કુદરતની કલ્પના બહારની અને ચમકીલી રંગસભર પક્ષી રચના એટલે કંસારો. વિસ્મયકારક અને અર્થસભર નામ છે કંસારો! કંસારો એટલે તાંબાના પાત્ર/ પતરાના વાસણ ઘડનાર શિલ્પી/ કારીગર. તાંબા ઉપર તેને ઘાટ આપવા, પાસા પાડવા માટે જ્યારે શિલ્પી સતત પોતાના હથોડી જેવા સાધનથી ઠોકે અને પાસા પાડે ત્યારે જે એક પ્રકારનો ચોક્કસ ઝણઝણાટી અને તરંગ સાથે જે અવાજ નીકળે તેવો અવાજ જો પક્ષીનો સાંભળો તો તમને તાંબાનો શિલ્પી અને પક્ષી કંસારો બંને એક સાથે યાદ આવે. આ અવાજના કારણે તેને ગુજરાતી ભાષામાં પણ ટુકટુક કહે છે. કંસારો વાસણ ટીપે ત્યારે વાસણનો અવાજ આવે તે ટોકટોક જેવો આવે અને માટે લોકો તેને ટુકટુક પણ કહે છે.

રંગરૂપ અલકમલકના આગવા, વિવિધ ઘેરા અને ચમકીલા. જેવો પોતાનો આગવો અવાજ તેવાજ આગવા અલંકારી રંગ. ગરદન સામાન્ય માપ ઘાટ કરતા ટૂંકી જે મુખ્યત્વે કંસારો બોલતું હોય ત્યારે ગળાના સ્નાયુઓની હલનચલનના કારણે ચોક્કસ ધ્યાન ખેંચે. રક્તવર્ણ/ ક્રીમસન રંગ. કપાળ, તાલકું અને છાતી સિંદૂરિયા લાલ રંગના જ્યારે આંખોની ફરતે આગવો લાલ રંગ જેની ઉપર અને નીચે પીળાશ અને લીલા રંગના પટ્ટા જાય. કાળી અને જાડી અણીદાર ચાંચની ઉપરના ભાગમાંથી એક ઘેરો કાળો રંગનો પટ્ટો આંખમાં થઈને જાય અને તેવીજ રીતે નીચેની ચાંચ પુરી થાય ત્યાંથી શરુ થઇ ડોક સુધી કાળો પટ્ટો જાય. તેની બોચી કાળી હોય જ્યારે દાઢી અને ગાળું પીળા હોય જ્યારે તેની પીઠના ભાગમાં લીલી રેખાઓ જાય. પેટનો ભાગ થોડો આછો કહેવાય તેવો પીળો હોય. ગરદનથી પીઠનો ભાગ ઘેરો લીલો હોય. ટૂંકી પૂંછડી અને નીચેથી આસમાની રંગની. કેટલા વિવિધ રંગોની ભરમાળ અને સાથે તેટલોજ આગવો અવાજ એટલે કંસારો પક્ષી.

નર અને માદા દેખાવમાં સરખા. ઝાડમાં રહે અને એક જગ્યાએ ચેનથી બેસવું ગમે. સવારે તડકો ખાતો હોય ત્યારે અચૂક જોવા મળી જાય. તેમની બેસવાની રીત પણ આગવી, ઉભડક બેસે. તેમને ઝાડની ટોચે અને પાંદડા વિનાની ડાળ ઉપર બેઠેલા જુવો એટલે તેમના રંગરૂપને કારણે તરત દેખાય. ટેલિફોન તેમજ વીજળીના તાર ઉપર પણ જોવા મળી જાય. ૬૦ સેકન્ડમાં અધધધ ૨૦૪ અવાજના પ્રવાહ/ વેવ અને ૧૦૮ થી ૧૨૧ વખત તાલમાપક અવાજ સાંભળો તેટલે તેને ક્યારેય ભૂલી નહિ શકો અને વારેવારે જોવાનું અને સાંભળવાનું ચૂકશો નહિ. ગરમીની ઋતુ સારું થાય તેમ બોલતું સંભળાય. જેમ જેમ ગરમી વધે તેમ તેમ તે વધારે બોલે અને બોલતી વખતે તેની ડોક બે બાજુ ફેરવતું જાય માટે સાંભળનારને જલ્દી ખ્યાલ ન આવે કે કઈ દિશામાંથી અવાજ આવે છે. બોલવાનું શરુ કરે પછી બંધજ ન થાય અને નિરંતર દિવસભર બોલ્યાજ કરે.

