રાજકોટ,
ગુજરાતમાં દલિતો પરના અત્યાચારનો અંત આવતો નથી. રાજ્યના રાજકોટની શાપર ઇન્ડસ્ટ્રીમાં કચરો ફેંકવા જેવી નજીવી બાબતે એક દલિત યુવાનને ઢોર માર મારતાં તેનું મોત થયું હતું. રાજકોટની શાપર ઈન્ડસ્ટ્રીમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રી નજીક કચરો ફેંકતા યુવાન મુકેશ વાણીયા અને તેની પત્નીને ક્રુરતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. જેથી યુવકનું મોત થયું હતું. જ્યારે તેની પત્નીને હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
મુકેશ વાણિયાને ચાર યુવકો બેહરમીથી ફટકારે છે તેનો વીડીયો પણ વાઇરલ થતાં ભારે ચકચાર મચી હતી.
મળતી માહિતી પ્રમાણે રાજકોટના શાપર વેરાવળમાં આવેલી રાદડિયા ઈન્ડસ્ટ્રી નજીક 35 વર્ષીય યુવાન અને તેની પત્નીએ કચરો ફેંકતાં હતાં. આ દરમિયાન કારખાનાના માલિક અને તેના કામદારો દ્વારા ચોરી કરવાના આક્ષેપ સાથે યુવાન અને તેની પત્નીને ઢોર માર માર્યો હતો. બેરહેમીપૂર્વક માર મારતાં યુવકે ઘટનાસ્થળે જ દમ તોડ્યો હતો.
મુકેશને માર મારવાની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેનો વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે બે વ્યક્તિઓ પાઈપ દ્વારા યુવકને ફટકારી રહ્યાં છે અને યુવક પોતાને છોડી મૂકવા માટે આજીજી કરી રહ્યો છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક યુવાનની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી તેની પત્નીની ફરિયાદના આધારે કારખાનાના માલિક અને તેના કામદારો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.
અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરીને ગુજરાત દલિતો માટે સલામત ન હોવાનું કહ્યું છે.
'Mr. Mukesh Vaniya belonging to a scheduled caste was miserably thrashed and murdered by factory owners in Rajkot and his wife was brutally beaten up'.#GujaratIsNotSafe4Dalit pic.twitter.com/ffJfn7rNSc
— Jignesh Mevani (@jigneshmevani80) May 20, 2018
