Gujarat News: ગુજરાતમાં વધતા અકસ્માતોને લઈને રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિક નિયમ ભંગ મુદ્દે નવતર પ્રયોગ અજમાવવામાં આવ્યો. ટ્રાફિક નિયમ ભંગ સામે રાજ્યમાં 365 દિવસ પોલીસ ડ્રાઈવ ચલાવવી જોઈએ. શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યોજાયેલ એક કાર્યક્રમમાં હાજરી આપવા દરમ્યાન રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ વાત કહી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે રોંગ સાઈડ વાહન ચલાવનાર અને ઓવર સ્પિડમાં વાહન ચલાવનાર ચાલકને ફક્ત દંડ નહી પરંતુ સીધા જેલ ભેગા કરવા જોઈએ. જેલની હવા ખાશે ત્યારે જ બેખોફ બની ફરનાર આ ધુરંધરો સીધા થશે.
ટ્રાફિક નિયમન બાબતે જાગૃતિ ફેલાવવા ખાસ સ્પર્ધાનું આયોજન
રાજ્ય સરકારે અકસ્માતોની સંખ્યા ઘટાડવા નાગરિકોમાં ટ્રાફિક નિયમન બાબતે જાગૃતિ ફેલાવવા ખાસ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ટ્રાફિક સમસ્યાને લઈને લોકો વધુ ગંભીર બને માટે રસ્તા પર રોંગ સાઈડ, ઓવર સ્પિડિંગ અને રોડ રેસિંગ ના કરી અકસ્માત બનતા રોકી શકે છે. વાહન ચલાવનારા નાગરિકોમાં બાળકથી લઈને વયસ્ક સુધીના લોકોમાં ટ્રાફિક નિયમન અંગે જાગૃતિ ફેલાવવા આ વર્ષના જૂન મહિના (1 થી 30)માં શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરાયું હતું. અને શહેર પોલીસ દ્વારા 17 ડિસેમ્બરના રોજ આ શોર્ટ ફિલ્મ વિજેતાઓને ઇનામ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ હાજરી આપી હતી.

શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણ
શહેર ટ્રાફિક ડીસીપી દ્વારા શોર્ટ ફિલ્મ સ્પર્ધાના વિજેતાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આજે ટેકનોલોજીનો જમાનો છે અને તમામ લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. આથી જ લોકો સુધી ટ્રાફિક નિયમનને લઈને સંદેશ પંહોચે માટે શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરાયું. શહેર ટ્રાફિક ડિસીપી સફીન હસનના સુપરવિઝન હેઠળ ગત 1 જૂન 2024 થી 30 જૂન 2024 દરમ્યાન આ શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરાયું હતું અને આ ફિલ્મમાં બનેલ વિજેતાઓને ઇનામ આપવાનો કાર્યક્રમ ગત રોજ પોલીસ દ્વારા યોજવામાં આવ્યો. શોર્ટ ફિલ્મના કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય લોકોમાં ટ્રાફિક નિયમોને લઈને વધુ જાગૃતિ આવે અને તેના કારણે દિનપ્રતિદિન વધતી અકસ્માતોની સંખ્યામાં ઘટાડો કરી શકાય.
https://x.com/sanghaviharsh/status/1869216109188292843?s=46
વિજેતાઓને ઈનામ
શોર્ટ ફિલ્મ સ્પર્ધામાં 10 શોર્ટ ફિલ્મનું સ્ક્રિનિંગ કરાયું હતું. પ્રદીપભાઈ વાઘેલા દ્વારા નિર્દેશિત બસ બે મિનિટની ફિલ્મે પ્રથમ ક્રમાંક મેળવ્યો. જ્યારે બીજા ક્રમાંક પર શૈલેષ બોધાણી દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ યે તો સમજદાર હૈ પર આપ ?અને ત્રીજા ક્રમાંક પર વિપુલ શાહ દ્વારા નિર્દેશિત જોકર ફિલ્મ રહી. પ્રથમ વિજેતા પ્રદીપ વાઘેલાને બે લાખનું ઈનામ, દ્વિતીય વિજેતા શૈલેષ બોધાણીને દોઢ લાખ રૂપિયાનું ઈનામ અને તૃતીય વિજેતા વિપુલ શાહને એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવ્યું. આ ઉપરાંત અન્ય 7 શોર્ટ ફિલ્મોને રૂ.10,000 ઇનામ તરીકે આપવામાં આવ્યા.