ખાવા માટે ભારે ઉતાવળિયું. ચોમાસાની ઋતુમાં, ખાસ કરીને ઉધઈને ઊડતી જુવે એટલે ખાવા માટે અધીરું થઇ ખાવા જાય અને ઉધઈ ઉડે એટલે તેનો લાભ બીજા પક્ષીઓ લઇ લે અને જયાફત ઉડાવી લે. તેઓ જીવડાં પણ ખાઈ લે છે. તેઓને રસ વાળા ફળ પણ બહુ ભાવે. ફળમાં જામફળ, કેરી, રસ ઝરતા ફળ ખાવાના શોખીન હોઈ ફળોની વાડી પાસે વધારે જોવા મળે. ખાવામાં તેમને વડ, પીપળા, ઉંબરા જેવા વૃક્ષના ટેટા બહુ ભાવે અને જે વૃક્ષ ઉપર ટેટા દેખાય તે વૃક્ષ ઉપર એક સાથે તે વિસ્તારના પાંચ થી સાત, બધા કંસારા એક સાથે જોવા મળે અને સાથે જોવાનો ચોક્કસ લાભ મળે કારણકે સામાન્ય રીતે એકલ દોકલ ફરતા હોય છે. પોતાના વજન કરતા દોઢો કે ત્રણ ઘણો ખોરાક ખાઈ શકે છે.

ભારતના ઉપખંડમાં, દક્ષિણ પૂર્વ એશિયામાં જોવા મળે છે. ૧૭૭૬ની સાલમાં ફિલિપીન્સમાં તેની પહેલી નોંધ જોવા મળે છે. પ્રજનનની ઋતુમાં તેઓ ગાઈને, ગળાને ફુલાવીને અને લોલકની જેમ માથાને હલાવીને નર કંસારો માદા કંસારાને પોતાની તરફ આકર્ષે છે. ભારત માટે ફેબ્રુઆરી થી એપ્રિલના માસના વધારે ગરમીના મહિના પ્રજનનની ઋતુ છે અને તે ઉપરાંત વચમાં જયારે જ્યારે વધારે ગરમી પડે ત્યારે તેઓ પ્રજનન કરતા જોવા મળે છે. માળા માટે તેઓ વૃક્ષની બખોલ પસંદ કરે છે અને તેવી બખોલ માટે બુલબુલ, દેવ ચકલી અને બીજા પક્ષીઓ તેમના માળા ને ફેંદી નાખે કે તોડી નાખે તેવું પણ બનતું હોય છે. માદા કંસારો ૩ થી ચાર ઈંડા મૂકે છે. નર અને માદા બંને તેને સેવે છે અને લગભગ બે અઠવાડિયામાં તેના બચ્ચા બહાર આવી જાય છે.

શિકારી પક્ષી અને પેસ્ટીસાઇડ તેમના જીવન માટે ખતરો બની રહે છે. શહેરી વિસ્તારમાં સફેદ દીવાલ સાથે અથડાઈ જવાના બનાવ બની તેમને માથામાં હેમરેજ થઇ જીવ પણ જતો રહે છે.
લેખક : જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
(ફોટોગ્રાફ્સ સહયોગ: સેજલ શાહ ડેનિઅલ, વનિત ડેનિઅલ અને દિપક પરીખ.)
આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ. સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો
Love – Learn – Conserve
