Rajkot News: ગુજરાતમાં ચૂંટણીપંચે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. આ ચૂંટણી 26મી એપ્રિલના રોજ યોજાશે. આના પગલે શાસક પક્ષે સેન્સ મેળવવાની પ્રક્રિયાનો પ્રારંભ કરી દીધો છે. રાજકોટમાં પણ ભાજપની કચેરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ભાજપની કચેરીએ ત્રણ તાલુકાની સેન્સ લેવામાં આવશે.
કોટડા-સાંગાણી, વિંછીયા અને જસદણની સેન્સ લેવાશે. ગાંધીનગરના પૂર્વ મહામંત્રી દ્વારા આ સેન્સ લેવામાં આવશે. આ સિવાય ગાંધીનગર શહેરના મહામંત્રી પણ સેન્સ લેશે. આના પગલે દરેક બેઠક પર દાવેદારોનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ ભાજપ કચેરી પર કાર્યકરોના ધાડેધાડા ઉમટી પડ્યા છે. પક્ષની અંદરના દરેક જૂથ ટિકિટ મેળવવા માટે સક્રિય થઈ ગયા છે.
આ પ્રક્રિયા દરમિયાન ટિકિટ માટે ઇચ્છુક ઉમેદવારોએ દાવેદારી નોંધાઈ હતી. પક્ષના કાર્યકરો અને આગેવાનોએ તેમનો દાવો કર્યો હતો. આમ એક જ દિવસમાં ત્રણ જુદી-જુદી ચૂંટણી માટે યોજાતી આ પ્રક્રિયાના લીધે આજનો દિવસ ઘણો મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
શાસક પક્ષ દ્વારા સ્થાનિક સ્તરે મજબૂત અને વિજેતા બની શકે તેવા મજબૂત દાવેદારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તેની સાથે-સાથે પક્ષના નિરીક્ષકો સંભવિત ઉમેદવારોની સામાજિક સ્વીકૃતિ, તેનું સામાજિક પીઠબળ, તેની લોકપ્રિયતા ઉપરાંત સંગઠન પ્રત્યેની નિષ્ઠા તથા સંગઠનાત્મક કુશળતા પણ જોશે.
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, સમગ્ર સેન્સ પ્રક્રિયા પારદર્શક અને લોકતાંત્રિક રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી યોગ્ય અને લાયક ઉમેદવારોને તક મળી શકે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં અંતિમ ઉમેદવારોની યાદી જાહેર થવાની સંભાવના છે.
આમ રાજકોટમાં રાજકીય ગતિવિધિઓનો માહોલ ગરમાયો છે અને પક્ષના કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી રાજકીય પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દરેક પક્ષ સક્રિય બન્યો છે. ભાજપ પણ સંગઠનને વધુ મજબૂત બનાવી વિજય માટેની વ્યૂહરચના ઘડી રહ્યું છે.
