Rajkot News: આગામી જાન્યુઆરી 2027માં વિશ્વ પ્રસિદ્ધ શ્રી ખોડલધામ મંદિર (Shree Khodaldham Mandir)ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 10 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ પ્રસંગે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડ દ્વારા ભવ્યાતિભવ્ય ‘દશાબ્દી મહોત્સવ 2027’નું આયોજન કરવામાં આવ્યું છે. દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે તારીખ 2 મે ને શનિવારના રોજ શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલ (Naresh Patel)ની અધ્યક્ષતામાં શ્રી ખોડલધામ મંદિર ખાતે એક અગત્યની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ દશાબ્દી મહોત્સવના કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી. આ ઐતિહાસિક મહોત્સવ શ્રી ખોડલધામ મંદિર પરિસર, કાગવડ (Kagvad, Rajkot)ખાતે 19 જાન્યુઆરી થી 21 જાન્યુઆરી, 2027 સુધી ઉજવવામાં આવશે.

ત્રણ દિવસનો આ કાર્યક્રમ સુંદર રીતે ઉજવાય તે માટે સૌ સાથે મળી પ્રયત્નો કરીશું: નરેશ પટેલ
દશાબ્દી મહોત્સવના આયોજનના ભાગરૂપે યોજાયેલી મીટમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, દશાબ્દી મહોત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાય તેના માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશું. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લઈને અત્યાર સુધી કરોડો લોકોએ અહીં આવીને મા ખોડલના આશીર્વાદ લીધા છે ત્યારે દશાબ્દી મહોત્સવમાં પણ લોકો ભાવથી જોડાશે. ચોખ્ખા મન અને આત્માથી કાર્ય કરીશું તો ધાર્યું પરિણામ આપણે મેળવી શકીશું. માતાજી આપણને આ કાર્ય કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના.

દશાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઘડીનો આપણે સૌ ભાગ બનવા જઈ રહ્યા છીએ: અનાર પટેલ
શ્રી ખોડલધામ સંગઠન અધ્યક્ષ અનાર પટેલે (Anar Patel) જણાવ્યું હતું કે, દશાબ્દી મહોત્સવની ઐતિહાસિક ઘડીનો આપણે સૌ ભાગ બનવા જઈ રહ્યા છીએ. અહીંયા સુધી પહોંચવા માટે નરેશ પટેલની આગેવાનીમાં આપણે ખૂબ જ મહેનત કરી છે. આટલા વર્ષોમાં આપણે ગામે ગામ પહોંચ્યા છીએ. નરેશ પટેલ દરેક લોકોના હૃદય સુધી પહોંચ્યા છે. ત્યારે આ દશ વર્ષની યાત્રાની ઉજવણી છે. હવે સમય સમાજને કંઈક પાછું આપવાનો છે. દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા માટે મા ખોડલ રથમાં બિરાજીને ગામડે ગામડે આમંત્રણ આપવા જશે. દરેક પરિવારને આ દશાબ્દી મહોત્સવ સાથે જોડીએ. એક એક વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયત્ન આપણે સંગઠન થકી કરીશું.

રમેશભાઈ ટીલાળાએ જણાવ્યું હતું કે, સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચી તેને મદદરૂપ થવાના ભાવ અને વિચાર સાથે શ્રી ખોડલધામની સ્થાપના કરવામાં આવી હતી. આપણે આ વિચારને સાકાર કર્યો છે. હજુ પણ ઘણા કાર્યો આગામી દિવસોમાં થવાના છે. જેથી આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીશું તો આપણા તમામ સંકલ્પો સાકાર થશે.

19, 20 અને 21 જાન્યુઆરી દરમિયાન 1008 કુંડી મહાયજ્ઞ, લોકડાયરો, મહારાસ, મહા ધર્મસભા સહિતના ભવ્યાતિભવ્ય કાર્યક્રમો યોજાશે
હસમુખ લુણાગરીયાએ ત્રણ દિવસ યોજાનાર દશાબ્દી મહોત્સવની વિસ્તૃત રૂપરેખા જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટ ઉત્તરોત્તર અદભૂત અને અપ્રતિમ કાર્યક્રમો આપતું આવ્યું છે. 2017માં મા ખોડલના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ અદભૂત અને અવિસ્મરણીય રહ્યો અને વિશ્વસ્તરે ખોડલધામ પ્રસ્થાપિત થયું. ત્યારે આવો જ એક અદભૂત કાર્યક્રમ દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે ઉજવાશે, જે ભૂતકાળના કાર્યક્રમથી પણ વિશેષ હશે.

