Banaskantha News/ “દાદા, તમે આવશો ને?” – નાનકડી સામ્યાના એક પ્રશ્ને મુખ્યમંત્રીને બનાસકાંઠા ખેંચી લાવ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) બનાસકાંઠાની ધોરણ-1 ની દીકરી સામ્યાને આપેલું વચન નિભાવ્યું. શાળાની મુલાકાત લઈ તેને કલેક્ટર બનવાના આશીર્વાદ આપ્યા.

Gujarat Top Stories Others
CM Bhupendra Patel Banaskantha School Visit

CM Bhupendra Patel Banaskantha School Visit: ‘જે કહેવું તે કરવું’ — વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યમંત્રને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં સાકાર કરી બતાવ્યો છે. એક વર્ષ પહેલાં વીડિયો સંવાદમાં ધોરણ-૧ની એક નાનકડી દીકરીને આપેલું વચન પાળવા મુખ્યમંત્રી ખુદ તેની શાળાએ પહોંચ્યા ત્યારે વાતાવરણ ભાવુક બની ગયું હતું.

“દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?”

આ કિસ્સાની શરૂઆત ૨૮ એપ્રિલ, ૨૦૨૫ના રોજ થઈ હતી. એક વીડિયો સંવાદ દરમિયાન બનાસકાંઠાની પી.એમ.શ્રી ઉત્તમપુરા (ડાંગીયા) પ્રાથમિક શાળામાં ભણતી દીકરી સામ્યા પ્રજાપતિએ ખૂબ જ નિર્દોષતાથી મુખ્યમંત્રીને પૂછ્યું હતું, “દાદા, તમે અમારી સ્કૂલમાં ક્યારે આવશો?” ત્યારે મુખ્યમંત્રીએ સ્મિત સાથે વચન આપ્યું હતું કે, “હું જ્યારે ત્યાં આવીશ ત્યારે ચોક્કસ તને મળવા આવીશ.”

CM Bhupendra Patel Banaskantha School Visit

CM Bhupendra Patel એ વચન પાળવા પ્રોટોકોલ બાજુ પર મૂક્યો

મુખ્યમંત્રી અંબાજી કોરીડોરના ખાતમુહૂર્ત માટે બનાસકાંઠાના પ્રવાસે હતા. વ્યસ્ત કાર્યક્રમો વચ્ચે પણ તેમને નાનકડી સામ્યાની એ લાગણી યાદ હતી. તેમણે ખાસ સૂચના આપીને સામ્યાના ગામની શાળાની મુલાકાત ગોઠવી. મુખ્યમંત્રીએ શાળામાં પહોંચીને સામ્યા અને અન્ય બાળકો સાથે આત્મીય સંવાદ સાધ્યો.

CM Bhupendra Patel Banaskantha School Visit

“ભણીને કલેક્ટર બનજે” – દાદાના આશીર્વાદ

મુલાકાત દરમિયાન સામ્યાએ મુખ્યમંત્રી સમક્ષ શ્લોક પાઠ કર્યા હતા. તેનાથી પ્રભાવિત થઈને ભૂપેન્દ્ર પટેલે દીકરીને માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું, “તું ભણીને મોટી થઈને કલેક્ટર બનજે અને પછી મને મળવા આવજે.” સામે દીકરી સામ્યાએ પણ પૂરા આત્મવિશ્વાસ સાથે દાદાને વચન આપ્યું કે તે મોટી થઈને તેમને ચોક્કસ મળશે.

આજે મારું સપનું પૂરું થયું: સામ્યા

પોતાની ખુશી વ્યક્ત કરતા સામ્યાએ કહ્યું કે, “મેં દાદાને કહ્યું હતું કે તમે આવશો ને, અને દાદાએ વાત યાદ રાખી. આજે મારું અને મારી સ્કૂલનું સપનું પૂરું થયું છે.” મુખ્યમંત્રીની આ સહજતા જોઈને શાળાના શિક્ષકો અને ગ્રામજનોમાં પણ આનંદની લાગણી પ્રસરી ગઈ હતી. આ પ્રસંગે મંત્રી પ્રવીણભાઈ માળી અને અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


આ પણ વાંચો : ભારત-યુ.એસ. ટ્રેડ ડીલ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

આ પણ વાંચો : આયુષ્માન કાર્ડથી કેન્સર સામે લડશે, ભૂપેન્દ્ર પટેલે કહ્યું આ કાર્ડ માત્ર કાગળનો ટુકડો નથી….

આ પણ વાંચો : દ્વારકાધીશના શરણે CM ભૂપેન્દ્ર પટેલ, જગતમંદિરમાં પાદુકા પૂજન કરી આશીર્વાદ મેળવ્યા