World News : G7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટોને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી સાથેની બેઠક દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે ઈરાન સાથેનો હાલનો સમજૂતી કરાર હજુ અંતિમ તબક્કે પહોંચ્યો નથી અને જો અમેરિકા માટે અનુકૂળ પરિણામ ન આવે તો લશ્કરી કાર્યવાહીનો વિકલ્પ ખુલ્લો રહેશે.
ટ્રમ્પે જણાવ્યું કે ઈરાન (Iran) સાથેની ચર્ચાઓમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે અને એક મજબૂત કરાર તરફ આગળ વધી રહ્યા છે. જોકે, તેમણે ઉમેર્યું કે કરારનું અંતિમ સ્વરૂપ હજુ નક્કી થયું નથી અને તેના વિશે તમામ વિગતો જાહેર કરવામાં આવી નથી.
તેમણે કહ્યું કે મોટાભાગના લોકો સંભવિત સમજૂતીથી સંતુષ્ટ જણાઈ રહ્યા છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, સફળ કરાર વૈશ્વિક આર્થિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ બની શકે છે, જ્યારે તેની નિષ્ફળતા વૈશ્વિક અર્થતંત્ર માટે પડકારો ઊભા કરી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ઈરાન (Iran) માં અમેરિકાના 300 અબજ ડોલરના રોકાણ અંગેના અહેવાલોને પણ નકારી કાઢ્યા
આ દરમિયાન ટ્રમ્પે ઈરાન (Iran) માં અમેરિકાના 300 અબજ ડોલરના રોકાણ અંગેના અહેવાલોને પણ નકારી કાઢ્યા હતા. તેમણે આવા દાવાઓને સંપૂર્ણપણે ખોટા ગણાવતાં જણાવ્યું કે કોઈપણ સંભવિત કરાર હેઠળ આ પ્રકારનું રોકાણ આયોજનમાં નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે જો અંતિમ કરાર અમેરિકાના હિતોને અનુરૂપ નહીં હોય તો વોશિંગ્ટન અન્ય તમામ વિકલ્પો પર વિચાર કરી શકે છે. તેમના આ નિવેદનને ઈરાન માટે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યું છે.
વિશ્લેષકોના મતે અમેરિકાની હાલની નીતિ રાજદ્વારી પ્રયાસો અને દબાણની વ્યૂહરચના બંને પર આધારિત છે. G7 Summit દરમિયાન ટ્રમ્પના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે અમેરિકા એક તરફ સમજૂતીની શક્યતાઓ જાળવી રાખવા માંગે છે, જ્યારે બીજી તરફ પોતાના વ્યૂહાત્મક હિતો સાથે કોઈ સમાધાન કરવા તૈયાર નથી.
