Vadodara News/ ડોક્ટર કે ઠગ? વડોદરાની વોર્ડવિઝાર્ડ હોસ્પિટલના પૂર્વ CEO સામે 28 કરોડની છેતરપિંડીની ફરિયાદ

Wardwizard Hospital Fraud: વડોદરાની વોર્ડવિઝાર્ડ મેડીકેર હોસ્પિટલના પૂર્વ CEO ડૉ. સંતોષકુમાર ગઢવી સામે ૨૮.૪૭ કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. મેડિકલ સાધનોની ખરીદીમાં આચરેલા કૌભાંડનો પર્દાફાશ.

Top Stories Gujarat Vadodara
Vadodara Wardwizard Hospital Fraud:

Vadodara Wardwizard Hospital Fraud: સંસ્કારી નગરી વડોદરામાં કોર્પોરેટ હોસ્પિટલના વહીવટમાં કરોડો રૂપિયાની ઉચાપતનો મામલો સામે આવતા તબીબી આલમમાં ખળભળાટ મચી ગયો છે. જેતલપુર રોડ પર આવેલી જાણીતી વોર્ડવિઝાર્ડ મેડીકેર હોસ્પિટલના પૂર્વ CEO ડૉ. સંતોષકુમાર ગઢવી વિરુદ્ધ 28.47 કરોડ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

Vadodara Wardwizard Hospital Fraud:

Wardwizard Hospital: સત્તાનો દુરુપયોગ અને કરોડોની ઉચાપત

વોર્ડવિઝાર્ડ મેડીકેર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઇનાન્સ હેડ મોહસીનખાન પઠાણે નોંધાવેલી ફરિયાદ મુજબ, ડૉ. સંતોષકુમાર ગઢવીને વર્ષ 2022માં કંપનીના સીઈઓ તરીકે નિમણૂક આપવામાં આવી હતી. તેમને હોસ્પિટલ માટે મેડિકલ સાધનોની ખરીદી અને વહીવટી કાર્યોની સંપૂર્ણ જવાબદારી સોંપાઈ હતી. જોકે, એપ્રિલ 2025માં કંપનીના ઓડિટ દરમિયાન સામે આવ્યું કે ડૉ. ગઢવીએ પોતાના પદનો દુરુપયોગ કરી મોટાપાયે નાણાકીય અનિયમિતતાઓ આચરી હતી.

 આઉટડેટેડ સાધનો અને ખોટા હિસાબ

તપાસમાં બહાર આવ્યું છે કે ડૉ. ગઢવીએ હોસ્પિટલ માટે વિવિધ ગેરરીતિઓ આચરીને કંપનીને આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે આઉટડેટેડ અને જૂનાને નવા કરેલા (રીફર્બિશ્ડ) મેડિકલ સાધનોની ખરીદી કરી તેની સામે નવા સાધનોના પૂરેપૂરા ભાવ વસૂલ્યા હતા. આ ઉપરાંત, ખોટા નામે બેંક એકાઉન્ટ્સ ખોલાવી અને બનાવટી બિલો રજૂ કરીને કંપનીના નાણાં પોતાના હસ્તક કર્યા હતા. વધુમાં, હોસ્પિટલ માટે ખરીદેલા 55 ઇંચના 4 સ્માર્ટ LED ટીવી હોસ્પિટલ પહોંચાડવાને બદલે બારોબાર સગેવગે કરી દીધા હતા અને કંપનીના પેટી કેશમાંથી અવારનવાર રોકડ રકમ ઉપાડી હોવા છતાં તેનો કોઈ હિસાબ આપ્યો ન હતો.

બેંક લોનના નાણાંમાં પણ ખેલ પાડ્યો

હોસ્પિટલના વિકાસ માટે એચડીએફસી બેંકમાંથી લેવામાં આવેલી લોનની રકમમાંથી પણ ડૉ. ગઢવીએ વિવિધ કંપનીઓને એડવાન્સ ચુકવણીના બહાને નાણાકીય ગેરરીતિ કરી હતી. કુલ 28,46,87000 રૂપિયાનું નુકસાન પહોંચાડવા બદલ મૂળ પુણેના અને હાલ બોરસદ રહેતા ડૉ. સંતોષકુમાર ગઢવી સામે ગુનો નોંધી વડોદરા ડીસીબી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.


આ પણ વાંચો: સાબરકાંઠામાં લોકો બન્યા વધુ એક પોન્ઝી સ્કીમનો શિકાર

આ પણ વાંચો: સાબરકાંઠામાં BZ સ્કેમમાં CIDએ હિંમતનગર, બાયડ અને પાલનપુરથી ત્રણ એજન્ટો ઝડપ્યા

આ પણ વાંચો:  સાબરકાંઠાના હિંમતનગરના સિકંદર લોઢા વિઝા કૌભાંડમાં બહાર આવી વધુ એક છેતરપિંડી