ગ્લાસગોના ઓવીઓ હાઇડ્રો સ્ટેડિયમ ખાતે 11 દિવસ સુધી ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ 2026 (Commonwealth Games)નો રવિવારે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં સ્કોટલેન્ડે સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ધ્વજ અને બેટન ભારતને સુપ્રત કર્યા હતા. વર્ષ 2030 માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની ઐતિહાસિક 100 મી આવૃત્તિનું આયોજન ગુજરાતના અમદાવાદ ખાતે થશે. 2010 માં નવી દિલ્હી બાદ, ભારત ઓસ્ટ્રેલિયા પછી એકથી વધુ વખત આ બહુ-રમતોત્સવની યજમાની કરનારો વિશ્વનો બીજો દેશ બનશે.
પ્રિન્સ એડવર્ડે આપી અમદાવાદ ગેમ્સની હાકલ, જયસ્મિન બની ફ્લેગ બેરર
બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાના પ્રતિનિધિ પ્રિન્સ એડવર્ડ (ડ્યુક ઓફ એડિનબર્ગ)એ સ્પર્ધાના સમાપનની સત્તાવાર જાહેરાત કરી તમામ દેશોના ખેલાડીઓને ચાર વર્ષ બાદ 24મી કોમનવેલ્થ ગેમ્સ માટે અમદાવાદ આવવા નિમંત્રણ આપ્યું હતું. ભારતીય મહિલા બોક્સિંગમાં ગોલ્ડ મેડલ વિજેતા જયસ્મિન લેમ્બોરિયાએ સમાપન સમારોહમાં ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ પાસેથી સીડબલ્યુજી પ્રમુખ ડૉ. ડોનાલ્ડ રુકાર, ગોલ્ડન બોય નીરજ ચોપરા, આઈઓએ અધ્યક્ષ પીટી ઉષા અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુધી ધ્વજ પહોંચતાં જ યજમાનીની જવાબદારી ભારતને મળી હતી.
ઇન્ડો-સ્કોટિશ સાંસ્કૃતિક જુગલબંધી અને શંકર મહાદેવનનો સૂર સામ્રાજ્ય
સમાપન સમારોહમાં ભારત અને સ્કોટલેન્ડના કલાકારો વચ્ચે અદ્ભુત સાંસ્કૃતિક રજૂઆત જોવા મળી હતી. જાણીતા ગાયક શંકર મહાદેવન, તેમના પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે દેશભક્તિના ગીતો રજૂ કરીને વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. જ્યારે ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાના ગીતો દ્વારા વિશ્વભરના ખેલાડીઓને ગુજરાત અને અમદાવાદમાં પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું.
13 ગોલ્ડ સાથે ભારતે મેળવ્યું ચોથું સ્થાન
કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભારતે કુલ 39 મેડલ (13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ) પોતાના નામે કરીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. માત્ર 122 ખેલાડીઓની નાની ટુકડી સાથે ભાગ લેવા છતાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહ બે મેડલ જીતનાર એકમાત્ર ખેલાડી બન્યા હતા. હવે સમગ્ર વિશ્વની નજર 2030 ની શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ પર ટકેલી છે.
આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો સુવર્ણ દિવસ, એક જ દિવસે 16 મેડલ જીતી રચ્યો ઇતિહાસ
આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સનો આજે છેલ્લો દિવસ; અમદાવાદને સોંપાશે 2030ની યજમાની, ભારતની નજર મેડલ પર
આ પણ વાંચો :કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા વધુ બે ગોલ્ડ અને બે મેડલ; મેડલ ટેલીમાં ભારત છઠ્ઠા સ્થાને