આ ત્રણ દિવસના દશાબ્દી મહોત્સવની રૂપરેખા જણાવતા હસમુખ લુણાગરીયાએ જણાવ્યું હતું કે, તારીખ 19 જાન્યુઆરી 2027 ને મંગળવારના રોજ શ્રી ખોડલધામ મંદિરે દશાબ્દી મહોત્સવનો શુભારંભ થશે. જેમાં સવારે 1008 કુંડી મહાયજ્ઞનો પ્રારંભ થશે. ચારેય દિશાઓમાંથી શોભાયાત્રા શ્રી ખોડલધામ મંદિરે પહોંચશે. જેના સામૈયા થશે અને પુષ્પવર્ષા થશે. બપોર બાદ ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરો યોજાશે. બીજા દિવસે તારીખ 20 જાન્યુઆરી 2027 ને બુધવારના રોજ સવારે શાસ્ત્રોક્ત વિધિથી મહાયજ્ઞ થશે. બપોર બાદ મહારાસ યોજાશે. જેમાં દરેક જિલ્લા, તાલુકાઓ, શહેરો અને ગામડે ગામડેથી ભાઈઓ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ઉપસ્થિત રહેશે અને મહારાસમાં જોડાશે. અંતિમ દિવસે તારીખ 21 જાન્યુઆરી 2027 ને ગુરુવારના રોજ 1008 કુંડી મહાયજ્ઞની પૂર્ણાહૂતિ થશે અને બીડું હોમવામાં આવશે. માતાજીને અન્નકૂટ ધરવામાં આવશે. સામૂહિક મહાઆરતી અને ધ્વજારોહણ કરાશે. ત્યારબાદ શ્રી ખોડલધામ મંદિરે વિરાટ ધર્મસભા યોજાશે. જેમાં ચેરમેન નરેશ પટેલ ઉદબોધન કરી સમાજ જોગ સંદેશ આપશે અને દશાબ્દી મહોત્સવનું સમાપન થશે.

મહોત્સવમાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે રોજ સવારે અલ્પાહાર, બપોરે ભોજન (ફરાળ સાથે) અને સાંજના ભોજનની સુંદર વ્યવસ્થા
ત્રણેય દિવસ દરમિયાન ખાસ શ્રી ખોડલધામની 10 વર્ષની યાત્રાનું પ્રદર્શન કરવામાં આવશે. મહોત્સવમાં પધારનાર શ્રદ્ધાળુઓ માટે રોજ સવારે અલ્પાહાર, બપોરે ભોજન (ફરાળ સાથે) અને સાંજના ભોજનની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવશે.
જેની ઠુંમરે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં યોજાયેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની યાદો હજુ પણ માનસપટ પર જીવંત છે. માના ધામમાં લાખો લોકો આ મહોત્સવમાં સહભાગી થયા અને આપણે વિશ્વમાં ડંકો વગાડ્યો. દરેક 21 જાન્યુઆરીના રોજ આપણે વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરીએ છીએ. ત્યારે આગામી દશાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે આપણી સંસ્કૃતિ, પરંપરા અને સંકલ્પોને યાદ કરીએ અને આ મહોત્સવમાં વધુ ને વધુ લોકો જોડાય તેવા સંગઠન થકી પ્રયત્ન કરીએ. તમામ સમિતિઓ સાથે મળીને કાર્ય કરશે તો આ સંકલ્પ સાકાર થશે. આપણી પાસે નરેશ પટેલના રૂપમાં આપણા પોતાના મેનેજમેન્ટ ગુરુ છે. તેથી નરેશ પટેલના માર્ગદર્શન હેઠળ આજથી જ દશાબ્દી મહોત્સવના કાર્યમાં લાગી જઈશું તો ધાર્યા કરતાં સારો કાર્યક્રમ કરી શકીશું.

દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા ગામડે ગામડે રથ પરિભ્રમણ કરશે
શ્રી ખોડલધામ દશાબ્દી મહોત્સવના આમંત્રણના ભાગરૂપે આગામી દિવસોમાં ગુજરાતના અલગ અલગ ગામડાઓ અને શહેરોમાં મા ખોડલ રથમાં બિરાજમાન થઈને રૂબરૂ આમંત્રણ આપવા જશે. આ માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ત્રણ રથ તૈયાર કરવામાં આવશે જે અલગ અલગ ઝોનમાંથી દશાબ્દી મહોત્સવનું આમંત્રણ આપવા જશે.
2 મેના રોજ શ્રી ખોડલધામ મંદિરે યોજાયેલા દશાબ્દી મહોત્સવ આયોજન મીટ કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. જ્યારે સ્વાગત પ્રવચન ટ્રસ્ટી મનોજ સાકરીયાએ કર્યું હતું અને આભારવિધિ ટ્રસ્ટી જી.એલ. રામાણી દ્વારા કરવામાં આવી.
