રણમાં ઘાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરતા ઊંટપાલકોને અગાઉ દૂધના વેચાણ અને સમયસર પેમેન્ટ ન મળવાની મોટી સમસ્યાઓ સતાવતી હતી. પરંતુ હવે સરહદ ડેરી દ્વારા દૂધ ખરીદીની એક સુદ્રઢ અને વ્યવસ્થિત સાંકળ (Supply Chain) ઊભી કરવામાં આવી છે. જેના કારણે હવે પશુપાલકોને તેમના દૂધનું સીધું અને સમયસર બેંકમાં ચુકવણું મળી રહ્યું છે.

Kutch Camel Milk

આવક અને દૂધ ખરીદીમાં નોંધાયો મોટો ઉછાળો

સરહદ ડેરી માત્ર દૂધની ખરીદી જ નથી કરતી, પરંતુ તેનું આધુનિક ટેકનોલોજીથી પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન (Value Addition) પણ કરે છે. આજે ઊંટડીના દૂધમાંથી પનીર અને આઈસ્ક્રીમ જેવી પ્રીમિયમ પ્રોડક્ટ્સ બનાવીને બજારમાં વેચવામાં આવી રહી છે. આ સચોટ માર્કેટિંગનું જ પરિણામ છે કે વર્ષ 2025-26 માં ઊંટડીના દૂધની ખરીદીમાં સીધો 8.50% નો મોટો ઉછાળો નોંધાયો છે. ગત વર્ષે પશુપાલકોને દૂધ પેટે ₹8.72 કરોડનું ચૂકવણું કરાયું હતું, જેની સામે આ વર્ષે આવક વધીને માતબર ₹9.60 કરોડ પર પહોંચી ગઈ છે.

‘સુપરફૂડ’ ગણાતા દૂધની વૈશ્વિક માંગ વધી

વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો, ઊંટડીનું દૂધ એક પ્રકારનું ‘સુપરફૂડ’ છે. તે ડાયાબિટીસ, ટીબી અને ઓટિઝમ જેવી ગંભીર બીમારીઓ સામે લડવામાં અત્યંત ગુણકારી સાબિત થયું છે, જેના કારણે દેશ-વિદેશના બજારોમાં તેની માંગ સતત વધી રહી છે.

સરકાર દ્વારા મળતા પ્રોત્સાહન અને નવી લોન સહાયથી બજારમાં હવે ઊંટની કિંમતોમાં પણ વધારો જોવા મળ્યો છે. વ્યવસ્થિત માર્કેટિંગ અને સરહદ ડેરીના સાથને કારણે ઊંટપાલન હવે એક અત્યંત નફાકારક વ્યવસાય બની ગયો છે. આર્થિક સમૃદ્ધિ જોઈને હવે કચ્છનો યુવા વર્ગ પણ આ નવી શ્વેતક્રાંતિમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યો છે.


આ પણ વાંચો: કચ્છના અબડાસામાં ગૌચરની 1400 એકર જમીન ગેરકાયદેસર દબાણથી મુક્ત

આ પણ વાંચો:  કચ્છના ચોપડવામાં પ્લાયવુડ કંપનીમાં આગ, લાખોની મશીનરી અને કાચો માલ બળીને ખાખ

આ પણ વાંચો: કચ્છ જિલ્લામાં ફ્લાઈંગ સ્ક્વૉડનો સપાટો, ગેરકાયદે ખનન કરતા 4 ડમ્પર અને 2 મશીનો જપ્ત