Sports News: ઇંગ્લેન્ડના ક્લબ ક્રિકેટમાં (England Club Cricket) એક અનોખો અને વિવાદાસ્પદ મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ફિલ્ડર બોલ બેટ પાસેથી પસાર થાય તે જ ક્ષણે ચપટી વગાડતો(Clicky Ponting Controversy) જોવા મળે છે. ત્યારબાદ વિકેટકીપર બોલ પકડી લે છે અને ટીમની અપીલ પર અમ્પાયર બેટરને આઉટ જાહેર કરે છે. આરોપ છે કે ચપટીનો અવાજ બેટનો એજ લાગ્યો હોવાનો ભ્રમ ઉભો કરવા માટે કરવામાં આવ્યો હતો.
Clicky Ponting Controversy: ‘ક્લિકી પોન્ટિંગ’ નામથી સોશિયલ મીડિયા પર થયો વાયરલ
આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર લોકો આ ખેલાડીને મજાકમાં ‘Clicky Ponting’ નામથી બોલાવવા લાગ્યા. આ નામ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગના (Ricky Ponting) નામ પરથી રાખવામાં આવ્યું છે. વીડિયો લાખો લોકો સુધી પહોંચ્યો છે અને ક્રિકેટ ચાહકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
લીગે ઔપચારિક ફરિયાદ બાદ તપાસ શરૂ કરી

વિવાદ વધતા સંબંધિત ક્રિકેટ લીગે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે ડિવિઝન-2ની મેચ અંગે ઔપચારિક ફરિયાદ મળી છે. લીગે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી વધુ કોઈ ટિપ્પણી નહીં કરવામાં આવે તેમ સ્પષ્ટ કર્યું છે.
માત્ર એક મેચ નહીં, આખી સિઝનમાં ચાલતી હોવાનો આરોપ
નોર્ટન ટીમના ખેલાડી નોમાન શબ્બીરે દાવો કર્યો છે કે આ માત્ર એક મેચની ઘટના નહોતી. તેમના જણાવ્યા મુજબ, અનેક મેચોમાં અને અલગ-અલગ ક્લબ સામે પણ આવી જ રીત અપનાવવામાં આવી હતી. તેમનું કહેવું છે કે જ્યારે આ ‘ક્લિકિંગ’ બંધ થયું ત્યારે વિકેટ મળવાનું પ્રમાણ પણ ઘટી ગયું હતું.
અન્ય ટીમના કેપ્ટને પણ ઉઠાવ્યા સવાલ
મિડલ્સબ્રાના કેપ્ટન રોરી કોટ્રિલે પણ આરોપ લગાવ્યો કે તેમની ટીમના બે યુવા બેટરો સાથે પણ આવી ઘટના બની હતી. તેમણે જણાવ્યું કે નોન-સ્ટ્રાઈકર એન્ડ પરથી તેમણે પોતાની આંખે આખી ઘટના જોઈ હતી અને આ પ્રકારની રીત રમતની ભાવનાની વિરુદ્ધ હોવાનું(Cricket Fair Play) જણાવ્યું હતું.
વિકેટકીપરના રેકોર્ડ પણ ચર્ચામાં
વિવાદ બાદ સોલ્ટબર્નના વિકેટકીપર જોશ બોવ્સના આંકડાઓ પણ ચર્ચામાં આવ્યા છે. તેમણે આઠ મેચમાં 31 કેચ લીધા હોવાનો અને એક જ ઇનિંગ્સમાં આઠ કેચ ઝડપ્યાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. હવે આ પ્રદર્શન અંગે પણ સોશિયલ મીડિયા પર વિવિધ સવાલો ઉઠી રહ્યા છે, જોકે આ અંગે કોઈ સત્તાવાર નિષ્કર્ષ જાહેર થયો નથી.
જાણીતા ક્રિકેટરો અને મીડિયા પણ જોડાયા ચર્ચામાં
આ વીડિયો ત્રણ મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઝડપી બોલર ડેલ સ્ટેન સહિત અનેક જાણીતી હસ્તીઓએ આ ઘટનાને લઈને પ્રતિક્રિયા આપી છે. બ્રિટન સહિત અન્ય દેશોના મીડિયા સંસ્થાઓએ પણ આ ઘટનાને પ્રાધાન્ય આપ્યું છે.
બ્રાયન ડિવાઈનનું નામ ચર્ચામાં
બ્રિટિશ મીડિયા અનુસાર, આ વિવાદમાં જે ફિલ્ડરનું નામ ચર્ચામાં છે તે બ્રાયન ડિવાઈન(Brian Devine) છે. તેમની પ્રતિક્રિયા માંગતા તેમણે માત્ર એટલું જ કહ્યું કે તેઓ હાલ આ મામલે કોઈ ટિપ્પણી કરી શકતા નથી. બીજી તરફ, ક્લબ સાથે જોડાયેલા કેટલાક લોકોએ તેમના બચાવમાં પણ નિવેદનો આપ્યા છે.
તપાસ પૂર્ણ થયા બાદ જ થશે હકીકત સ્પષ્ટ
હાલ સમગ્ર મામલે લીગની તપાસ ચાલુ છે. તેથી ફિલ્ડરે ઇરાદાપૂર્વક અમ્પાયરને ભ્રમિત કરવાનો પ્રયાસ કર્યો હતો કે નહીં, તે અંગે કોઈ અંતિમ નિર્ણય આવ્યો નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ આ વિવાદ અંગે સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થશે.
આ પણ વાંચો: એશિયન ગેમ્સ 2026 માટે ભારતીય હોકી ટીમ જાહેર: હરમનપ્રીત સિંહ ફરી કેપ્ટન
આ પણ વાંચો: ગ્લાસગો ગેમ્સમાં ભારતીય એથ્લેટ્સ મચાવશે ધૂમ; બોક્સિંગ અને 7 ગોલ્ડ મેડલ પર ભારતની નજર, જુઓ પૂરૂં શેડ્યૂલ
આ પણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતનો શાનદાર દેખાવ, ભારતના ખાતામાં 12 મેડલ
