Ahmedabad News: સીએમ ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીના “દરેકના માથે પાકી છત”ના સંકલ્પને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંતર્ગત અમદાવાદ શહેરમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. શહેરમાં રૂ. 4,501 કરોડથી વધુના ખર્ચે હજારો લાભાર્થીઓને આવાસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્વચ્છતા ક્ષેત્રે પણ અમદાવાદે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં અમદાવાદને “સૌથી સ્વચ્છ શહેર”નો એવોર્ડ પ્રાપ્ત થયો છે.
તેમણે કહ્યું કે, આવનારા સમયમાં અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ ગેમ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન થવાનું હોવાથી શહેરને ગ્લોબલ સ્ટાન્ડર્ડ મુજબ વિકસાવવા માટેના વિશેષ પ્રયાસો ચાલી રહ્યા છે. આ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટને ગિફ્ટ સીટી સુધી લંબાવવાનું આયોજન છે. ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. જેનાથી સમગ્ર વિસ્તારના હોલિસ્ટિક વિકાસને વેગ મળશે.

મુખ્યમંત્રીશ્રી વધુમાં જણાવ્યું કે, આ સાથે જ રાજ્ય સરકારે સુપોષિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવા આંગણવાડી સેવાઓને ડિજિટલ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. “પોષણ ટ્રેક” એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓની માહિતી રિયલ ટાઈમમાં અપડેટ થશે, સેવાઓનું મોનિટરિંગ વધુ મજબૂત બનશે અને સગર્ભા માતાઓ તથા બાળકોના આરોગ્યનું સમયસર અનુસરણ શક્ય બનશે. આ માટે આજે આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટફોનનું વિતરણ પણ કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે આપણા શહેરો, મહાનગરો અને ગામો સ્વચ્છ, હરિયાળા અને ક્લાઈમેટ-ફ્રેન્ડલી બને તે માટે સૌએ સંકલ્પબદ્ધ બનીને કાર્ય કરવું જોઈએ. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે વિકસિત અને સુપોષિત ગુજરાતના નિર્માણ માટે સૌને સાથે મળી કામ કરવા અનુરોધ કર્યો હતો.

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને ટેકનોલોજી સાથે જોડીને વધુ સશક્ત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યભરની આશરે ૫૫ હજારથી વધુ આંગણવાડી કાર્યકર બહેનોને સ્માર્ટ મોબાઇલ ફોન વિતરણ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે આંગણવાડી સેવાઓ વધુ અસરકારક બનશે. તેમણે જણાવ્યું હતું કે આંગણવાડી બહેનો દ્વારા કેન્દ્રોમાં આવતાં બાળકોનું વજન માપવું, પોષણ સંબંધિત માહિતી એકત્ર કરવી અને ‘પોષણ ટ્રેકર’ એપ્લિકેશનમાં ડેટા અપલોડ કરવા જેવી કામગીરી હવે વધુ સરળ અને ઝડપી બની રહેશે. આથી બાળકોના આરોગ્ય અને પોષણ પર સતત નજર રાખી શકાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે આંગણવાડી કેન્દ્રોમાં આવતાં બાળકોને આપવામાં આવતું ટેક હોમ રેશન (THR) યોગ્ય રીતે પહોંચે છે કે નહીં તેમજ ગર્ભવતી અને ધાત્રી માતાઓને આપવામાં આવતી સહાય અને કીટ અંગેની વિગતો પણ હવે સરળતાથી પ્રાપ્ત થઈ શકશે.

મંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય સરકારે આંગણવાડી સુવિધાઓ વધુ મજબૂત બનાવવા માટે રૂ. ૩૬૦ કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે, જેના કારણે નવા આંગણવાડી ભવન અને સુવિધાઓ વિકસાવવામાં આવશે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અસરકારક રીતે અમલમાં મૂકાઈ રહી છે.
રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ શહેરી વિકાસના ક્ષેત્રમાં દેશભરમાં નવી દિશા મળી છે. અમદાવાદ શહેરના નગરજનોને સારા રસ્તા, સુવિધાસભર માળખાકીય વિકાસ અને પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવું રાજ્ય સરકારની મુખ્ય પ્રાથમિકતા છે.
તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ વિકાસકાર્યો માટે કોઈ પણ પ્રકારની આર્થિક અછત રહેતી નથી. સરકાર દ્વારા સતત વિકાસકાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. અગાઉના સમયમાં કોર્પોરેશન પાસે વિકાસ માટે મર્યાદિત સંસાધનો હતા, પરંતુ હાલમાં રાજ્ય સરકારના સહકારથી શહેરોમાં માર્ગ, બ્રિજ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઉપરાંત ગરીબો માટે આવાસ નિર્માણ જેવા મહત્વપૂર્ણ કાર્યો પણ કરવામાં આવ્યા છે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચનમાં શહેરના વિકાસ કાર્યોની માહિતી સાથે આગામી આયોજન અંગે વિસ્તૃત જાણકારી હતી. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદના સ્મૃતિ ગ્રંથ – કોફી ટેબલ બુક નું અનાવરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઇ મકવાણા અને શ્રી નરહરિ અમીન, સ્થાનિક ધારાસભ્યશ્રીઓ, મ્યુનિસિપલ વહીવટદાર શ્રી મુકેશ કુમાર, મહિલા અને બાળ વિકાસ સચિવ શ્રી રાકેશ શંકર, ઔડાના CEO શ્રી દેવાંગ દેસાઈ સહિત અગ્રણીઓ, આંગણવાડી કાર્યકરો અને નગરજનો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યમાં AI ક્રાંતિને વેગ આપવા માટે ગુજરાત 100+ GPU પૂરા પાડશે
**
AI સ્ટાર્ટઅપ સંવાદ”ના સફળ આયોજન બાદ, ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ, વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ, ગુજરાત સરકાર હેઠળ, રાજ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ પહેલ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલના ટેકનોલોજી આધારિત અને નાગરિકકેન્દ્રિત શાસનના દ્રષ્ટિકોણ સાથે સુસંગત છે.
આ પહેલના ભાગરૂપે, ભારત સરકારની IndiaAI Mission હેઠળ આધુનિક AI કમ્પ્યુટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતમાં કાર્યરત કરવામાં આવી રહ્યું છે. તેમાં 100 થી વધુ હાઇ-પરફોર્મન્સ GPUs ઉપલબ્ધ કરવામાં આવશે, જે રાજ્યના સરકારી વિભાગો, શૈક્ષણિક સંસ્થાઓ અને સ્ટાર્ટઅપ્સ માટે ઉપયોગી બનશે.
આ સંયુક્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા વિવિધ હિતધારકોને AI આધારિત મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ જેમ કે મોડલ ટ્રેનિંગ, નવીન એપ્લિકેશન્સનો વિકાસ અને સ્કેલેબલ સોલ્યુશન્સના અમલીકરણ માટે સક્ષમ બનાવશે, જે જાહેર સેવા પ્રદાનમાં સુધારો અને ઔદ્યોગિક નવીનતા પ્રોત્સાહિત કરશે.
આ પહેલથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોક્યોરમેન્ટમાં લાગતો સમય અને ખર્ચ નોંધપાત્ર રીતે ઘટશે તેમજ AI આધારિત ઉકેલોના વિકાસ અને અમલીકરણની પ્રક્રિયા ઝડપી બનશે. સાથે સાથે, રાજ્યમાં સ્થાનિક AI સોલ્યુશન્સના વિકાસને પ્રોત્સાહન મળશે અને શાસન ક્ષેત્રે અસરકારક ઉપયોગ માટે ઝડપી અમલીકરણ શક્ય બનશે.
આવા આગાહીભર્યા પ્રયત્નો દ્વારા ગુજરાત સરકાર રાજ્યને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, નવીનતા અને ડિજિટલ ગવર્નન્સ ક્ષેત્રે દેશના અગ્રણી કેન્દ્ર તરીકે સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો: બટાકાના ભાવ ગગડતા ખેડૂતો પાયમાલ! ધવલસિંહ ઝાલાએ સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર
આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા
આ પણ વાંચો: સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે બોપલ ખાતે AMC દ્વારા નવનિર્મિત ઑક્સિજન પાર્કનું લોકાર્પણ કરાયું
