Gandhinagar News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના માણસા તાલુકાના સોજા ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સહભાગી થતાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા “સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ”નો કાર્યમંત્ર સોજા ગામમાં વીર વેલુડા સેવા મંડળ દ્વારા અર્ધશતાબ્દી મહોત્સવ અવસરે આયોજિત ગામે દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં સાકાર થયો છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, વીર વેલુડા મહારાજે પોતાના પ્રાણનું બલિદાન આપીને સોજા ગામની રક્ષા કરી હતી. આજે સોજા ગામના વીર વેલુડા સેવા મંડળના દરેક ઉંમર, દરેક જાતિ, દરેક વર્ગના લોકો ખભેખભા મિલાવીને સમરસતાનું કાર્ય કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે, એકતાના બળે સોજા ગામ વડાપ્રધાનના “વિકાસ ભી, વિરાસત ભી”ના મંત્રને સાકાર કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી, ઉજ્જૈન, અયોધ્યા, સોમનાથમાં જે રીતે વિકાસને વિરાસત સાથે જોડી એ જ રીતે સોજા ગામ પણ વિકાસ અને વિરાસતને આગળ વધારી રહ્યું છે.
મુખ્યમંત્રીએ કહ્યુ કે, આ અર્ધ શતાબ્દી મહોત્સવને વધુ પવિત્ર બનાવવા માટે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને શતચંડી મહાયજ્ઞનું ભવ્ય આયોજન થયું છે. શ્રીમદ દેવી ભાગવત પુરાણ માતૃશક્તિનો મહાન ગ્રંથ છે. તેમા માં ભગવતીના મહિમાનું વર્ણન છે.

માતાજીના અનેક સ્વરૂપો દેવી ભાગવત અને શક્તિ ઉપાસનાના સાહિત્યમાં જોવા મળે છે. દેવી ભાગવતનું શ્રવણ કરવાથી માતાના સ્વરૂપોનું અને પરાક્રમોનું જ્ઞાન મળે છે, સાથે જ શક્તિ સ્વરૂપા માતાનું મહત્વ સમજાતા સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માનની ભાવનાને પણ બળ મળે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વડાપ્રધાનના નેતૃત્વમાં દેશ વિકસિત ભારતની દિશામાં આગળ વધી રહ્યો છે તેમાં સોજા ગામ સ્વદેશી અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપી આદર્શ ગામ બને તેવી પ્રેરણા મુખ્યમંત્રીએ આપી હતી.
કથાકાર રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજીએ મુખ્યમંત્રીને ખેસ પહેરાવી સન્માનિત કર્યા હતા. કાર્યક્રમમાં સેવા મંડળના કાર્યકર્તાઓ તથા સરપંચ સુશીલાબેન પટેલ અને મોહનભાઈએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું હતું.

અર્ધ શતાબ્દી મહોત્સવની આ ઉજવણી પ્રસંગે ધારાસભ્ય જે.એસ.પટેલ, અગ્રણી નારાયણ પટેલ, ગીરીશભાઈ પટેલ, પ્રવીણ પટેલ, ભાવિન પટેલ, ઘનશ્યામસિંહ વાઘેલા, ચંદુભાઈ પટેલ, અનિલ પટેલ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો:ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના, સાત લોકોને પહોચી ઇજા
આ પણ વાંચો:ગાંધીનગરના ખેડૂત અમૃત પટેલે ખેતીને માત્ર પેટ ભરવાનું સાધન નહીં, પણ સમૃદ્ધિનું માધ્યમ બનાવ્યું…
આ પણ વાંચો:ગાંધીનગરમાં સરદાર પટેલના 150મી જન્મજયંતિ બેનરો ફાડાતા ઉમિયા પરિવારમાં રોષ
