Dahod Fatepura Gatar Line Issue: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકા મથકેથી વહીવટી તંત્ર અને સ્થાનિક ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. ફતેપુરાના મુખ્ય ગણાતા પોલીસ સ્ટેશન રોડ પર છેલ્લા એક મહિનાથી ગટર લાઇન નાખવાની કામગીરી અધૂરી મૂકી દેવામાં આવતા સ્થાનિક રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના નામે ખોદાયેલા ખાડાઓ એમ જ છોડી દેવાતાં સ્થાનિકો માટે હવે જીવનું જોખમ ઊભું થયું છે.

Dahod : ઘર આંગણે ખાડા ખોદી કોન્ટ્રાક્ટર ગાયબ
મળતી માહિતી અનુસાર, ફતેપુરા પોલીસ સ્ટેશન રોડ પર ગટર બનાવવા માટે અંદાજે એક મહિના પહેલા મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. સ્થાનિકોને આશા હતી કે આ કામ ઝડપથી પૂરું થશે, પરંતુ કોન્ટ્રાક્ટર અને તંત્ર ગટર માટે ઊંડા ખાડા ખોદીને કામ અધૂરું છોડીને ગાયબ થઈ ગયા છે.
લોકોના ઘરની બરાબર આગળ જ આ ખાડા હોવાના કારણે સ્થાનિકોને પોતાના વાહનો બહાર કાઢવામાં કે પગપાળા અવરજવર કરવામાં પણ અત્યંત હાલાકી ભોગવવી પડી રહી છે. નાના બાળકો અને વૃદ્ધો માટે આ રસ્તા પરથી પસાર થવું જોખમી બન્યું છે.

સરપંચ અને R&B વિભાગ વચ્ચે ‘ખો’ ની રમત
આ વિકટ સમસ્યા અંગે જ્યારે સ્થાનિક રહિશોએ રજૂઆત કરી ત્યારે સરકારી તંત્રની ઉદાસીનતા અને લાલિયાવાડી છતી થઈ હતી. આ અધૂરી કામગીરી બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતના સરપંચ અને માર્ગ-મકાન વિભાગ (R&B Department) એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે.
બંને પક્ષો પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે એકબીજાને ‘ખો’ આપી રહ્યા છે, જેના કારણે કામ અધવચ્ચે લટકી પડ્યું છે. સરકારી બાબુઓ અને પદાધિકારીઓની આ અંદરોઅંદરની ખેંચતાણમાં નિર્દોષ પ્રજા પીસાઈ રહી છે.
આ પણ વાંચો: દાહોદ ભાજપમાં સેન્સ પ્રક્રિયાનો ધમધમાટ
આ પણ વાંચો: દાહોદમાં અનોખી રાજકીય ઘટના : એક ઉમેદવાર, 3 પક્ષોના મેન્ડેટ
આ પણ વાંચો: દાહોદના ફતેપુરામાં ભાજપને ઝાટકો, મોટી રેલના ડેપ્યુટી સરપંચ કોંગ્રેસમાં જોડાયા
