Bharuch News: ભરૂચમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Local Body Election)ની હલચલ તેજ બની ગઈ છે. ચૂંટણી પહેલાં જ શાસક પક્ષ અને વિપક્ષમાં આયારામ-ગયારામ શરૂ થઈ ગયા છે. ભરૂચમાં શાસક પક્ષે વિપક્ષના કાંગરા ખેરવવાની કવાયત તેજ કરી દીધી છે. ચૂંટણી પહેલાં જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ)ના કાર્યકરો ભાજપમાં જોડાતા બંનેને મોટો ફટકો પડ્યો છે. 50 જેટલા કાર્યકરોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
તેમા પણ ચૈતર વસાવાના ખાસ મનાતા આકાશ મોદી ભાજપમાં જોડાયા છે. આ ઉપરાંત શંકર પટેલ સહિતના આગેવાનો ભાજપમાં જોડાયા છે. આમાં જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રી અને ધારાસભ્ય પણ હાજર હતા. આકાશ મોદી ભરૂચમાં આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ હતા. તેમને ચૈતર વસાવવાના ખાસ માનવામાં આવતા હતા. ચૈતર વસાવાએ ચૂંટણીમાં મેળવેલા વિજ પાછળ તેમની વ્યૂહરચનાઓ મહત્વની હોવાની જણાવ્યું હતું.
ભાજપમાં વિપક્ષના કાર્યકરો જોડાઈ રહ્યા છે તે અંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે પીએમ મોદીની વિકાસની સરવાણીથી પ્રભાવિત થઈને છેવટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો તેમના પક્ષ સાથે જોડાઈ ગયા છે. ભાજપે હિંદુત્વની વિચારધારાને વિકાસની સાથે જોડી છે. તેના કારણે રાજ્ય અને રાષ્ટ્ર બંને દિનપ્રતિદિન વિકાસના નવા આયામ સર કરી રહ્યા છે. ભારત આજે વિશ્વનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. આજે દેશની અડધોઅડધ વસ્તીને રોજગારી પૂરી પાડવાના ધ્યેયની નજીક છીએ. દરેક ક્ષેત્રમાં વિકાસની સરવાણી વહી છે.
ભાજપના ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે પીએમ મોદી તાજેતરમાં જ ગુજરાત આવી ગયા અને વિકાસની નવી ક્ષિતિજો સર કરવાનું આહવાન કર્યુ છે. તેમના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસથી વિપક્ષ પણ પ્રભાવિત થયા વગર રહ્યો નથી. વિપક્ષી આગેવાનો ભલે ગમે તે બોલતા હોય, પરંતુ વિપક્ષના કાર્યકરોએ તળિયાના સ્તરનો વિકાસ જોયો છે. તેની સાથે ભાજપની સંગઠન શક્તિ અને કામ કરવાની શૈલી પણ જોઈ છે. તેઓ આ બધાથી પ્રભાવિત થયા છે.
