રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી ચાંદીપુરા વાયરસથી સંક્રમિત ગુજરાતની સૌથી નાની વયની ત્રણ માસની બાળકી 17 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ (Chandipura Virus Baby Recovery) થઈ ગઈ છે. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ (Civil Hospital) કરાયેલી આ બાળકી હવે સ્વસ્થ થતાં તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. આ સફળ સારવારને રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે મહત્વપૂર્ણ સિદ્ધિ માનવામાં આવી રહી છે.
Chandipura Virus Baby Recovery: ગંભીર હાલતમાં કોમામાં હોસ્પિટલમાં દાખલ કરાઈ
મૂળ મધ્યપ્રદેશના અને હાલ ગોંડલ તાલુકાના પાંચિયાવદર ગામમાં રહેતા મજૂર પરિવારની આ બાળકી 19 જુલાઈના રોજ અચાનક આંચકી અને ડાયેરિયાની તકલીફ બાદ પ્રથમ ગોંડલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતાં તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હોસ્પિટલમાં પહોંચતી વખતે બાળકી કોમાની સ્થિતિમાં હતી, જેના કારણે તાત્કાલિક સઘન સારવાર શરૂ કરવામાં આવી.
એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર પર રાખી સારવાર
બાળકીની સારવાર કરનાર ડૉ. પલક હપાણીએ જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ થતાં જ બાળકીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. લગભગ એક અઠવાડિયા સુધી વેન્ટિલેટર સપોર્ટ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેની સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થતાં પહેલા હાઈ-ફ્લો ઓક્સિજન અને પછી સામાન્ય ઓક્સિજન સપોર્ટ પર સારવાર ચાલુ રાખવામાં આવી.
લીવર અને કિડની પર અસર નહીં, MRI પણ નોર્મલ
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ચાંદીપુરા વાયરસના (Chandipura Virus) ઘણા કેસોમાં લીવર, કિડની અને અન્ય અંગો પર ગંભીર અસર થતી હોય છે. જોકે આ બાળકીના કેસમાં સદભાગ્યે આવા કોઈ ગંભીર પ્રભાવ જોવા મળ્યા નહોતા. સારવાર દરમિયાન કરાયેલા MRI સહિતના તમામ જરૂરી પરીક્ષણોના પરિણામ સામાન્ય આવ્યા હતા. હાલમાં બાળકી માતાનું ધાવણ લઈ રહી છે અને તેની તબિયત સંપૂર્ણપણે સ્થિર હોવાથી તેને ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
હોસ્પિટલ તંત્રે ગણાવી મોટી સફળતા
રાજકોટ સિવિલ હોસ્પિટલના સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. મનાલી માંકડિયાએ જણાવ્યું કે આ ગુજરાતનું સૌથી નાની વયનું CHPV (ચાંદીપુરા વાયરસ) પોઝિટિવ બાળક હતું. બાળકી અત્યંત ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ થઈ હતી, પરંતુ ડૉક્ટરોની ટીમે સતત સઘન સારવાર આપતાં હવે તે સંપૂર્ણ સ્વસ્થ (Chandipura Treatment) બની ઘરે પરત ફરી છે.
હાલ બે બાળકો સારવાર હેઠળ
રાજકોટ મેડિકલ કોલેજના ડીન ડૉ. પંકજ બુચે જણાવ્યું કે હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા બે બાળકો સારવાર હેઠળ છે. જેમાં એક બાળક જુનાગઢથી રિફર થઈને આવ્યું છે અને બીજું રાજકોટ જિલ્લાના વિસ્તારનું છે. બંને બાળકોના નમૂનાઓ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હાલમાં એક બાળક વેન્ટિલેટર પર છે જ્યારે બીજાની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ તંત્રએ જણાવ્યું છે.
ચાંદીપુરા સામે સમયસર સારવારનું મહત્વ
ડૉક્ટરોનું કહેવું છે કે ચાંદીપુરા વાયરસમાં સમયસર સારવાર, સતત મોનિટરિંગ અને સઘન સારવાર અત્યંત મહત્વની હોય છે. આ બાળકીના કેસમાં સમયસર સારવાર મળતાં ગંભીર સ્થિતિમાંથી બહાર આવી સંપૂર્ણ સ્વસ્થ થવામાં સફળતા મળી છે, જે અન્ય દર્દીઓ માટે પણ આશાજનક ઉદાહરણ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય તંત્ર એલર્ટ : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા
આ પણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 174 શંકાસ્પદ કેસ, 33 પોઝિટિવ અને 21 દર્દીઓના મોતથી ચિંતા વધી
આ પણ વાંચો: પાટણમાં ચાંદીપુરા વાયરસનો પગપેસારો, 5 વર્ષીય બાળકનું મોત; વધુ એક શંકાસ્પદ કેસથી તંત્ર એલર્ટ
