Uttar Pradesh News: ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ચોંકાવનારો અને ભયાનક કિસ્સો સામે આવ્યો છે. અહીં મંગળવારે પોલીસે જણાવ્યું કે પોલીસ સ્ટેશન ફેઝ-3 વિસ્તારમાં એક પ્લે સ્કૂલના (Play School) ટોયલેટના બલ્બ હોલ્ડરમાં છુપાયેલ કેમેરા મળી આવ્યા બાદ સ્કૂલના ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી છે.
તેણે જણાવ્યું કે પ્લે સ્કૂલની એક શિક્ષિકાએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે 10 ડિસેમ્બરે સ્કૂલના વોશરૂમમાં ગઈ ત્યારે તેણે બલ્બ હોલ્ડરમાં કંઈક શંકાસ્પદ જોયું. તેમાં એક જાસૂસી કેમેરા લગાવવામાં આવ્યો હતો.

તેણે કહ્યું કે જ્યારે તેણે આ વિશે સ્કૂલના ડિરેક્ટર નવનીશ સહાયને જાણ કરી, ત્યારે તેણે કથિત રીતે આ અંગે કોઈ પગલાં લીધાં નહીં અને તેમને કોઈ જવાબ પણ આપ્યો નહીં. પોલીસે જણાવ્યું કે ફરિયાદીએ દાવો કર્યો કે જ્યારે તેણે સિક્યોરિટી ગાર્ડ સાથે વાત કરી તો તેણે કહ્યું કે આ કેમેરા ડાયરેક્ટર દ્વારા જ લગાવવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે સહાયે આ સ્પાય કેમેરા ઓનલાઈન મંગાવ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ પછી તેની ધરપકડ કરવામાં આવી અને તેની સામે કેસ નોંધવામાં આવ્યો. અધિકારીએ કહ્યું કે શાળાના શિક્ષકે એવો પણ દાવો કર્યો હતો કે અગાઉ પણ તેને શાળાના વોશરૂમમાં એક સ્પાય કેમેરો મળ્યો હતો અને તેણે તે ડાયરેક્ટરને આપ્યો હતો.

ગયા નવેમ્બરમાં ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. અહીંની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીનીઓના બાથરૂમ પાસે ગુપ્ત કેમેરા મળી આવતાં વિસ્તારમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી સગીર છે. વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે તેની વિરુદ્ધ પોક્સો એક્ટ અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તેને કસ્ટડીમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
