QUAD Fiji Port Controversy 2026: પેસિફિક મહાસાગરમાં ચીનના(China) વધતા પ્રભાવને રોકવા માટે બનાવાયેલા ક્વોડ (QUAD) દેશોના શક્તિશાળી ગઠબંધનને મોટો રાજદ્વારી ઝટકો લાગ્યો છે. નવી દિલ્હીમાં યોજાયેલી ક્વોડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ફિજીમાં એક વિશાળ પોર્ટ (બંદર) બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તેના ગણતરીના કલાકોમાં જ ફિજી સરકારે તેના પર ઠંડું પાણી રેડી દીધું છે. ફિજીના વિદેશ મંત્રી સાકિયાસી ડિટોકાએ સ્પષ્ટ કર્યું છે કે, હાલમાં ક્વોડ દેશો સાથે કોઈ ચોક્કસ પોર્ટ પ્રોજેક્ટ પર અંતિમ સમજૂતી કે સહમતિ સધાઈ નથી અને આ પ્રક્રિયા હજુ માત્ર વિશ્લેષણના પ્રારંભિક તબક્કામાં છે.
નવી દિલ્હીમાં શું થઈ હતી મોટી જાહેરાત?
વાસ્તવમાં, 26 May ના રોજ નવી દિલ્હીમાં ક્વોડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગ અને અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ગર્વભેર જાહેરાત કરી હતી કે, ક્વોડ દેશો ફિજી સરકાર સાથે મળીને ત્યાં પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા કામ કરશે. વિદેશ મંત્રીઓએ આ મિશનને ‘Quad Ports of the Future Partnership'(‘ભવિષ્ય ભાગીદારીના ક્વાડ પોર્ટ્સ’) હેઠળનો પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. વ્યૂહાત્મક રીતે આ પગલાંને ચીનને ઘેરવા માટે ક્વોડનું બહુ મોટું આર્થિક હથિયાર માનવામાં આવતું હતું, પરંતુ ફિજીના વિદેશ મંત્રીના લેખિત નિવેદને આ આખી રણનીતિને ખટાઈમાં નાખી દીધી છે.
China સાથે દુશ્મની મોલ લેવા નથી માંગતું ફિજી
ફિજી પ્રશાંત મહાસાગરમાં લશ્કરી અને વ્યાપારી દ્રષ્ટિએ અત્યંત મહત્વના સ્થાને આવેલું છે. જો કે, ફિજીના વડાપ્રધાન સિતિવેની રાબુકાએ આ મામલે આડકતરો ઈશારો કરતાં સાફ કર્યું છે કે, તેઓ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને માત્ર વ્યાપારી અને આર્થિક વિકાસના દ્રષ્ટિકોણથી જુએ છે, તેને કોઈ સૈન્ય નજરિયાથી જોવો જોઈએ નહીં. આ નિવેદન સ્પષ્ટ કરે છે કે ફિજી કોઈપણ ભોગે ચીન (China) સાથે વેર બાંધવા માંગતું નથી.
ફિજી અને ચીનના(China) સંબંધો ઘણા ઊંડા છે. ચીન ફિજીનો(China) ત્રીજો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર દેશ છે. ફિજી સત્તાવાર રીતે ચીનની ‘વન-ચાઇના’ નીતિનું પાલન કરે છે અને તે બેલ્ટ એન્ડ રોડ (BRI) પ્રોજેક્ટનો પણ હિસ્સો છે. ચીનના રાજદૂત ઝોઉ જિયાનના જણાવ્યા મુજબ, ચીન ફિજીના મુખ્ય ટાપુઓ પર રસ્તાઓનું આધુનિકીકરણ, પુલ અને ગરીબી નાબૂદી સહિતના ઓછામાં ઓછા 20 જેટલા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પહેલેથી જ સફળતાપૂર્વક પૂરા કરી ચૂક્યું છે.
હાલમાં ફિજી અમેરિકી એજન્સી મિલેનિયમ ચેલેન્જ કોર્પોરેશન (MCC) સાથે માત્ર પ્રાથમિક વાટાઘાટો કરી રહ્યું છે, જેના માટે માર્ચ મહિનામાં અમેરિકા તરફથી 12 મિલિયન ડોલરની ગ્રાન્ટ મળી હતી. ફિજી પોર્ટ્સના એક્ટિંગ CEO સુરેશ પ્રસાદે આશા વ્યક્ત કરી હતી કે જો ક્વોડ તરફથી મદદ મળે તો મુખ્ય સુવા પોર્ટ (Suva Port) ને બીજી જગ્યાએ શિફ્ટ કરવાના અબજો ડોલરના પ્રોજેક્ટને ગતિ મળી શકે છે, પરંતુ સરકારના આ કડક વલણ બાદ આખો પ્રોજેક્ટ કાગળ પર જ અટવાઈ જાય તેવી સંભાવના છે.
આ પણ વાંચો: પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા, અમેરિકાનો ઈરાન પર 3 દિવસમાં બીજો મોટો હુમલો
આ પણ વાંચો: મક્કાના કાબા પર કેમ ઓઢાડવામાં આવે છે કાળું કાપડ? 63 કરોડના કિસ્વા પાછળનું આ છે વિજ્ઞાન
આ પણ વાંચો: ફ્રાન્સમાં બેંક મેનેજરે પ્રેમિકાને બ્લેકમેલ કરી 487 પુરુષો પાસે મોકલી, કોર્ટે આપી 25 વર્ષની જેલ
