New Delhi News : મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner) જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવાની માંગ વચ્ચે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાના નિવેદનથી રાજકીય ચર્ચા તેજ બની છે. ઓમ બિરલા (Om Birla)એ સ્પષ્ટ કર્યું છે કે જો વિપક્ષ જ્ઞાનેશ કુમારને હટાવવા માટે નવો પ્રસ્તાવ રજૂ કરશે, તો નિયમો અને નિર્ધારિત પ્રક્રિયા અનુસાર તેની તપાસ કરવામાં આવશે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે વિપક્ષ SIR પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો લગાવીને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ કરી રહ્યો છે.
વિપક્ષ ફરી લાવી શકે છે પ્રસ્તાવ
જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ને પદ પરથી હટાવવા માટે વિપક્ષ અગાઉ બે વખત નોટિસ આપી ચૂક્યો છે. પ્રથમ નોટિસ લોકસભા અને રાજ્યસભામાં ફગાવી દેવામાં આવી હતી, જ્યારે બીજી નોટિસ રાજ્યસભામાં આપવામાં આવી હતી, જેના પર હજુ નિર્ણય બાકી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
હવે સંસદનું વિશેષ સત્ર યોજાય તો વિપક્ષ ફરી એકવાર જ્ઞાનેશ કુમારને હટાવવાનો પ્રસ્તાવ લાવી શકે છે. જોકે, નવો પ્રસ્તાવ રજૂ થાય તો તેને સ્વીકારવો કે નહીં અને આગળની કાર્યવાહી શું રહેશે, તે લાગુ નિયમો અને પ્રક્રિયા પર નિર્ભર રહેશે.
SIR મુદ્દે વિપક્ષનો વિરોધ યથાવત્
મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા એટલે કે SIRને લઈને વિપક્ષ સતત સવાલો ઉઠાવી રહ્યો છે. વિપક્ષના નેતાઓ અને વિવિધ સંગઠનો દેશના અલગ-અલગ વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન કરીને જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)ના રાજીનામાની માંગ કરી રહ્યાં છે.
વિપક્ષની મુખ્ય દલીલ SIR પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓને (SIR Controversy)લઈને છે. બીજી તરફ, મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી હટાવવા માટે માત્ર રાજકીય વિરોધ કે રાજીનામાની માંગ પૂરતી નથી. તેના માટે બંધારણીય અને કાયદાકીય પ્રક્રિયા અનુસરવી પડે છે.
સુપ્રીમ કોર્ટના જજ જેવી હટાવવાની પ્રક્રિયા
મુખ્ય ચૂંટણી કમિશનર (Chief Election Commissioner)ને પદ પરથી હટાવવાની પ્રક્રિયા સામાન્ય સરકારી અધિકારી કરતાં અલગ છે. કાયદા મુજબ, તેમને સુપ્રીમ કોર્ટના જજની જેમ વિશેષ પ્રક્રિયા દ્વારા જ પદ પરથી દૂર કરી શકાય છે. આ માટે સાબિત થયેલું ગેરવર્તન અથવા કામ કરવામાં અસમર્થતા જેવા નિર્ધારિત આધાર જરૂરી છે.
પ્રસ્તાવ સંસદના બંને ગૃહોમાં જરૂરી બહુમતીથી પસાર થવો પડે છે. તેમાં ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર રહીને મતદાન કરતા સભ્યોના ઓછામાં ઓછા બે-તૃતીયાંશનું સમર્થન આવશ્યક છે.
ત્રણ સભ્યોની સમિતિ તપાસે છે આરોપો
જજોને પદ પરથી હટાવવા સંબંધિત 1968ના કાયદા હેઠળ પ્રસ્તાવ સ્વીકારવામાં આવે તો લોકસભા અધ્યક્ષ અથવા રાજ્યસભાના અધ્યક્ષ ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના કરી શકે છે. આ સમિતિમાં સુપ્રીમ કોર્ટના જજ, હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને કાયદાના ક્ષેત્રના પ્રતિષ્ઠિત નિષ્ણાતનો સમાવેશ થાય છે.
સમિતિ આરોપોની તપાસ કરીને પોતાનો અહેવાલ રજૂ કરે છે. આરોપો સાબિત થાય તો પણ જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવવા માટે સંસદના બંને ગૃહોમાં જરૂરી બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવો જરૂરી છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા પદ પરથી હટાવવાની ઔપચારિક કાર્યવાહી (Impeachment Motion)કરવામાં આવે છે.
આમ, વિપક્ષ નવો પ્રસ્તાવ રજૂ કરે તો પણ જ્ઞાનેશ કુમારને તાત્કાલિક પદ પરથી હટાવી શકાય નહીં. સમગ્ર પ્રક્રિયા કાયદાકીય જોગવાઈઓ અને સંસદીય નિયમો અનુસાર જ આગળ વધી શકે છે.
આ પણ વાંચો: ગોવામાં રાહુલ ગાંધીની ગર્જના: જ્ઞાનેશ કુમાર પર મત ચોરીનો આરોપ
આ પણ વાંચો: જ્ઞાનેશ કુમાર વિરોધનું આંદોલન દિલ્હીથી પહોંચ્યું લંડન, ધ્રુવ રાઠીએ સરકારને કહ્યું, અહીં રોકીને બતાવો
આ પણ વાંચો: Rahul Gandhi: ‘જ્ઞાનેશ કુમારને સરકાર બચાવી રહી છે’, સુપ્રીમ કોર્ટ માર્ચ પહેલા મોટું નિવેદન
