દેશભરમાં કહેર મચાવી ચુકેલી કોરોનાની બીજી વેવ તમામ રાજ્યો માટે ઘાતક સાબિત થઇ ચુકી છે, પરંતુ હવે ૨ મહિના જેટલા સમય બાદ જયારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે, ત્યારે હવે સરકારે ધાર્મિક સ્થળો ખોલવાની મંજુરી આપી છે.
રાજ્ય સરકાર દ્વારા આવતીકાલે એટલે કે 11 જૂનથી સવારે 6 વાગ્યાથી કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવશે, જેના ભાગરૂપે રાજ્યના તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે દર્શનાર્થે ખુલ્લાં રહેશે.
11 જુનથી ધાર્મિક સ્થળો ચાલુ થઇ રહ્યા છે, પરંતુ કોરોનાના સંક્રમણને જોતા હવે સરકારે એક સમયે એક સાથે 50 થી વધુ દર્શનાર્થીઓ એકત્રિત ન થાય તેમજ એસ.ઓ.પી.નું પાલન પણ કરાવવાનું રહેશે.
શુક્રવારથી રાજ્યમાં જે મંદિરો ખુલી રહ્યા છે, એમાં પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ મહાકાળી માતાજી મંદિર, ડભોઇમાં આવેલ કુબેરભંડારી મંદિર, બોટાદનું વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર સહિતના અન્ય સુપ્રસિદ્ધ મંદિરો ખુલશે અને ભક્તો પોતાના ભગવાનના દ્વાર પર જઈ શકશે.
આવતીકાલથી ખુલનારા મંદિરોમાં પાવાગઢ મંદિર સવારે 6.00 થી સાંજે 7.30 સુધી મંદિરમાં પ્રત્યક્ષ દર્શનનો લાભ ભક્તો લઈ શકશે. આ માટે મંદિર તથા ભક્તોએ કોરોના ગાઈડલાઇનનું પાલન કરવું પડશે.
આ ઉપરાંત કરનાળી સ્થિત કુબેર ભંડારીનું મંદિર ભક્તો સવારે 7 થી સાંજે 6:30 સુધી દર્શન કરી શકશે. આ મંદિરમાં પણ ભક્તો કોરોનાના નિયમો અનુસાર દર્શન કરી શકશે. આ સાથે રાજ્ય સરકારની નવી ગાઈડલાઇન મળતા સાળંગપુર હનુમાનજી મંદિરના દ્વાર ભક્તો માટે ખૂલશે.
