Kutch Mineral Theft News: કચ્છ જિલ્લામાં ગેરકાયદે ખનિજ ખનન અને ચોરી કરનારા તત્વો સામે જિલ્લા તંત્રએ લાલ આંખ કરી છે. કચ્છ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોર્ડની ટીમે અબડાસા અને લખપત તાલુકામાં આકસ્મિક દરોડા પાડીને ગેરકાયદે ખનન કરતા 6 ભારે વાહનો અને મશીનો ઝડપી પાડ્યા છે. આ ડબલ કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Kutch : અબડાસાની ભેડી નદીમાં રેતી ચોરી પર તરાપ
ફ્લાઇંગ સ્ક્વોર્ડ-કચ્છની ટીમે અબડાસા તાલુકાના કોઠારા ગામ નજીક આવેલી ભેડી નદીના પટમાં ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું, જે દરમિયાન નદીમાંથી પરવાનગી વગર સાદી રેતીનું ખનન અને પરિવહન થતું ઝડપાયું હતું. આ તપાસ દરમિયાન તંત્રએ સ્થળ પરથી બે ડમ્પર અને એક લોડર મશીન કાર્યરત હાલતમાં ઝડપી પાડી કબ્જે કર્યા હતા અને આ તમામ મુદ્દામાલ આગળની કાર્યવાહી માટે કોઠારા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
લખપતના મુરચબાણ સીમમાં માટી ચોરીનો પર્દાફાશ
આ અગાઉ 2 મે, 2026ના રોજ લખપત તાલુકાના મુરચબાણ સીમ વિસ્તારમાં પણ સઘન સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું, જ્યાં સાદી માટીનું ગેરકાયદે ખનન થતું હોવાની બાતમીના આધારે તંત્રની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ બે ડમ્પર અને એક એસ્કેવેટર (હિટાચી) મશીન જપ્ત કર્યા હતા, જે તમામ સાધનોને દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા.

રૂ. 1.15 કરોડનો મુદ્દામાલ જપ્ત
બંને સ્થળેથી પકડાયેલા વાહનો અને મશીનોની અંદાજિત કિંમત રૂ. 1 કરોડ 15 લાખ જેટલી થવા જાય છે. જિલ્લા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે નદીપટ્ટા કે સરહદી વિસ્તારોમાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવનારાઓ સામે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ અપનાવવામાં આવશે. ખનિજ ચોરી અટકાવવા માટે આગામી દિવસોમાં પેટ્રોલિંગ અને ઇન્ટેલિજન્સ આધારિત ચેકિંગ વધુ તેજ કરવામાં આવશે.
આ પણ વાંચો: કચ્છ : ભચાઉના અધોઇમાં ગેરકાયદે ખનન ઝડપાયું
આ પણ વાંચો: પૂર્વ કચ્છમાં ખાણખનીજ વિભાગની કાર્યવાહી, ગેરકાયદે ખનન કરતી 18 ટ્રકોને ઝડપી
આ પણ વાંચો: પાટણમાં ભૂમાફિયાઓ સામે ખાણ-ખનીજ વિભાગે લાલ આંખ કરી
