Rajkot News : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશને બિલ્ડરને લહાણી કર્યાનો ઘટસ્ફોટ થયો છે. આ મામલે યુનિવર્સિટી દ્વારા કોર્પોરેશનને અત્યારસુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હજુ સુધીમાં કોઈ જવાબ મળ્યો નથી. આ મામલે આજે (25 જુલાઈ) પ્રદેશ NSUI સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા. એમાં કાર્યકરો મેયર, મ્યુનિસિપલ કમિશનર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ-પ્રમુખ બન્યા હતા, સાથે પાર્ટીફંડ મળ્યા બાદ મનપામાં ફાઈલ પાસ થઈ જતી હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો, જોકે આ વખતે ત્યાં હાજર પોલીસે કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.
રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા, જેઓ હાલ TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં જેલમાં છે, તેનું વધુ એક કારસ્તાન સામે આવ્યુ છે. શહેરના યુનિવર્સિટી રોડ પર રૈયા સર્વે નંબરમાં આવેલી 1,542 ચોરસ મીટર જમીન કોર્પોરેશન દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કર્યા વિના બિલ્ડરને આપી દીધી હોવાનો પત્ર સામે આવ્યો છે. ત્યારે કુલપતિએ ગઈકાલે (24 જુલાઈને બુધવાર) કહ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન અમારી જાણ બહાર કોર્પોરેશન દ્વારા ઉપયોગ કરવામાં આવી છે. અત્યારસુધીમાં 10 વખત પત્ર લખવામાં આવ્યો છે. જમીન પરત મેળવવા માટે ચાલુ માસમાં 10 જુલાઈએ પત્ર લખ્યા બાદ હજુ સુધી જવાબ મળ્યો નથી. કોર્પોરેશનમાંથી જવાબ આવ્યા બાદ કાયદાકીય કાર્યવાહી બાબતે નિર્ણય લેવામાં આવશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડૉ. કમલ ડોડિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2021માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જમીન બાબતે વિવાદ થયો હતો. એ જમીન બાબતે કોર્પોરેશન અને સરકારને અત્યારસુધીમાં 10થી વધુ વખત પત્રો લખ્યા છે. ચાલુ માસે જ કોર્પોરેશનને પત્ર લખવામાં આવ્યો છે. અમારા કબજાની જમીન જે છે એ કોર્પોરેશનમાં જતી રહી છે. 1542 ચોરસ મીટર જમીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને જાણ કર્યા વિના કોર્પોરેશન દ્વારા બિલ્ડરને સોંપી દેવામાં આવી છે. અમારી જાણ મુજબ મહાનગરપાલિકા દ્વારા TP સ્કીમ હેઠળ આ જમીનનો કબજો લેવામાં આવ્યો છે, જોકે આ જમીન ટીપી સ્કીમમાં આવતી નથી એ બાબતે સરકારને પણ રજૂઆત કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારમાંથી પણ રાજકોટ મહાનગરપાલિકાનું માર્ગદર્શન મેળવવા માટેનું કહેવામાં આવ્યું છે, જેથી અમે કોર્પોરેશનને પત્ર લખેલો છે, પરંતુ તેમના તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. અમારા ડોક્યુમેન્ટ મુજબ વર્ષ 1968થી એ જમીન અમારી છે. લેન્ડ ગ્રેબિંગ અંગે પણ ફરિયાદ કરેલી છે, પરંતુ લેન્ડ ગ્રેબિંગના કાયદા મુજબ જમીન પચાવી પાડી એવું થતું નથી, કારણ કે આ ડીલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કોર્પોરેશન વચ્ચે થઈ છે.
આ બાબતે મનપાના કમિશનર ડી. પી. દેસાઈ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન આજે બપોરે NSUI પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિતના કાર્યકરો મહાનગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં પહેલેથી પોલીસ હાજર હતી. દરમિયાન કાર્યકરો મ્યુનિસિપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ટાઉન પ્લાનિંગ ઓફિસર અને શહેર ભાજપ-પ્રમુખ બન્યા હતા, જેમાં શહેર ભાજપ- પ્રમુખ પાસે બિલ્ડર બનેલો કાર્યકર પહોંચ્યો હતો અને નકલી ચલણી નોટો આપવામાં આવી હતી. શહેર ભાજપ-પ્રમુખ બનેલા કાર્યકરે મ્યુનિસિપલ કમિશનર સહિતનાને કહ્યું હતું કે બિલ્ડરની ફાઈલ પાસ કરી દો, પાર્ટીફંડ આવી ગયું છે. આ સમયે પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.
આ તકે નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કીમતી જગ્યાને મ્યુનિસિપલ કમિશનર, મેયર અને શહેર ભાજપ-પ્રમુખ દ્વારા અધ્ધરતાલ વહેંચી દેવામાં આવી છે. વિદ્યાના ધામમાં ભ્રષ્ટાચાર કરવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. જ્યારે કોંગ્રેસ કાર્યકર રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટી.આર.પી ગેમ ઝોન અગ્નિકાંડમાં TPO ઓફિસર મનસુખ સાગઠિયાની ધરપકડ થઈ છે, જેમનો કિસ્સો બહાર આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સરકારી જમીન કોર્પોરેશન દ્વારા પ્રાઇવેટ બિલ્ડરને આપી દેવામાં આવી છે. મનપામાં પૈસા ફેંક, તમાશા દેખનાં દૃશ્યો જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો:રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલનું હવે રિપબ્લિક પેવેલિયન, અશોક હોલનું નામ બદલાયું
