26 દિવસના લાંબા અનશન બાદ જાણીતા પર્યાવરણવિદ્ સોનમ વાંગચુકે હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહની હાજરીમાં પોતાના ઉપવાસ સમેટ્યા છે. વાંગચુકની માંગણીઓ પર લાંબી વાટાઘાટો બાદ સરકારે ત્રણ મુખ્ય શરતો સ્વીકારી હોવાનું સામે આવ્યું છે, જેમાં NEET પેપર લીક પીડિતોને વળતર અને કાનૂની કાર્યવાહીથી સુરક્ષા મુખ્ય છે. જોકે, આંદોલનકારીઓને કાનૂની કાર્યવાહીથી બચાવવાની શરતમાં સરકારે ઉમેરેલા એકમાત્ર ‘શાંતિપૂર્ણ’ (peaceful)શબ્દે નવી કાનૂની અને રાજકીય લક્ષ્મણ રેખા દોરી દીધી છે.
સરકારે સ્વીકારી શરતો પરંતુ મુકી સ્પષ્ટ ‘લક્ષ્મણ રેખા’
સોનમ વાંગચુકે કેન્દ્ર સરકાર સમક્ષ માંગ કરી હતી કે વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા યુવાનો સામે કોઈ દંડાત્મક કે કાનૂની આકરાં પગલાં લેવામાં ન આવે. આ માંગના જવાબમાં કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ સરકારી નિવેદન વાંચતા સ્પષ્ટ કર્યું કે, “દિલ્હીના જંતર-મંતર અને સંસદ માર્ચમાં શાંતિપૂર્ણ રીતે ભાગ લેનારા પ્રદર્શનકારીઓ સામે કોઈ કેસ દાખલ ન કરવા અંગે સરકાર સકારાત્મક છે.” આ ‘શાંતિપૂર્ણ’ શબ્દના ઉપયોગથી સ્પષ્ટ થઈ ગયું છે કે હિંસા, પથ્થરમારો કે સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારા તત્વોને કાયદાકીય કવચ મળશે નહીં.
હિંસક તત્વો સામે આકરાં પગલાં
દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ જંતર-મંતર, કનોટ પ્લેસ અને રેલ ભવન વિસ્તારમાં થયેલા પથ્થરમારા અને હિંસા સંદર્ભે એક ડઝન જેટલી FIR નોંધી છે. CCTV કેમેરા મારફતે ઉપદ્રવીઓની ઓળખ કરવામાં આવી રહી છે. વિરોધ પ્રદર્શન પૂર્ણ થયા બાદ કાયદો હાથમાં લેનારા આ તત્વો સામે આકરી કાર્યવાહી કરાશે અને તેમના પાસપોર્ટ રદ કરવા સુધીના પગલાં લેવાઈ શકે છે.
યોગેન્દ્ર યાદવે સરકારના વચન સામે ઉઠાવ્યા ગંભીર સવાલો
આ ઘટનાક્રમ વચ્ચે આંદોલનકારી નેતા યોગેન્દ્ર યાદવે સરકારના નિવેદન સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે દાવો કર્યો કે સરકારે ‘શાંતિપૂર્ણ’ શબ્દ ઉમેરીને આ શરતનો મૂળ અર્થ જ બદલી નાખ્યો છે. યાદવે પ્રશ્ન કર્યો કે, “સરકાર પોતે જ નક્કી કરશે કે કોણ શાંતિપૂર્ણ હતું અને કોણ નહીં? જે 11 FIR નોંધાઈ ચૂકી છે તેને પાછી ખેંચવાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી, તેથી આ આશ્વાસન માત્ર કાગળ પર રહી જાય છે.”
સોનમ વાંગચુકનો સંદેશ:
“બે દિવસની કઠિન વાટાઘાટો બાદ આ નિર્ણય લેવાયો છે. અમારી મુખ્ય માંગણીઓ પર ચર્ચા થઈ છે અને આંદોલનને હિંસાથી દૂર રાખવું એ જ આપણી પ્રાથમિકતા હોવી જોઈએ.”
આ પણ વાંચો :NEET પેપર લીક મુદ્દે મોદી સરકાર સામે કોક્રોચનો હુમલો: ‘આ તો હાડકું ભાંગ્યું હોય ત્યાં બેન્ડ-એડ લગાવવા જેવું’
આ પણ વાંચો :‘ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી આંદોલન ચાલુ રહેશે’: JP નડ્ડા સાથેની બેઠક બાદ CJPની જાહેરાત
આ પણ વાંચો :‘વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કેમ?’ રાહુલ ગાંધી સહિત વિપક્ષના નેતાઓ લોકસભા સ્પીકરને મળ્યા, ચર્ચાની માંગ
